પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

સૂક્ષ્મ સ્તરનાં નવ નાટકોની પસંદગી કરીને ગુજરાતી રંગભૂમિની મૌલિક નાટકોની ઊજળી બાજુ ફોકસ કરી છે. સતીશે નાટ્યકારની શબ્દસૃષ્ટિને વધારે ધ્યાનમાં રાખી તેના ભાષાકર્મ પર વધુ પડતો ભાર મૂક્યો છે. તેમ કરવામાં ક્યારેક નાટકનાં પ્રતીકો, પુરાકલ્પનો કે રૂપકોની ચર્ચા નહીંવત્ થઈ છે. સમગ્રતયા એમ કહી શકાય કે 'નૂતન નાટ્ય આલેખો'ના અવલોકન લેખોએ ગુજરાતી રંગભૂમિ પરનાં ઉત્તમ મૌલિક નાટકો પ્રતિ સૌનું ધ્યાન ખેંચ્યું છે તથા અભ્યાસીઓ માટે આવાં માનસશાસ્ત્રીય નાટકોને સમજવા-માણવા માટે દિશા ચીંધી આપી છે.૬૦ 'રૂપકિત'માં કૃષ્ણકાન્ત કડકિયાની સમીક્ષા શૈલી વિશે તેમણે ચર્ચા કરી છે. અલબત્ત, તેમને આ સમીક્ષાઓમાં અભિનિવેશ વિશેષ જણાયો છે. પ્રયોગશીલ નાટ્યવિવેચના આપવાનો પ્રયત્ન કૃષ્ણકાન્ત કડકિયાનો છે તેમ પણ તેમણે નોંધ્યું છે.

'કૃતિ સમીક્ષા' એ વિભાગમાં ખરેખર તો ગ્રંથાવલોકનો જ થયાં છે. આ અવલોકનોમાં દરેક ગ્રંથનો વિસ્તૃત પરિચય અવશ્ય મળે છે. ગ્રંથકારના વિચારધારાનો અને તેમની મર્યાદાનો પરિચય તેમનાં આ અવલોકનમાંથી પમાય છે.

વિભાગ '૪'માં તેમણે 'પ્રયોગ સમીક્ષા' મૂકી છે. કેટલાક સમારોહમાં ભજવાતાં નાટકો વિશે તેમણે પ્રયોગની સમીક્ષા આપી છે. તેમાં ધ્યાનપાત્ર બને છે 'હયવદન', 'સિકંદર સાની' અને 'ગેલેલિયો ગેલિલિ'ની સમીક્ષાઓ. અન્ય બે સમીક્ષાઓ માત્ર અહેવાલ છે. નેશનલ નાટ્ય અકાદમી વેસ્ટર્ન ઝોનના નાટ્ય સમારોહ ૧૯૯૨માં ભજવાયેલાં નાટકોમાં 'રાઈનો દર્પણરાય', 'અગ્નિહોત્રા', 'બડે દિલવાલા', 'દૂધાં' આદિ નાટકો ભજવાયાં. સમીક્ષકે તેના વિશે ટૂંકમાં તેના પ્રયોગનો પણ ખ્યાલ આવે તેવી રીતે સમીક્ષા કરી છે. 'સેટર પ્લેથિયેટર - એક આંદોલન' એ લેખમાં વડોદરાની એક નાટ્યસંસ્થાનો પરિચય કરાવ્યો છે. 'પ્રો. જે. બિરજે પાટિલનો નાટ્યપ્રયોગ 'હયવદન' લેખમાં ગિરીશ કર્નાડના ‘હયવદન'ની પ્રયોગ સમીક્ષા છે. ગેલેલિયો અને સિકંદર સાનીની સમીક્ષા પણ સાથે છે. અલબત્ત, વિભાગ ચારનું શીર્ષક પ્રયોગ સમીક્ષા એવું ભલે આપ્યું પણ, નાટ્યપ્રયોગની સમીક્ષાની અપેક્ષા સંતોષાતી નથી. અહીં માત્ર પ્રતની સમીક્ષા થાય છે.

લવકુમાર દેસાઈ નાટકની સમીક્ષા કરે છે. પરંતુ બહુધા તેમણે 'પ્રત' કે 'આલેખ'ની કે નાટકના વાઙ્‌મય સ્વરૂપની સમીક્ષા કરી છે. ભજવાતાં નાટકોની સમીક્ષાનો આગ્રહ આવશ્યક છે પણ 'આદર્શ' ક્યાં છે. જોકે નાટકની સમીક્ષામાં તેઓ સફળ રહ્યા છે. તેમણે નાટકના મર્મને પકડી નાટ્યકારને જરૂર પડે આવશ્યકતાનુસાર સૂચનો પણ કર્યાં છે. કૃતિનિષ્ઠ સમીક્ષા તેમણે આપી છે.