છે. આદિલ મનસુરી, ચિનુ મોદી, મહેશ દવે, મધુ રાય આદિનાં એકાંકીઓના દાખલા આપીને તેમણે આધુનિક એકાંકીની ગતિવિધિ વિશે ચર્ચા કરી છે. નવમા દાયકાનાં નાટકો વિશે તેમણે શિવકુમાર જોષીથી માંડીને હસમુખ બારાડી, લાભશંકર ઠાકર, સુભાષ શાહ, જયંત પારેખ, ચિનુ મોદી, સિતાંશુ યશશ્ચંદ્ર આદિ નાટ્યકારોના નાટકોનો ટૂંકો પરિચય કરાવ્યો છે. નવમા દાયકાનાં નાટકોના વિહંગાવલોકન પરથી લવકુમાર દેસાઈ એ તારણ પર આવ્યા છે કે 'તેના લેખકનું રંગભૂમિ સાથે સંપૂર્ણ તાદાત્મ્ય છે. તે રંગભૂમિની જરૂરિયાતો અને ભૂગોળથી સુપરિચિત છે. તે હવે ઊંચા આસને બેસીને એકદંડિયા મહેલમાંથી કૃતિઓ રચતો નથી. થિયેટર સાથે દિગ્દર્શક, કલાકાર, નેપથ્યના તજ્જ્ઞો અને સહૃદય પ્રેક્ષકોને જેટલી નિસબત છે તેટલી જ નિસબત નાટ્યકારોને છે. આ દાયકાની નોંધપાત્ર કૃતિઓ પ્રથમ તખ્તા પર ભજવાઈ છે. પછી પુસ્તકોમાં બંધાઈ છે.' પ૭ નવમા દાયકાનાં નાટકો વિશેનું તેમનું આ મંતવ્ય છે.
'નાટ્યચર્ચા' એ બીજા વિભાગમાં તેમણે નવ સમીક્ષાઓ આપી છે. તેમાં સાતમાં કૃતિલક્ષી સમીક્ષા છે, એકમાં તેમણે મુનશી અને ગુજરાતી રંગભૂમિની ચર્ચા છેડી છે અને એક બીજા લેખમાં મેઘાણીની નાટ્યપ્રતિભાનો પરિચય કરાવ્યો છે. આ સાત જે કૃતિ અહીં છે તેમાં 'હોહોલિકા', 'ધરા ગુર્જરી', 'કાદવિયાં', 'અશ્વમેધ', 'પીળું ગુલાબ અને હું' અને 'રાઈનો દર્પણરાય' છે. ચંદ્રવદન મહેતાનાં બે નાટકો એક 'હોહોલિકા' અને 'ધરા ગુર્જરી' વિશેની પ્રત્યક્ષ વિવેચનામાં તેમણે પ્રત અને તેમાંની રંગસૂચિને આધારે મંચનક્ષમતાની ચર્ચા કરી છે. મેઘાણીની નાટ્યપ્રતિભાનો પરિચય આપવામાંય તેમની નાટકોની ચર્ચા સાથે મેઘાણીમાં પડેલી નાટ્યકારની પ્રતિભાને યોગ્ય સમય અને તક મળ્યાં નહીંની ચિંતા વ્યક્ત થઈ છે. 'કાદવિયાં' એ 'સુન્દરમ્'ની સુંદર કૃતિ છે. કૃતિનું પ્રત્યક્ષ વિવેચન કર્યું છે. 'જાલકા'ને રંગભૂમિનું ઉત્તમ નજરાણું કહીને લવકુમાર દેસાઈએ રંગભૂમિની દૃષ્ટિએ તે કઈ રીતે ઉત્તમ છે તેની જ વાત કરી નથી, 'જાલકા' ચિનુ મોદીએ કરેલું 'રાઈનો પર્વત'ના એક પાત્રનું 'એક્સટેન્શન' છે. રંગભૂમિ પર લોકનાટ્યની પ્રયુક્તિના વિનિયોગ (?) માત્રથી રંગભૂમિનું ઉત્તમ નજરાણું બની ગયેલું જાલકા અભિનેય નાટક છે પણ લવકુમાર દેસાઈને તેની પ્રત્યક્ષ વિવેચનામાં રસ છે. આથી નાટક તરીકે તેની સિદ્ધિ વિશેની ચર્ચામાં તેની ભજવણી વિશેનું સૂચને અવશ્ય હોવું જોઈએ. એ સિવાય નાટકને 'રંગભૂમિ'નું નજરાણું એ પણ 'ઉત્તમ' કઈ રીતે કહી શકાય ? 'અશ્વમેધ' પણ ચિનુ મોદીનું, પુરાણ કલ્પનના વિનિયોગનો વિશિષ્ટ દાખલો છે. લવકુમાર દેસાઈ સંસ્કૃત સંદર્ભો સાથે અભ્યાસપૂર્ણ સમીક્ષા કરે છે. પ્રત, સંવાદ અને ખાસ તો કેન્દ્રીય 'વિષય' બાબતે તેમણે સમીક્ષા કરી છે. 'અશ્વમેધ' રંગમંચક્ષમતા માટે