ઘણી જહેમત માગી લે તેવું નાટક છે. નાટક એ સંપૂર્ણ રીતે “વહેવારુ કલા છે. 'મનની રંગભૂમિ પર ભજવી જોઈ' જેવાં વાક્યો-વિધાનોનો કશો અર્થ જ નથી હોતો. અહીં આ લેખમાં લવકુમાર દેસાઈએ 'અશ્વમેધ'ની મર્યાદાઓ વિશે અને તેના સંદર્ભસૂત્ર વિશે સુંદર ચર્ચા કરી છે. તેમને 'અશ્વમેધ'નું મૂળ 'હયવદન'માં જણાયું છે. તેમણે 'અશ્વમેધ' અંગે જે પ્રશ્નો ઊભા કર્યા છે તે વાજબી છે. 'અશ્વમેધના પૌરાણિક સંદર્ભોને આધારે કોઈ આધુનિક સંવેદન પ્રગટતું ના હોય તો આ પ્રકારના રચનાશિલ્પનો કોઈ હેતુ ખરો ?'૫૪ 'અશ્વમેધ'નું કથાબીજ 'હયવદન' માંથી મળ્યું હોવાનું તેમનું અનુમાન સત્યની નજીકનું છે. 'ચિનુ મોદીએ 'હયવદન’ કૃતિ જોઈ હોવાનો સંભવ છે. 'હયવદન'માં સૂત્રધાર સમા ભાગવતની ઉક્તિઓ દ્વારા અને વચ્ચે વચ્ચે આવતા 'યક્ષગાન' દ્વારા વસ્તુપ્રવાહનું નિર્વહણ થયું છે. તેવું જ 'અશ્વમેધ'ની કથાગાન પરંપરામાં જોવા મળે છે. 'અશ્વમેધ'ની માફક 'હયવદન'માં અશ્વને (હયવદનના જન્મદાતા) હણહણતા પૌરુષના આવેગમય પ્રતીક તરીકે નિરૂપવામાં આવ્યો છે.'૫૫ ચિનુ મોદીની નાટ્યપ્રતિભાનો પરિચય 'જાલકા' અને તેમનાં અન્ય નાટકો એકાંકીઓથી અવશ્ય મળે છે. પણ લવકુમાર દેસાઈ કહે છે. તેમ 'અશ્વમેધ'માં કાંઈક નવું કરવાની મથામણ રસિકોને ગમે છે, સ્પર્શે છે. અલબત્ત, આ વખતે તેનું પરિમાણ સંપૂર્ણતઃ સંતર્પક નીવડ્યું નથી.'પ૬ સ્પષ્ટ મત ક્યારેક લવકુમાર દેસાઈ પાસેથી મળે છે. લાભશંકર ઠાકરના 'પીળું ગુલાબ અને હું' નાટકની સમીક્ષા પણ બહુ રસપૂર્વક કરી છે. આ નાટકની વિશેષતા એ છે કે રંગસૂચિને આધારે નાટકની મંચનની શક્યતા – ક્ષમતા વિશે ચર્ચા કરવી સહજ બને છે. છતાં ભજવાતું નાટક જોવાથી જ નાટકની સિદ્ધિ – મર્યાદાનો ખ્યાલ આવતો હોય છે. 'પીળું ગુલાબ અને હું’ નાટક તેની રંગભૂમિ કરામતો અને બળકટ કેન્દ્રવર્તી સંવેદનને કારણે વિશિષ્ટ છે, લવકુમાર દેસાઈને પણ આ નાટક ખૂબ ગમ્યું છે. અલબત્ત, અહીં નાટકની પ્રત્યક્ષ સમીક્ષા જ છે. લાભશંકર ઠાકરની દીર્ઘ પ્રસ્તાવના, કાન્તિ મડિયાની દિગ્દર્શક નોંધમાંથી જે નાટક સમીક્ષક પામ્યા છે તેનાથી પણ તેમણે ધન્યતાનો અનુભવ કર્યો હોય તેવું જણાય છે. 'રાઈનો દર્પણરાય' – 'રાઈનો પર્વત'ના ખ્યાત વસ્તુમાંથી કથાબીજ લઈ લખાયેલું નાટક છે. આ નાટક વિશે સમીક્ષકે પ્રત્યક્ષ વિવેચન કરી પ્રતને – સાહિત્યસ્વરૂપને ખોલી આપ્યું છે પણ મંચન શક્યતા વિશે ચર્ચા કરતા નથી. આ લેખ તો બહુતયા 'અવલોકન' જ જણાય છે. નાટ્યચર્ચાના વિભાગમાં તેમણે નાટ્યની નહીં પણ 'નાટક'ની પ્રતની જ ચર્ચા કરી છે. અહીંની સમીક્ષા એ રીતે જોઈએ તો કૃતિલક્ષી છે.
વિભાગ '૩'માં કૃતિસમીક્ષા કરવા ધારી છે. અહીં આઠ ગ્રંથોના પરિચય સમીક્ષાનો તેમનો આશય છે. તેમાં 'અંતિમ અધ્યાય', 'બાથટબમાં માછલી', 'ધુમ્મસ