પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૦૯
 

છે. પોતાને જે કંઈ કહેવું છે તે પહેલાં જુદા જુદા લેખકોએ નાટક અંગે જે કંઈ કહ્યું છે તેમાંથી લેખકે તારણો કાઢ્યાં છે, તે આપણા થિયેટર તેમ નાટકના વિકાસ - અવિકાસની ભૂમિકા બાંધી આપે છે. એટલું જ નહીં, ક્યાંક નાટક અંગે જુદા જુદા લેખકોના ખ્યાલો, આશાઓ, નિરાશાઓ અને ખુશી તેમ આર્ત ચીસો વગેરે પણ એમાં પ્રગટે છે. આ લેખ એ કૃતિલક્ષી સમીક્ષા છે. હસમુખ બારાડીની આગવી વિચારણાની પ્રશંસા કરીને નાટ્યશિલ્પ, થિયેટર, ભાષા ઇમ્પ્રોવાઈઝેશનની લીલા વિશે વિગતે વાત થઈ હોય તો સારું હતું એમ લેખક માને છે. લાભશંકર ઠાકર આંગિક, વાચિક અભિનયને શુદ્ધ નાટ્ય કહે છે ને સેટિંગ્સ, કોશ્ચ્યુમ, મ્યુઝિક, લાઇટ્સ વગેરેને ગૌણ કહે છે તેના પ્રત્યાઘાતરૂપે – 'બાથટબમાં માછલી'એ લેખમાં કૃષ્ણકાન્તભાઈ નાટકમાં આહાર્ય અભિનયનું મહત્ત્વ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. નાટક માત્ર વાચિક કે આંગિકથી જ સિદ્ધ થવાનું નથી. આહાર્ય અભિનય વિના નાટકની સિદ્ધિ નથી એ વાત તેમણે ઉદાહરણ દ્વારા સિદ્ધ કરી છે.

નાટકમાં ચિત્રકળા ઉપયોગી થઈ શકે તે કઈ રીતે ઉપયોગી બને તેની વિગતે ચર્ચા તુફાન રફાઈનાં ચિત્રોની મીમાંસા દ્વારા કરી છે. લેખક કહે છે કે દિગ્દર્શકે દરેક કલામાંથી કંઈ ને કંઈ શીખવું જોઈએ. નૃત્યમાંથી ગતિ, ચિત્રમાંથી સ્થાનસ્થિતિ, રચના, ચિત્રદૃશ્ય વગેરે નાટકને ઘણાં ખપમાં આવે છે, તેમ તેમનું માનવું

'જસમા'ના વેશનું પ્રયોગલક્ષી વિવેચન તેમનો સ્તુત્ય પ્રયાસ છે. 'પરિત્રાણ' - દર્શકના નાટકને માર્કન્ડ ભટ્ટ અને જશવંત ઠાકરે ભજવ્યું તેનો તુલનાત્મક અભ્યાસ ધ્યાનાકર્ષક થયો છે. બંને મહાનુભાવો વસ્તુ, પાત્ર, ભાવો, રસોનો વિનિયોગ નિરાળી શૈલીએ કરે છે. સેટિંગ્સમાં પણ અદ્‌ભુત પરિવર્તન છે. તેની પ્રયોગલક્ષી વિવેચના કૃષ્ણકાન્ત કડકિયા કરે છે.

ગોવર્ધન પંચાલ અને જશવંત ઠાકરના પ્રદાનને મૂલવતો સુંદર લેખ પણ અહીં મળે છે. 'રૂપકિત' આમ નાટ્યવિવેચનાની સાથે સાહિત્ય અને પ્રયોગલક્ષી વિવેચનનો ગ્રંથ છે.

કૃષ્ણકાન્ત કડકિયા જાગૃત વિવેચક છે. નાટકની પ્રસ્તુતિ પૂર્વેથી તેની સાથે જોડાય છે ને પ્રત્યક્ષ થતા નાટક વિશે વિગતપૂર્ણ – વિસ્તૃત અને સંયત, ક્યારેક માર્ગદર્શન વિવેચન આપે છે. તેમનાં વિવેચનો અલબત્ત, નાટ્યશિક્ષાના વિદ્યાર્થીઓને માર્ગદર્શક પુરવાર થાય તેવાં ને તે હેતુવાળાં વિશેષ જણાય છે.

જોકે તેમણે સાવ ભિન્ન પ્રકારની રીતિથી નાટ્યવિવેચન આરંભ્યું છે. નાટકને કઈ રીતે જોવું તેના માર્ગદર્શક ગ્રંથ તેમના પ્રયોગશિલ્પને આલેખતાં પુસ્તકો બને છે. તેમની વિવેચના સિદ્ધાંતથી આરંભાઈને પ્રસ્તુતિ સુધી વિસ્તરેલી છે. પ્રયોગશિલ્પ