ઉચ્ચ કોટિની ચિરસ્મરણીય નાટ્યકૃતિ સર્જાઈ હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે.' ૩૧ નાટ્યકૃતિ ભલે અનવદ્ય ન જોવા મળી હોય પણ વ્યાપક સંદર્ભમાં નાટકનો સ્વરૂપ અને પ્રયોગની દૃષ્ટિએ વિકાસ થયો છે. નાટક જોનારા જ નહીં વાંચનારાઓ પણ વધ્યા છે એમ માનતા શેખડીવાળા ૧૯૬૦થી ૧૯૮૦ના બે દાયકાનાં નાટકોની વિકાસરેખા આલેખે છે. આ બે દાયકા દરમિયાન પ્રગટ થયેલાં નાટ્યપુસ્તકોને જોઈને તેમણે કહ્યું છે કે 'ગુજરાતી નાટક સાહિત્યે ટૂંક સમયમાં સારો વિકાસ કર્યો છે !' જથ્થાની દૃષ્ટિએ ગુજરાતી નાટક સંતોષકારક બન્યું છે. ઍબ્સર્ડની સંવેદના નાટકને આ બે દાયકા દરમિયાન સ્પર્શે છે. જશવંત શેખડીવાળા તેમના આ લેખમાં પહેલાં પરંપરાનુસારી નાટ્ય પ્રવાહ અને 'એબ્સર્ડ' નામથી ઓળખાતી નાટ્યરીતિમાં લખાયેલાં નાટકોનો પ્રવાહ એવા બે ભેદ પાડે છે. એબ્સર્ડ નાટ્યરીતિ આમ તો આખાય સાહિત્યને સ્પર્શે છે. નાટક પર તેનો પ્રભાવ સહુથી વધારે જણાય છે.
આ પરંપરાનુસારી નાટ્યરીતિમાં શિવકુમાર જોશી, પન્નાલાલ પટેલ કે જયંતીરામ પટેલના બે દાયકા દરમિયાન પ્રગટ થયેલાં ગંભીર અને હાસ્ય નાટકો વિશે કૃતિલક્ષી ચર્ચા કરે છે. તેમાં દર્શકનું પરિત્રાણ, ધીરુબહેન પટેલનું વિનાશ પંથે, સારંગ બારોટનું પ્રેમ સગાઈ, રઘુવીર ચૌધરીનું 'અશોક વન' વિશે અને એ ઉપરાંત જેમનું લક્ષ હાસ્ય-કટાક્ષ છે તેવા ચુનિલાલ મડિયાનું 'રામલો રોબીનહુડ', દામુ સાંગાણી 'આવ્યા એવા ગયા', તારક મહેતા – 'દુનિયાને ઊંધાં ચશ્માં' અનંત આચાર્યનું તોય અમે નાટકિયા. આદિ નાટકો અને નાટ્યકારોની રીતિ અને નાટકની ટૂંકમાં પરિચયાત્મક સમીક્ષા પણ કરી છે. પરંપરાનુસાર રીતિમાં દર્શક, પન્નાલાલ પટેલ, શિવકુમાર જોશી, ધીરુબહેન પટેલ આદિનાં નાટકોનું લક્ષ ગંભીર કથાવસ્તુની સિદ્ધિ છે. તેમાંય ક્યાંક ગંભીર પ્રહસનાત્મક નાટકો આપ્યાં છે. તેમાં સંવાદોમાં સ્પર્શનાં ચબરાકિયાં, ટુચકા, શ્લેષનું ઠીકઠીક ઉમેરણ થયું છે. વસ્તુમાં તેથી દીર્ઘસૂત્રતા અને શિથિલતા આવે છે – છતાં એકંદરે મઝા પડે તેવાં છે. એકાંકી અનેકાંકી પ્રહસનોની ભીડમાં તેથી 'નેતા-અભિનેતા', 'રામલો રોબીનહુડ', 'દુનિયાને ઊંધાં ચશ્માં' જેવાં પ્રહસનોની હાજરી કંઈક આશ્વાસન લાગે છે.' 33
ઍબ્સર્ડ નાટક આવે છે તેનાથી અનેક યુવાન કવિઓ, કલાકારો, નાટ્યકારો તેના તરફ આકર્ષાય છે. લાભશંકર ઠાકર અને સુભાષ શાહ 'એક ઉંદર અને જદુનાથ' નાટક લખે – ભજવે છે ત્યારથી અને 'રે મઠ'નાં પાંચ એકાંકીનો સંગ્રહ 'મેઈક બિલિવ' પ્રગટ થાય છે ત્યારથી નાટકમાં 'ઍબ્સર્ડ' પ્રવેશ્યું. જશવંત શેખડીવાળા કહે છે કે... લેખકો પાસેથી પૂરી યા અધૂરી કે ભેળસેળિયા યા આભાસી 'ઍબ્સર્ડ' રીતિનાં સંખ્યાબંધ નાટકો – બધાં જ એકાંકી પ્રાપ્ત થયાં. વિલક્ષણ વસ્તુ - વિચાર – પાત્ર – વાતાવરણ અને શૈલી નિરૂપણમાં આ નાટકો પૂર્વકાલીન, યા