પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

દાયકાનાં' આ ત્રણેય લેખોમાં લેખકે રંગભૂમિ, એકાંકી અને નવમા દાયકાના નાટકોના વિકાસક્રમ તેમ જ ગુણવત્તા વિશે સમીક્ષા કરી છે. ગુજરાતી રંગભૂમિ એ વિવેચન લેખમાં તેમણે ગુજરાતી રંગભૂમિનાં બીજ લોકનાટ્ય ભવાઈમાં જોવા મળે છે' એવો ઉલ્લેખ કરીને ગુજરાતી રંગભૂમિ પૂર્વેની લોકનાટ્ય-ભવાઈની પરંપરા વિશે નોંધ કરી, તેની મર્યાદાઓને આલેખીને બીજું વિધાન કરે છે કે 'સંસ્કૃત નાટકો અને અર્વાચીન નાટકોની વચ્ચે લોકનાટ્ય ભવાઈની સમૃદ્ધ પરંપરા હોવા છતાં ગુજરાતી નાટકના મૂળ તરીકે તેને સ્વીકારી શકાય તેમ નથી' ૪૮ ગુજરાતી નાટક અને રંગભૂમિ પણ લોકનાટ્ય ભવાઈની પરંપરામાંથી વિકસ્યાં નથી. નાટકનાં બીજરૂપ તત્ત્વો પણ ભવાઈમાંથી મળી શકે નહીં. લવકુમાર દેસાઈ બીજ અને મૂળ વિશે સ્પષ્ટ નથી. ગુજરાતની રંગભૂમિ વિશે ઐતિહાસિક તથ્યો સાથેનો વિકાસક્રમ આ લેખમાં તેમણે આપ્યો છે. અવેતન અને વ્યાવસાયિક રંગભૂમિ, પ્રયોગશીલ રંગભૂમિ વિશેની સમ્યક્ ચિંતા કરી છે. આજની રંગભૂમિની ચર્ચા કરતાં નોંધ છે. કે 'ગુજરાતની રંગભૂમિ ભજવણી સંદર્ભે ટેક્‌નિકની બાબતમાં દરિદ્ર છે.' તો મુંબઈની રંગભૂમિ 'તૈયાર' કૃતિઓની ભજવણીથી સંતોષ માનતી હોવાથી નાટ્યકૃતિઓના સંદર્ભે દરિદ્ર ભાસે છે.૪૯ ગુજરાતી રંગભૂમિ પાસે સારાં નાટકો છે – હોય તો પણ પ્રેક્ષક – સાચો પ્રેક્ષક નથી મળતો એ વાતમાં તથ્ય છે. ગુજરાતનો સરેરાશ પ્રેક્ષક નાટકને માત્ર મનોરંજન માટેનું સ્થળ સાધન માને છે. રસકીય આનંદ પ્રાપ્તિનું નહીં.'૫૦ પ્રેક્ષકની નાટ્યસમજને કેળવે તેવા વિવેચકો પણ નથી એમ કહેતા લવકુમાર દેસાઈ કહે છે કે 'નાટ્યવિવેચન પણ અત્યંત રંક અવસ્થામાં હોવાથી કોઈ વૈચારિક ઊહાપોહ થતો નથી. સતીશ વ્યાસ, કષ્ણકાન્ત કડકિયા, હસમુખ બારાડી, લવકુમાર દેસાઈ, બકુલ ટેલર, ઉત્પલ ભાયાણી, જયંત પારેખ વગેરેનાં નાટ્યવિવેચનો કાં તો કૃતિ સંદર્ભે હોય છે અથવા મંચ ને પ્રયોગની સંક્ષિપ્ત નોંધ રૂપે. નાટકનાં બધાં જ પાસાંઓને આવરી લેતાં વિવેચનો અપવાદ રૂપે થાય છે. ૫૧ લવકુમાર દેસાઈ રંગભૂમિના વિકાસની સ્થિતિ વિશે યોગ્ય રીતે જ ચિંતા કરે છે. નાટક રંગભૂમિ તેનો મહત્તમ વિકાસ પામી શક્યા નથી તે વાત પણ યોગ્ય છે.

આધુનિક એકાંકીની ગતિવિધિ લેખમાં 'ઍબ્સર્ડ' સંજ્ઞાનો પરિચય કરાવી નાટ્યકૃતિ પર તેના પ્રભાવના ઔચિત્યની ચર્ચા કરે છે. 'ઍબ્સર્ડની દાર્શનિક પીઠિકા અને નાટ્યકૃતિ બંને ભિન્ન વસ્તુ છે. નવ્ય વિચાર જો કલાત્મક ઘાટ ન પામે તો રસકીય કલાકૃતિની દૃષ્ટિએ તે વંધ્ય છે.'૫૨ એમ કહેતા લવકુમાર દેસાઈએ ઍબ્સર્ડની સંવેદનાને વ્યક્ત કરતા નાટ્યકારો અને નાટકોની ટેક્‌નિક વિશે વિચાર કર્યો છે. લવકુમાર દેસાઈ માને છે કે આપણે ત્યાં ‘ઍબ્સર્ડ' નાટકોમાં માત્ર 'અર્થશૂન્યતા' જ નહીં પણ અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ આદિનું સંમિશ્રણ થયું