પ્રવેશોમાં વિભાજિત અલ્પ સમયાવધિમાં ભજવાતી નાટ્યકૃતિ તે એકાંકી.'
મફતલાલ ભાવસાર એકાંકીના સ્વરૂપને અન્ય સ્વરૂપો સાથે તુલનાદૃષ્ટિથી તપાસીને તેની સ્વરૂપલક્ષી વિશેષતાઓ સ્પષ્ટ કરે છે. ઉમાશંકર જોશી આદિ વિદ્વાનોના મતોનાં લાંબાં ઉદ્ધરણોનો સમન્વય તેમણે કર્યો છે. મફતલાલ ભાવસાર નાટક અને એકાંકીની સમીક્ષા બે રીતે કરે છે. સિદ્ધાંતચર્ચા તથા ઇતિહાસ દૃષ્ટિએ આનુપૂર્વી અનુસાર અવલોકન. આ બંને રીતે તેમણે નાટકની સમીક્ષા કરી છે. તેમનાં અન્ય પુસ્તકોમાં પણ તેમનો નાટ્યવિચાર વ્યક્ત થયો છે. જોકે નાટકના સમીક્ષક તરીકે તેમનું કોઈ વિશેષ પ્રદાન નથી.
હસમુખ બારાડી (૧૯૩૮)
હરમુખ બારાડી થિયેટરના આગ્રહી છે, જેની સાથે મંડળી જોડાયેલી હોય ને જે નિત્ય અવનવા, નાટકો ભજવતી હોય. 'દર્શન'ના તેઓ પ્રબળ વિરોધી રહ્યા છે. 'દર્શન' – પ્રોસેનિયમ આર્કમાં માત્ર વાસ્તવદર્શી નાટકો જ થઈ શકે છે નાટક - નટ અને પ્રેક્ષક વચ્ચે વિભાજન થાય છે. પ્રેક્ષક માત્ર 'પ્રેક્ષક' જ રહે છે. નાટકમાં તેની સક્રિયતા નથી હોતી, નટ પણ તેથી અભિનય કરવામાં દંભ કરતો થઈ જાય છે. આથી પહેલાં તો આ 'દર્શન'ની દીવાલો ઠેકીને બહાર નીકળી આવીને વિકાસોન્મુખ થવાનો વિચાર તેમણે કર્યો છે. બીજા દેશોમાં 'દર્શન'માંથી બહાર આવી કલાકારોએ વૈકલ્પિક કે સમાંતર રંગભૂમિના પ્રયોગો કર્યા છે. તેની ચર્ચા તેમણે કરી છે. નવા પ્રયોગો કરવા જોઈએ એ માટે નાટ્યકારોએ પણ નાટકો એ પ્રકારનાં લખવાં પડશે જે 'દર્શન'ની મર્યાદાને તોડી વિસ્તરી શકે. લેખકોએ જ એવાં નાટકો લખવાં જોઈએ કે જે આ જૂની ઘરેડને તોડી નવી ક્ષિતિજો ખોલી આપે. થિયેટર એટલે મકાન કે હૉલ નહીં પરંતુ મંડળી – જે સતત રંગભૂમિ ધબકતી રાખે તેવી સાતત્યપૂર્ણ નાટ્યપ્રવૃત્તિ.'
'દર્શન' સામેનો તેમનો આક્રોશ એટલા માટે પણ છે કે તેમાં કલાકારના - અભિનેતાના પૂર્ણ સ્વરૂપનાં દર્શન થતાં નથી. વચ્ચે રંગમંચને તેની ફરતે પ્રેક્ષકો હોય તો નટને સર્વાંગી રૂપે સહુ જોઈ શકશે. તેના અભિનયમાં પણ સચ્ચાઈ આવશે. પ્રેક્ષકો પણ નટને ચારે તરફથી જોશે. એથી એની અભિનયક્ષમતા પણ વધશે. નટ એ દિગ્દર્શક, નાટ્યલેખક, ટેકનિશિયન આદિ સહુના પ્રતિનિધિરૂપ હોવાથી તેનો દંભ તૂટશે તો સહુનો તૂટશે એમ માને છે. દંભ સામે તેમનો આક્રોશ છે. દૃશ્યશ્રાવ્ય માધ્યમો સામે પણ તેમનો આક્રોશ આવો જ તીવ્ર છે. તેમનું માનવું છે કે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમનોને કારણે જીવંત કલાઓ – લોકકલાને પણ ઘણું નુકસાન થયું છે. હસમુખ બારાડી 'નાટક સરીખો નાદર હુન્નર' એ પુસ્તકમાં પોતાના આક્રોશપૂર્ણ વિચારો વ્યક્ત કરે છે. તેમનું માનવું છે કે ગુજરાતમાં જે નાટકો ભજવાય