પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૦૭
 

વિજ્ઞાન બનવાને બદલે અર્થ મૂકે, વિચાર સીંચે અને વસ્તુ-તત્વની સ્થાપના કરી કલા બને એવી રીતે નાટ્ય-લેખ લેખક આપણને આપે તો ઘણું ઉપકારક કામ થઈ શકે.'૪૧ નવાં નાટકો વિશે તેમનો મત એવો છે કે નાટ્ય લેખકે 'નાટ્યલેખ' એવો બનાવવો જોઈએ કે જેથી દિગ્દર્શકને તેના અર્થઘટનમાં અને પ્રયોગ-શિલ્પ ઘડવામાં સુગમતા રહે. આકંઠ સાબરમતીનાં નાટકો કે મેઈક બિલિવનાં નાટકોની ચર્ચામાં તેમણે આ પ્રકારની વાત કરી છે. સાથે સર્જનપ્રક્રિયા વિશે પણ ચર્ચા ચલાવી છે. દરેક નવા નાટકોની સાથે તેમણે રસાનુભૂતિના પ્રશ્નો પણ ચર્ચ્યા છે. નવા પ્રયોગશિલ્પની ઘણી શક્યતા, મંચ લિપિમાં પરિવર્તન, ગતિ, ક્રિયાની અનિવાર્યતા આદિને કેન્દ્રમાં રાખી તેમણે વિવેચન કર્યું છે. 'રૂપિત'માં તેમણે લેખક કરતાં દિગ્દર્શકનું મહત્ત્વ વધારે જોયું છે. નાટ્યલેખને મંચ પર સ્થાપિત કે ગતિશીલ કરવામાં દિગ્દર્શક મહત્ત્વનું કામ કરતા હોય છે.

રૂપિતમાં પ્રયોગશીલ નાટકો વિશે તેનાં આકાર-રૂપ વિશે કૃષ્ણકાન્ત કડકિયા સુચનો આપે છે. નવા નાટ્યકારોએ નવાં સંવેદનો પ્રગટાવવાં હોય તો ભલે પણ નાટકમાં તો હંમેશાં નાટકની જેમ જ તે વ્યક્ત થવું જોઈએ. કૃષ્ણકાન્ત કડકિયા તેમની તમામ વિચારણામાં તખ્તો કેન્દ્રસ્થાને મૂકે છે. સાહિત્ય અને રંગભૂમિને સંનિધિકૃત કરીને તેમણે વિચાર કર્યો છે. આ પછીના 'અભિનિત'માં પણ તેમના નાટ્યવિષયક લેખો છે. 'અભિનિત'માં તેમના સંશોધન લેખો છે. જેમાં રંગભૂમિની ભાષા, નાટ્યસાહિત્યમાં કે. કા. શાસ્ત્રીનું પ્રદાન, રાસ, ગરબા અને થિયેટર વિષે અભ્યાસપૂર્ણ આલેખન થયું છે. બાપુલાલ નાયક અને જયશંકર સુંદરીના રંગભૂમિ ક્ષેત્રે પ્રદાન વિશે તેમણે ચર્ચા કરી છે. 'રૂપકિત'માં સંગૃહીત થયેલા લેખોથી લેખકની નાટ્ય વિષયક સમજ તો પ્રગટ થાય છે સાથે રંગમંચ સાથેનો તેમનો સ્નેહ પણ પ્રગટ થાય છે. નિવેદનમાં તેમણે નાટ્યની સાથે નૃત્ય, ચિત્ર અને સ્થાપત્ય વિશે તેમના આંતર સંબંધ વિશે ચર્ચા કરતાં કરતાં જ ગ્રીક થિયેટર, સંસ્કૃત નાટ્ય વિષયક ચર્ચા અને પ્રાચીન રંગભૂમિના સ્થાપત્ય વિશે વાત કરી છે. વેગ્નર, આપિયા, ફ્રેઈગ, રેઈનહાર્ટ, મેયરહોલ્ડ આદિનાં દૃશ્યરચના અને નાટ્યપ્રયોગ અંગેના વિચારોને વ્યક્ત કર્યા છે. નિવેદન એ માત્ર નિવેદન નથી રહેતું પણ નાટકના વિકાસની રેખા આલેખે છે. તેમનું નિવેદન પછીનાં પ્રકરણોમાં આલેખાયેલા વિષયોમાં પણ પૂરક માહિતી આપવા પ્રયત્નશીલ છે.

નિવેદનમાં નૃત્ય, ચિત્ર, સ્થાપત્ય વગેરે વિશેનું વિવેચન છે. ઋગ્વેદથી આરંભી અનેક શાખાઓમાં વિસ્તાર પામેલ સંસ્કૃત સાહિત્યમાં નૃત્યકળા વગેરેના જોવા મળતા અંશો વિશે સવિસ્તાર ચર્ચા ઉપરાંત ગ્રીક થિયેટર અને તેની સ્થાપત્યકલા, મધ્યયુગની કલાઓનો શેરી નાટકો તરીકે થતો વિનિયોગ, વિશ્વના મહત્ત્વના