પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૨૩
 

સંસર્ગથી ભાવકને થવાનો. ઢંગધડા વગરનો વસ્તુપ્રપંચ, બેહૂદગીપૂર્ણ ચમત્કારો, વેવલાઈયુક્ત સંવાદો અને હાથ નાંખો ને જડે એવાં બીજાં અનેક વૈચિત્ર્યોથી 'અમર અમર મર' નાટક તરીકે તો શું પણ એક વાંચવી ગમે એવી તિલસ્માતી સ્ટન્ટકથા તરીકે પણ ટકે એવી કૃતિ નથી. ૭૪ સતીશ વ્યાસ કૃતિનાં વસ્તુ - પાત્રો આદિના વિશ્લેષણમાંથી પસાર થઈ આ નિષ્કર્ષ પર આવ્યા છે. નાટક થવા માટે નવલકથા થવું આવશ્યક નથી, નાટક જ થવું પડે એ વાતમાં તથ્ય છે.

'કેમ મકનજી ક્યાં ચાલ્યા' સિતાંશુ યશશ્ચંદ્રના નાટક વિશેના લેખમાં નાટકની સમીક્ષાની સાથે જ આપણાં આધુનિક નાટકોમાં આપણા તળના પ્રશ્નોના આલેખન વિશે ચર્ચા કરી છે. સમગ્ર રચનામાં માનવ અસ્તિત્વની વ્યર્થતાનો એક બોજ છે. હળવી શૈલીમાં એ ભાર વણી લેવામાં આવ્યો છે. આખું નાટક ઉપહાસ-વિડંબનના આ શર્કરાવરણની પડ છે વેદનાને ઘૂંટે છે. આપણા રાજકારણ – સમાજકારણના પ્રશ્નોને રજૂ કરતાં નાટકો હજી મૂળ ઘાલતાં નથી. એમાંની સમસ્યા ઉપરછલ્લી અને બાહરી હોય છે. આને લીધે તળના પ્રશ્નો અને તળની ભાષા એમાં મળતાં નથી. જનસામાન્યની ભાષા, લ્હેકા, ગાળો, દ્વિઅર્થી સંવાદો આદિ ફેશન દાખલ થતાં આવતાં લાગે છે. એની ઉપર પણ સભ્યતાની કવિતાનો ઢોળ ચઢે છે. ભાષાની કરામતો વધારે અને નાટ્ય સહજતા ઓછી જોવા મળે છે. રંગભૂમિની પ્રયુક્તિઓ પણ વધારે હોય છે. મંચનનું વૈવિધ્ય ખડું થાય એવું લેખન ઓછું હોય છે. અહીં પણ (કેમ મકનજી ક્યાં ચાલ્યા) ત્રણે અંકના પ્રારંભો થોડા લંબાવાયેલા – ખેંચાયેલા લાગે છે. ભાષામાં પણ અબરખી ચમક વધારે લાગે છે. ચરિત્ર નિપજાવતી ભાષા ક્યાં છે આપણાં અત્યારનાં નાટકોમાં ? માત્ર મંચનની ભાષા નહીં, ચરિત્રની, પૂરેપૂરા નાટકની ભાષા હજી જાણે મળતી, અનુભવાતી નથી.'૭૫ સતીશ વ્યાસની આ ચિંતા વાજબી છે. અલબત્ત, વિદેશી સંવેદનાને વ્યક્ત કરતાં નાટ્યકારો-કવિઓને વિવેચનનું આક્રમણ કરીને કોઈપણ સમીક્ષકે રોકવાનો પ્રયત્ન કર્યો નથી.

'પ્રપંચ' સુભાષ શાહનું દ્વિઅંકી નાટક છે. દરેક અંકનાં દૃશ્યો વિશે, કથાવસ્તુ અને તેની રજૂઆત વિશે સતીશ વ્યાસ વિગતવાર સમીક્ષા કરે છે. 'નાટકમાં આવતા કથાવસ્તુમાંય રંગભૂમિ પરનાં પાત્રો-નાટકમાં નાટકની પ્રવિધિ વિશે તેમણે યોગ્ય રીતે જ લેખકને ત્રિવિધ સ્તરે કામ કરવું પડે પણ એનાથી મોકળાશ પણ વધે, વૈવિધ્ય મળે અને તેથી એકવિધ બની જવાની ભીતિમાંથી ઊગરી પણ જવાય. આપણા અત્યારના ઘણા લેખકોએ રંગભૂમિનો આવો સીધો ઉપયોગ પોતાની નાટ્યરચનાઓમાં કર્યો છે. આનાથી નાટ્યનિર્વહણમાં આવતું વૈવિધ્ય રાહતરૂપ બનતું હોય છે.' સતીશ વ્યાસ ભાષાની – સંવાદની સૂક્ષ્મતા ને તેના કાકુને પકડે છે. 'નાટકમાં અન્ડરટોનની માવજત કુનેહપૂર્વક થઈ છે. સોહનનો અને રાજાનો