લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૯૯
 

સમકાલીન રૂઢ રીતિનાં નાટકોથી સ્પષ્ટતઃ જુદાં તરી આવે છે. તેમનું કહેવું એવું છે કે ઍબ્સર્ડ અને રૂઢ નાટ્ય શૈલી વચ્ચે સામ્ય ઓછું વૈષમ્ય વિશેષ છે. જશવંતભાઈ બહુ સ્પષ્ટ માને છે કે 'વસ્તુતઃ દૃશ્ય, પ્રસંગ, પાત્ર, કાર્ય, સંવાદનું મનફાવે તેમ આલેખન કરી દેવાથી ગમે તેવી કૃતિ કંઈ આપોઆપ ઍબ્સર્ડ નાટક થઈ જતી નથી. તેની પોતાની આગવી સૂક્ષ્મ આંતરિક કલાત્મક તેમ જ માનસશાસ્ત્રીય સુસંગતતા હોય છે. જે ઉપરની દેખીતી અસંગતતાના ગાઢ આવરણ તળે છુપાયેલી હોય છે. નાટ્યકાર તેની કૃતિમાં સામયાસ અને સાહિત્ય જે તર્કહીનતા, અભિધાછેદ, દેખાતી એકતામાં વિસંવાદિતા આદિ સર્જે છે તે અમુક વિશિષ્ટ આકૃતિ દ્વારા કોઈ પ્રભાવ વિશેષ ઉપજાવવા માટે જ હોય છે. નાટ્યકારમાં જો આવી દૃષ્ટિ-વૃત્તિ – સર્જકશક્તિ હોય તો જ તેની કલમમાંથી આસ્વાદ્ય, એબ્સર્ડ નાટક જન્મી શકે.૩૫ એબ્સર્ડ નાટકો લખતાં ધ્યાનપાત્ર લેખકોમાં તેમણે લાભશંકર ઠાકર, આદિલ મનસુરી, ચિનુ મોદી અને મધુ રાયને ગણ્યા છે. અલબત્ત, સંપૂર્ણ ઍબ્સર્ડ તો અનુભૂતિની તીવ્ર આવશ્યકતામાંથી જન્મવું જોઈએ. 'એબ્સર્ડ રીતિમાં નાટકો લખનાર અન્ય લેખકોની કૃતિઓ જોતાં તેમાં કર્તાની સર્જકતા કરતાં શોરબકોર કરવાની શક્તિ જ સવિશેષ દેખાય છે. તેઓ અનુભૂતિને વશવર્તીને નહીં પણ પ્રવર્તમાન સાહિત્યિક ફેશનના પ્રવાહમાં તણાઈને ઍબ્સર્ડ નાટકો લખ્યે જાય છે.'

જશવંત શેખડીવાળાએ નાટકની કૃતિલક્ષી અને ઐતિહાસિક દૃષ્ટિ બિંદુથી સમીક્ષા કરી છે. એકાંકી સ્વરૂપ અને વિકાસનું તેમનું સંશોધન પણ ધ્યાનપાત્ર છે. જોકે નાટકની મંચનક્ષમતા વિશે તેમણે બહુધા મૌન સેવ્યું છે. ભજવાતા નાટકની તેમણે વાત નથી કરી. નાટક વિશે તેમનું માનવું છે કે ગુજરાતી સાહિત્યમાં સૌથી જૂનો સાહિત્યપ્રકાર હોવા છતાં અન્ય સાહિત્યપ્રકારો કરતાં તેનો વિકાસ ઓછો થયો છે. 'એબ્સર્ડને તેમણે ગુજરાતી સાહિત્યમાં અનાવશ્યક જ ગણ્યું છે. તેનાથી કલાત્મકતામાં કંઈ ખાસ ફરક પડ્યો નથી. એ પ્રયોગાત્મકતાને કારણે નાટકના સ્વરૂપ વિશે અભિવ્યક્તિ વિશે સભાનતા અવશ્ય આવી છે. પણ એબ્સર્ડ એ અનુભૂતિની આવશ્યકતામાંથી નથી જ જન્મ્યું એટલું તે કૃત્રિમ લાગે છે.

'નાટ્યલોક'માં તેમણે ‘નાટક : રમણીય કલા સ્વરૂપ’ એ લેખમાં નાટ્ય સ્વરૂપની ઐતિહાસિક, તેમ જ સ્વરૂપગત વિશેષતાઓને પૂરી સજ્જતાથી તપાસી છે. 'કાવ્યેષુ નાટકમ્ કેમ રમ્ય !'થી માંડીને પૂર્વ-પશ્ચિમની નાટ્ય વિવેચનાને તપાસી મૂલ્યાંકન કરી તાત્ત્વિક ચર્ચા કરી છે. સંસ્કૃત નાટ્ય પરંપરાના 'ભાણ'ની ચર્ચા કરી તેને લોકપરંપરા અને નાટ્ય પરંપરા સાથે મૂકીને સ્વરૂપની ગતિવિધિ તપાસી છે. તેમનું માનવું છે કે 'ઉચ્ચકોટિનું કલાત્મક નાટક 'દર્શન'થી જેટલો આનંદ આપે છે તેટલો આનંદ વાચનથી પણ આપે છે.' કાલિદાસ, શેક્સપિયર આદિના દાખલા