પ્રયોગ આવશ્યક છે. આથી નાટક અને અન્ય સાહિત્યસ્વરૂપોની સમીક્ષામાં ભિન્નતા રહેવાની.
નાટક રજૂઆતલક્ષી છે. આખ્યાન કે પદ્યવાર્તા જેવાં સ્વરૂપોની જેમ તે પણ કથનકેન્દ્રી અને પ્રસ્તુતિનું ચરિત્ર ધરાવે છે. આખ્યાનની સમીક્ષા કરતી વખતે તેનાં રજૂઆતના – પાસાને નજરઅંદાજ કઈ રીતે કરી શકાય ? આખ્યાન કહેવાતું હોય ત્યારે જ તેના ધ્વનિ સૌંદર્યને પામી શકાય અન્યથા તેના વાચન-પઠનથી જે બોધ થાય તેમાં તેના સ્વરૂપની વિશિષ્ટતાનો સંપૂર્ણ ખ્યાલ આવી શકે નહીં. નવલકથા – વાર્તા આખ્યાનમાં ઉપાદાન – માધ્યમની સમાનતા હોવા છતાંય પ્રકારાન્તર્ગત જે વિશિષ્ટતા છે તે જ તેમને એકબીજાથી પૃથક્ કરે છે.
નવલકથા-નાટકનાં વ્યાવર્તક લક્ષણો તપાસતાં કેટલીક બાબતોમાં પ્રથમ નજરે સામ્ય જણાય છે. જેમકે કથાવસ્તુ, પાત્રાલેખન-ચરિત્ર ચિત્રણ, વાતાવરણ, આદિમાં પ્રારંભિક સમાનતા જણાય છતાંય નાટક અને નવલકથાની અભિવ્યક્તિ રીતિમાં મોટો તફાવત છે. એક જ વસ્તુને લઈને લખાયેલા નાટક- નવલકથાના આસ્વાદમાં ભેદ પડતો સમીક્ષકોએ અનુભવ્યો છે. નાટકની સમીક્ષા થાય છે ત્યારે હમેશાં તેની પ્રતને આધારે થાય છે. પ્રકારલક્ષી સમીક્ષા નાટકને અન્ય કરતાં ભિન્ન ગણે છે છતાંય નાટકની વિશિષ્ટતા તેના પ્રયોગમાં રહેલી છે તે વાતને નજરઅંદાજ કરે છે. નાટકની સમીક્ષા કરતી વખતે તેના સ્વરૂપને પહેલાં સમજી લેવું આવશ્યક છે.
નાટક શબ્દબદ્ધ થયું તે પૂર્વે નૃત્ય આદિ કલાઓની સાથે આંગિક ચેષ્ટાઓથી લોક સમક્ષ રજૂ થતું હતું. નૃત્યથી તેને અલગ પાડે છે શબ્દ. શબ્દ અન્ય સાહિત્યસ્વરૂપોનું પણ માધ્યમ છે. આથી નાટક વિશેનાં નિરીક્ષણો કે સમીક્ષાઓ તેના વાઙ્મય સ્વરૂપને ધ્યાનમાં રાખે છે. નાટકનું સ્વરૂપ મૂળથી જ પ્રયોગલક્ષી છે તે વાત વીસરાઈ જાય છે. નાટક લખાય છે ત્યારે તે અવશ્ય સાહિત્ય રૂપ ધારણ કરે છે. પરંતુ 'નાટક' ત્યારે જ બને છે જ્યારે તે તેની પૂરી શક્યતા સાથે મંચ પર ખેલાય છે. નાટક એ 'દૃશ્ય-શ્રાવ્ય ક્રીડનીયક' છે એ વાત વીસરીને તેની પ્રતને જ સામે રાખી સમીક્ષા કરવામાં તેની વિશિષ્ટતાની ઉપેક્ષા થવાનો ભય રહેલો છે. નાટકના પ્રયોગ વિશે વાત કરીએ ત્યારે તો વાઙ્મયની ઉપેક્ષા પણ થઈ શકે નહીં. નાટક તેની સાથે જોડાતી કલાઓની સંવાદિતામાંથી જન્મે છે. મંચ પર ભજવાય છે ત્યારે જ નાટક અસ્તિત્વમાં આવે છે. 'મનની રંગભૂમિ’ પર ભજવાતા નાટકો હોઈ શકે જ નહીં. મનની રંગભૂમિ પર તો નવલકથા વાર્તાનાં કથાનકો – પાત્રો પણ ભજવાતા હોય છે. તેથી શું તેનેય નાટક કહી દેશું ? નાટક એવી કોઈ વાયવી વાતોમાં માનતું નથી. તે સંપૂર્ણ રીતે ભૌતિક છે ને મંચ પર જ તેની રજૂઆતથી