અને રસાનુભવને વિશે તેમણે ચર્ચાઓ કરેલી છે. જોકે તેમણે પ્રસ્તુતિની કલાઓ વચ્ચે સમાનતા જોઈ છે.* કૃષ્ણકાન્ત કડકિયા તેમની આગવી વિવેચન પ્રવિધિથી જાણીતા થયા છે.
લવકુમાર દેસાઈ (૧૯૪૦)
'રંગભૂમિ કેનવાસે', 'શબ્દ કેનવાસે' આ બે સમીક્ષા ગ્રંથો ઉપરાંત તેમની સમીક્ષાઓ પ્રસંગોપાત્ત વિવિધ સામયિકોમાં પ્રકાશિત થતી રહે છે. લવકુમાર દેસાઈએ રંગભૂમિ, નાટક અને નાટ્યવિવેચન વિશે સમીક્ષાઓ આપી છે. કૃતિલક્ષી વિવેચના કરી છે.
'શબ્દ કેનવાસ'માં નાટ્યચર્ચા છે જેમાં ઉત્તરરામચરિતના મુખ્ય રસ અને નાટ્યકાર ઉપેન્દ્રાચાર્યજીનો જીવનપરિચય કરાવે છે. ગુજરાતી સાહિત્યમાં પ્રહસન એ લેખમાં પારસી રંગભૂમિનાં પ્રહસનોથી, 'મિથ્યાભિમાન', 'ભટનું ભોપાળું'ને આરંભનાં ઉચ્ચ કોટિનાં પ્રહસનો ગણે છે. એ પછી કનૈયાલાલ મુનશીનાં પ્રહસનોમાં 'કાકાની શશી', 'છીએ તે જ ઠીક', 'બ્રહ્મચર્યાશ્રમ', 'વાહરે મેં વાહ' અને ચંદ્રવદન મહેતાનાં 'દેડકાની પાંચશેરી', 'ધારાસભા', મૂંગી સ્ત્રી', 'હોહોલિકા', 'મેના પોપટ' આદિ પ્રહસનોની ચર્ચા કરતાં મધુ રાય આદિ નાટ્યકારોનાં વ્યંગ્યલક્ષી પ્રહસનો સુધી ચર્ચા લંબાવે છે. આ લેખમાં પ્રહસનનો વિકાસક્રમ તેમણે આલેખ્યો છે. પ્રહસનમાં થયેલા પ્રયોગોની સાર્થકતા વિશેષ ચર્ચા તેમણે કરી છે. નાટ્યપ્રયોગોમાં જે પ્રહસનો રજૂ થાય છે તેના વિશે ચિંતા વ્યક્ત કરી છે. ચુનિલાલ મડિયા પછી સ્થૂળ હાસ્ય જન્માવે છે તેવાં પ્રહસનો લખાયાં છે. 'શુદ્ધ પ્રહસન કહી શકાય તેવી કૃતિ જવલ્લે જ મળે છે. જાણે કે હિમાલયસુતા ગંગા ઉન્નત ગિરિશૃંગો છોડી મેદાનમાં પ્રવેશી સમુદ્રને ભળી ખારી ખારી બની ગઈ છે. પ્રવીણ સોલંકી, ઉત્તમ ગડા, અનિલ મહેતા, વિહંગ મહેતા જેવા રૂપાંતરકારો નાટ્ય નિર્માતાઓના ઇશારે તાતા થૈ થૈ કરતા માંગ પ્રમાણે મસાલેદાર પુરવઠો પૂરો પાડતા જાય છે. સામે મધુ રાય, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, સિતાંશુ યશશ્ચંદ્ર, સુભાષ શાહ, હસમુખ બારાડીનાં વ્યંગ્યલક્ષી પ્રહસનો નાટ્યસ્વરૂપ સાથે ગંભીર નિસબત ધરાવે છે. તેની નોંધ યોગ્ય રીતે કરી છે. પ્રહસન વિશે વિસ્તૃત રીતે લખાયેલા આ લેખમાં પ્રહસનનો વિકાસ કરુણ – હાસ્યનાટકની નવી દિશા સુધી વધ્યો છે તેમ માને છે. અલબત્ત, અંતે આપણી રંગભૂમિની દશા અને દિશા વિશેની ચિંતા સ્વાભાવિક લાગે છે. અહીં લોકરુચિને પણ તેમણે કારણભૂત ગણી હોય તેમ લાગે છે.
'આપણા બિન કેળવાયેલા 'શિક્ષિત' પ્રેક્ષકો નાટક જેવા ગંભીર સ્વરૂપને સ્થૂળ મનોરંજનનું માધ્યમ માનતા હોવાથી કૉમેડી નાટકો, પ્રહસનો જોવાને નિમિત્તે ગલગલિયાં કરાવે તેવાં નિમ્નસ્તરનાં નાટકો જોવાનું વધુ પસંદ કરે છે.'૪૪ લોકરુચિ