લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૦૩
 

છે તે નટકેન્દ્રી નાટકો છે. દિગ્દર્શકનો અભાવ તેમણે વ્યક્ત કર્યો છે. એમ માને છે કે દિગ્દર્શક પાસે તો 'વિઝન' હોય, ગુજરાતીમાં આવા વિઝનવાળા દિગ્દર્શકો નથી. આ પુસ્તકમાં થિયેટર અને લોકકલા – લોકનાટ્ય પ્રત્યેનો તેમનો પક્ષપાત વિશેષ પ્રગટ્યો છે. તેમાં કદાચ એક જાગૃત સંવેદનશીલ કલાકારની ચિંતા પણ હોય. તેમણે શેરીનાટકો અને લોકનાટ્યના વિકાસની ચિંતા કરી છે. થિયેટર સંબંધી તેમના વિચારો અન્ય વિવેચકોથી ભિન્ન છે. આ પુસ્તકમાં ખરેખર તો વિકાસ આલેખવાનો વિશિષ્ટ પ્રયત્ન છે. આક્રોશ અને રંગભૂમિ પ્રત્યેનો અનુરાગ અહીં વ્યક્ત થયો છે.

'ગુજરાતી થિયેટરનો ઇતિહાસમાં ૧૧ પ્રકરણમાં વહેંચાયેલી દોઢસો વર્ષની રંગભૂમિની કથા તથ્યો-સત્યો-ભ્રમોને સમેટીને કહી છે. ખરેખર તો 'નાટક સરીખો નાદર હુન્નર'માં જે પદ્ધતિ સ્વીકારી હતી તેનો જ વિસ્તાર થિયેટરનો ઇતિહાસમાં થયો છે. થિયેટરકલા નાટ્યપ્રવાહો, નટ-દિગ્દર્શકો નાટ્યલેખકો તથા રંગકર્મીઓના પ્રદાનની તબક્કાવાર ચર્ચા કરી વિશિષ્ટ રીતે વિશ્લેષણ કરે છે. આ પૂર્વે રંગભૂમિનો ઇતિહાસ લખવાનો પ્રયત્ન હિરાલાલ કાજી, અમૃત જાની, ધનસુખલાલ મહેતાએ કર્યો હતો. રંગભૂમિ પર ભજવાતાં નાટકોનો કોઈ રેકોર્ડ નહીં હોવાથી તથ્યો અને માહિતી મેળવવામાં બહુ મુશ્કેલી પડે. એના કારણે જ રંગભૂમિનો ઇતિહાસ લખવો અઘરો થઈ પડે. શ્રી હસમુખ બારાડીએ આ મુશ્કેલ કામ હાથમાં લઈ રંગભૂમિની ઘણી બાબતોને ઉજાગર કરી છે. અહીં એમણે નાટ્યની પૂર્વ પરંપરા લોકનાટ્યથી આરંભી જૂની-નવીનાં નાટકોનું વિશ્લેષણ કર્યું છે. તેમાં તેમનો આક્રોશ પણ પ્રગટ્યો છે. સમાંતરોનો આલેખ નાટક અને સાહિત્ય તથા રાજકીય ક્ષેત્રે ચાલતી પ્રવૃત્તિ અને વિવિધ પ્રવૃત્તિનો આલેખ આપ્યો છે. ગુજરાતી થિયેટરનો ઇતિહાસ, રંગભૂમિના - નાટકના મૂળ-કુળને સ્પષ્ટ કરી આપવાનો પ્રયત્ન કરે છે. આમ કરતી વખતે નાટક વિશે પરિચયાત્મક સમીક્ષાય તેમણે કરી છે. હસમુખ બારાડી પણ રંગભૂમિ - નાટકના કર્મશીલ છે. નાટક વિશે તેમની વિચારણા અનુભવસિદ્ધ છે.

કૃષ્ણકાન્ત કડકિયા (૧૯૪૦)

કુષ્ણકાન્ત કડકિયા - નાટક વિશેનું વિવેચન કરવાની આગવી ઢબથી જાણીતા છે. તેમણે નાટકના 'પ્રયોગશિલ્પ’ વિશે ચર્ચા કરી છે. નાટકની માત્ર ભજવણી જ અગત્યની નથી તે પૂર્વેની તેની તૈયારી પણ એટલી જ મહત્ત્વની હોય છે. કૃષ્ણકાન્ત કડકિયા નાટ્યપ્રયોગ પૂર્વેની તૈયારીથી માંડીને પ્રયોગ સમયે અને પ્રેક્ષકો – ભિન્ન રુચિર્ભનયના મત સુધી વિવેચનદૃષ્ટિને વિકસાવે છે. એ રીતે તેમનું આ વિવેચન થોડું વિશિષ્ટ છે. 'શર્વિલક નાટ્ય પ્રયોગશિલ્પની દૃષ્ટિએ' રૂપિત, અભિનિત, રૂપકિત, 'જસમા : લોકનાટ્યપ્રયોગની દૃષ્ટિએ', 'ભવાઈ લોકનાટ્ય સ્વરૂપ' એ નાટ્ય વિષયક