લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

અભિનય કરનાર નટોને અભિનય વૈવિધ્યનો ઘણો અવકાશ મળે એવો છે. તખ્તા ઉપર અભિજાત જોષી અને ભરત ઠક્કરે અનુક્રમે આ ભૂમિકાઓ ખૂબ સફળતાપૂર્વક નિભાવી હતી... સુભાષ શાહે પોતાના દિગ્દર્શનમાં આનું મંચન સફળતાપૂર્વક કર્યું છે. દૂરદર્શન કરતાં તખ્તા પર વધારે સફળ રહ્યું હતું. મુકેશ પીટરની પ્રકાશયોજનાનો સેટિંગ્સનો પણ ગરવો ઠાઠ ઊભો થયો હતો. જોકે નાટકનો બીજો અંક થોડો લંબાયેલો, શિથિલ લાગતો હતો પણ વિષપાનના દૃશ્ય પછી પાછું નાટક મજબૂત થયું હતું.'૭૬ આ નાટકને સમીક્ષકે ભજવાતું જોયું છે. અલબત્ત, અહીં તેની ભજવણી સંબંધી ઉલ્લેખ મળે છે, સમીક્ષા મળતી નથી.

'પડઘા' ઉમાશંકર જોશીનું એકાંકી. તેના વિશેનો અવલોકનલેખ એકાંકીની રંગભૂમિક્ષમતાને નોંધપાત્ર લેખે છે. 'પડઘા' પૂર્વે લીલાનાટ્ય વિકસ્યું નહોતું. ઉમાશંકર જોશીએ તેમના આ એકાંકી દ્વારા તેનો પ્રયોગ કર્યો છે. એ પછી વિભૂત શાહના 'માનુનીના શ્યામ ગુલાબ'માંનાં ચાર એકાંકીનાં અવલોકન છે. જેમાં 'રાઘવની બિન્દી', 'નાટકનું નાટક', 'માનુનીના શ્યામ ગુલાબ' અને 'ફેનિલ ફેનિલ મોજાં' એ ચાર એકાંકીઓની સર્જનાત્મકતા વિશે ચર્ચા કરી છે. 'તન્નિકટ-સન્નિકટ' શીર્ષકવાળા લેખમાં 'વેઇટિંગ ફોર ગોદો' નાટકની પ્રયોગલક્ષી સમીક્ષા છે. નસીરુદ્દીન શાહ અને બેન્જામીન ગીલાનીના અભિનયથી સમીક્ષક ખુશ છે. સતીશ વ્યાસને તેમાં એક ક્ષતિ પ્રકાશઆયોજન બાબતે જણાઈ. તેમણે એથી જ સૂચન પણ મૂક્યું છે કે 'આ રચનામાં મૂળ પ્રતને અનુસરવું હોય તો, ઝાઝો પ્રકાશનો ઠાઠ કરવા જેવો નથી.' 'નાગમંડળ' ગિરીશ કર્નાડનું નાટક વડોદરાની શેક્સપિયર સોસાયટી દ્વારા તા. ૨૬-૨-૯૨ના રોજ દિનેશ હૉલમાં ભજવાયું તેની પ્રત અને પ્રયોગ વિશેની સમીક્ષામાં પણ વસ્તુવિશ્લેષણ પછી પ્રયોગ વિશે ચર્ચા કરી છે. તેમને લાગ્યું છે કે 'રાની ધારકરના દિગ્દર્શનની... મિશ્ર અસરો પડી મૂળ મર્મ તો બહાર આવ્યો પણ હજી સમૂહનનું ઘણું વૈવિધ્ય રચી શકાય એમ હતું. પાત્રો પાસેથી હજી વધારે મહેનત લઈ શકાઈ હોત તો આ નાટક વધારે બળવાન બને. મૂળ પ્રતને કલ્પનાશીલતાથી, હજી વધારે દૃશ્યાત્મક રીતે રજૂ કરાવી જોઈએ. લોકકથા, લોકનાટ્યને રજૂ કરવાની શૈલી અંગે પણ પુનર્વિચાર કરવો જોઈએ. આ નાટકની સમીક્ષામાં સતીશ વ્યાસે રંગભૂમિનાં અન્ય પાસાંઓ વિશે ચર્ચા કરી છે. પ્રકાશયોજના અને સંગીત વિશે તેમણે સંતુષ્ટિ વ્યક્ત કરી છે.

'કાફલો' વીનેશ અંતાણીની નવલકથાનું નાટ્યરૂપાંતર કપિલદેવ શુક્લે કર્યું છે. તે વિશે સતીશ વ્યાસે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. વિનેશ અંતાણીની 'કાફલો' નવલકથાએ તો ઝાઝી પ્રસન્નતા સર્જી નહોતી. એમાં પ્રયોજાયેલી રૂ૫કગ્રંથિ અને ભાષાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા. એમાં નથી મળતું જીવનનું વાસ્તવ, કે નથી