લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકારલક્ષી સમીક્ષા અને નાટ્યસમીક્ષા • ૫
 

નાટક લોકાશ્રિત કલાપ્રકાર છે. નટચમૂ દ્વારા ભજવાય છે ને જનસમુદાય દ્વારા ભોગવાય છે. તેનો મુખ્ય આશય જન રંજનનો રહ્યો છે. આરંભકાળમાં એ જ આશયને મુખ્ય બનાવી લોકરુચિ અનુસાર નાટકો લખવા-ભજવવામાં આવતાં. પરંતુ નાટકની લોકપ્રભાવક અસરને ધ્યાનમાં લઈ વિશ્વમાં નાટકના સંદર્ભે ઘણાં પરિવર્તનો આવ્યાં. નાટકમાં જીવનનો ધબકાર સહુ પહેલાં પ્રગટતો હોય છે. નાટક મંચ પર જિવાતું હોય છે ને પ્રેક્ષકોમાં પણ જિવાતું હોય છે. આથી લોકોમાં કે સમાજમાં જે ઘટના બને તેની સારી-માઠી અસર નાટકમાં દેખાતી. નાટક દ્વારા સમાજનાં દૂષણો સામેનો અભિગમ પણ કેળવાતો, સુધારો પ્રબોધવામાં આવતો. નાટક પર વિશ્વ નાટ્ય સમાજોમાં થતી હલચલોની સ્વાભાવિક અસરો પડે છે. આરંભની સાંકેતિક પદ્ધતિએ ભજવાતાં નાટકો પછી વાસ્તવિક શૈલી અને અતિરંજનમાં સરી પડતી રંગભૂમિના વિકાસ પતનની તવારીખ પણ નાટ્યસમીક્ષકે તપાસવી પડે છે. વિવિધ કલા આંદોલનોની અસર નાટક પર પડી. શૂન્યવાદ, અસ્તિત્વવાદ, વાસ્તવવાદ, પ્રગતિવાદ, દાદાવાદ ને ઍબ્સર્ડની અનુભૂતિ કરાવતાં નાટકોને તપાસનારા સમીક્ષકે આ બધા જ પ્રદેશોમાં ગતિ કરવી જ પડે. વિશ્વની રંગભૂમિ સાથે તેમાં થતાં પરિવર્તનો સાથે અનુસંધાન રાખનાર નાટ્યસમીક્ષક જ ઉત્તમ સમીક્ષાઓ આપી શકે એટલું જ નહીં, નાટ્યપ્રકારના વિકાસને મદદરૂપ થઈ શકે તેવાં માર્ગ કે દિશાદર્શક સૂચનો પણ કરી શકે.

નાટકનાં વસ્તુ, પાત્ર અને સંવાદ, રસ આદિની ચર્ચા વાઙ્‌મય સ્વરૂપને આધારે – પ્રતને આધારે થતી રહી છે. પરંતુ 'વસ્તુ' મંચ પર ભજવાશે ત્યારે કેવો અનુભવ કરાવશે તે જાણવા માટે તો મંચ પર ભજવાતા નાટકને જ જોવું જોઈએ. નાટ્યસમીક્ષકે નાટક જ નહીં તેના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યને પણ ધ્યાનમાં રાખવા પડે. આરંભનું નાટક ખુલ્લા મંચ પર પ્રસ્તુત થતું. પ્રેક્ષકો પણ નિકટ અને વિવિધ દૃશ્યોના પડદા તૈયાર, મંચ પણ વિશાળ આથી નટને તો ખેલણની મજા પડે પણ નાટ્યકારને પણ નાટકને ખિલવવાની મજા પડે. થિયેટરો બંધાયાં તે પહેલાં માંડવા બાંધીને નાટકો ભજવાતાં; પણ થિયેટર બંધાયા પછી અભિનયની સાહજિકતામાંથી નટો અતિરંજિત અભિનય તરફ વળે છે. થિયેટરમાં એક જ ફ્રેમ અને પડદાની મર્યાદામાં નાટક લખવું અને ભજવવું. બંને બંધનમાં આવી પડે છે. જે તે સમયની રંગભૂમિની મુશ્કેલી અને વિશેષતા નહીં સમજી શકનારા - જાણનારા સમીક્ષકને નવી રંગભૂમિ સાથે અનુસંધાન કેળવવામાં સમસ્યા નડી શકે. સિંહનાદી કલાકારો થિયેટર અને હૉલમાં ભજવાતાં નાટકોને કારણે – દર્શનને કારણે થયા. પ્રેક્ષકો દૂર હોવાને કારણે નાનામાં નાનો સંવાદ પણ દૂર બેઠેલા પ્રેક્ષકને પણ સંભળાવો જોઈએ આથી નાજુક પ્રસંગોએ પણ કલાકારને અભિનય કરવામાં પડતી