ભાષા બાબતે મતાંતરો પ્રવર્તે છે. સતીશ વ્યાસે આ લેખમાં મતાંતરોની પણ ચર્ચા કરીને નાટકમાં ભાષાના મહત્ત્વને સ્પષ્ટ કરી આપવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય મતનો, ભરત નાટ્યશાસ્ત્રનો આધાર લઈ તેમણે 'વાચિક'ને – વાણીને અભિનયની કક્ષા આપી છે. ભાષા વિના અભિનયના પ્રયત્નો-પ્રયોગો પશ્ચિમમાં ખૂબ થયા છે. સતીશ વ્યાસ અહીં નાટકમાં ભાષા કેવી હોવી જોઈએ એની ચર્ચા વિશેષ કરે છે. 'નાટકની ભાષા સદ્ય પ્રત્યાયનક્ષમ હોવી અનિવાર્ય છે.' એમ કહેતી વખતે નાટકના અર્થઘટનની સમસ્યાઓ નિવારવા યોગ્ય રીતે ભાવક સુધી પહોંચવું જોઈએ તેમ માને છે. નાટક ભાષાથી અને ક્રિયાથી એમ બંને રીતે પ્રેક્ષક સુધી પહોંચતું હોય છે. નાટકમાં ભાષાનું મહત્ત્વ તેમણે સુપેરે આલેખ્યું છે. 'એ ડોલ્સ હાઉસ' એ કૃતિલક્ષી સમીક્ષા છે. આ નાટક વિશેની આ પ્રકારની અભ્યાસ પૂર્ણ સમીક્ષા આ પૂર્વે થઈ નથી. પાત્રો અને પરિસ્થિતિનાં ઔચિત્ય, પાત્રોનાં મનોવિશ્લેષણ, નાટકની સમાજ પરની પ્રભાવક અસરો તથા વિવિધ સમીક્ષકો-ચિંતકોના મત સાથે તુલના આ લેખમાં મળે છે.
'શર્વિલક' નાટક વિશેની સમીક્ષા પણ કૃતિના રહસ્યને ખોલી આપતી, તેની વિશેષતા – મર્યાદાઓને સ્પષ્ટ કરતી સમીક્ષા છે. આ નાટક વિશે ચુનિલાલ મડિયાએ પ્રયોજેલા શબ્દોમાં 'મૃચ્છકટિક' અને 'દરિદ્ર ચારુદત્ત' નાટકોમાંનો જૂનો શરાબ લેખકે અહીં નવા બાટલામાં રજૂ કર્યો છે પણ વસ્તુતઃ આ નવું પીણું માત્ર જૂનાં પીણાઓનું મિશ્રણ નથી. આ મિશ્રણ તૈયાર કરવામાં લેખકે પોતાના આગવા કહી શકાય એવા કેટલાક 'આથા'ઓ અને 'ઘાણ' ઉમેર્યા હોવાથી એનો સ્વાદ જૂનાં પીણાંઓ કરતાં સાવ બદલી ગયો છે. અને આ નૂતન મદ્ય આગલાં મદ્યો કરતાં અધિક મિષ્ટ અને અધિક માદક પણ બની ગયું છે.૬૯ આ ઉદાહરણ આપીને સતીશ વ્યાસ નાટકના વિશ્લેષણ દ્વારા કયા 'આથા' અને 'ઘાણ'નો ઉપયોગ શર્વિલકના લેખકે કર્યો છે તેની ચર્ચા કરે છે. 'રચનામાં એક કરતાં વધારે કથાવસ્તુઓ દાખલ કરવામાં આવ્યાં છે અને એ બધાંમાં ઘણા સાંધા દેખાય છે - આથી લોકવિપ્લવની વાત બાજુએ રહી જાય છે અને ચારુદત્ત – વસંતસેના પ્રમય, આર્ય-શ્રમણ – બૌદ્ધ હુંસાતુંસી વગેરે વચ્ચે વચ્ચેથી વધારે ડોકિયાં કરે છે. લેખકે મોટો પથારો કર્યો છે. સંસ્કૃત શૈલીનું મહાનાટક સર્જવાના સંકલ્પને કારણે આમ થયું છે. લેખકના કલ્પના કનકવાએ જેટલો ઘુમાવ લીધો છે એટલી ઊંચાઈ સિદ્ધ કરી નથી. સતીશ વ્યાસ 'શર્વિલક'ની પ્રતની આ મર્યાદાઓને ધ્યાને લે છે. અલબત્ત, નાટકમાં ઘણી જગ્યાએ જોવા મળતા ટૂંકા સંવાદો ઉત્કૃષ્ટ સંવાદકલાનો નમૂનો બની શકે તેવા છે તેની નોંધ કરી છે. સતીશ વ્યાસ નાટકને તેના વિવિધ પરિમાણોથી તપાસે છે. તેઓ માને છે કે 'નાટકમાં સ્થાપનાનું મહત્ત્વ હોય છે,