સમીક્ષા અવલોકન, સંશોધન આદિમાં તેમની નાટ્યવિચારણા વ્યક્ત થઈ છે.
'શર્વિલક : નાટ્ય પ્રયોગશિલ્પની દૃષ્ટિએ' ભજવાતું નાટક તેની આ પ્રસ્તુતિ સુધી કઈ રીતે પહોંચ્યું તેનો તબક્કાવાર આલેખ દિગ્દર્શકની નોંધપોથીમાં કે ડાયરીમાં નાટકની પ્રત દિગ્દર્શકની પ્રતમાં નિત્ય નોંધાતો રહે છે. તેમાં દિગ્દર્શકનો આગવાં અર્થઘટનો, ભૂમિ નક્શાઓ, પાત્રની ક્રિયા, ગતિ, અંગચેષ્ટા આદિની નોંધ રહે છે. આ પ્રકારની નોંધ દિગ્દર્શક ઉપરાંત નાટ્ય સમીક્ષક જે સતત સાથે રહી નાટકને ઘડાતું જુએ અનુભવે છે તે રાખે છે ને તેનો સમગ્ર આલેખ પ્રકાશિત થાય છે. તેવું વિદેશની રંગભૂમિ પર બને છે. આપણે ત્યાં આ પ્રકારનું કર્તૃત્વ શ્રી કૃષ્ણકાન્ત કડકિયાએ તેમના 'શર્વિલક : નાટ્ય પ્રયોગશિલ્પની દૃષ્ટિએ' દ્વારા કર્યું છે. તેમણે પ્રેક્ષકોના પ્રતિભાવોને પણ નોંધ્યા છે ને પોતાનો નાટક વિશેનો મત પણ આપ્યો છે. ગુજરાતમાં આ પ્રકારનો અભ્યાસ આ પહેલાં થયો નહોતો, કદાચ થયો હશે તો પ્રકાશિત થયો નહોતો. કૃષ્ણકાન્ત કડકિયાએ આ પુસ્તક દ્વારા પહેલ કરી છે. જે પ્રશસ્ય છે. આ પહેલાં 'નાટ્ય પ્રયોગશિલ્પ' વિશે તો એક સંદર્ભગ્રંથ શ્રી જશવંત ઠાકરનો પ્રગટ થયો છે. જેમાં નાટકને પ્રયોગ સુધી કઈ રીતે લઈ જવું તેનો તબક્કાવાર ચિતાર આપ્યો છે. પરંતુ કૃષ્ણકાન્ત કડકિયા 'શર્વિલક' નાટકનો પ્રયોગશિલ્પ વિશે વાત કરે છે. આ નાટક વિશે તેમણે નાટ્યાચાર્યો અને વિદ્વાનોના પુસ્તકોનો અભ્યાસ કરી એમના અભિપ્રાયો – મતોને પોતાના વિશ્લેષણમાં કામે લગાડ્યા છે. પશ્ચિમમાં દિગ્દર્શકની પોથી ઉપરાંત નાટ્યપ્રયોગના શિલ્પ પર અનેક વિવેચકો અને તજ્જ્ઞો પણ ખૂબ ઊંડાણપૂર્વક પુસ્તકો લખતા હોય છે. આવાં પુસ્તકો દ્વારા ભજવાયેલાં નાટકોનાં અર્થઘટન ઉપરાંત એનાં દૃશ્યરચના, ભૂમિનકશાઓ, દૃશ્યબંધના, રાચરચીલાના, સાધન સામગ્રીના, વેશભૂષા અને રંગભૂષાના સાદી અને રંગીન નમૂનાઓ, પ્રકાશઆયોજન અંગેનાં સાધનોની યાદી, એની ગોઠવણ, ઉપયોગ વગેરે માટે નાનામાં નાની નકશાઓ સાથે નોંધ ઉપરાંત પાત્રોના. આવાગમન, હલનચલન, ચેષ્ટાઓ અંગેની ઝીણવટભરી નોંધ નકશામાં દોરીને આપેલી હોય છે. પાત્રોનાં માનસિક વિશ્લેષણો પણ કરવામાં આવેલાં હોય છે.૩૬ આપણા દેશમાં આ દિશામાં કોઈ નોંધપાત્ર પ્રયાસો થયા નથી. કૃષ્ણકાન્ત કડકિયા તેમના આ પુસ્તક દ્વારા આ સંદર્ભે આરંભ કરે છે. એટલે તેનું મૂલ્ય મહત્તમ છે. શર્વિલક... જ નહીં 'જસમા ઓડણ લોકનાટ્યપ્રયોગ શિલ્પની દૃષ્ટિએ' પુસ્તકમાંથી પણ લોકનાટ્યનાં તમામ સૂક્ષ્મ સ્થૂળ પરિમાણોનું આકલન કરી પરિચય સમીક્ષા આપી છે. આ માટે કૃષ્ણકાન્ત કડકિયા નાટકના પ્રયોગ વેળાએ જ નહીં તેના દરેક રિહર્સલ દરમિયાન પણ હાજર રહીને ઝીણી ઝીણી વિગતો એકઠી કરે છે. જશવંત ઠાકર અને કલાકારોએ જે ચિંતન, અથાગ મહેનત આ નાટકને પ્રયોગ સુધી લઈ