પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૨૫
 

મળતું વણઝારાઓની દુનિયાનું વાસ્તવ, મળે છે કેવળ રંગરાગિતાપૂર્ણ કથાનો સ્થૂળ આનંદ. હા, ચારિ અને સરદારનાં ચરિત્રો સારાં થયાં છે. પણ ઘણાં ચરિત્રો સાથે સંકળાયેલાં રૂપક-પ્રતીકો ધૂંધળાં રહી જવા પામ્યાં છે. અહીં એ નવલકથાના વિવેચનમાં ઊતરવાનો આશય નથી, પરંતુ આ નવલકથામાં રહેલી દૃશ્યાત્મકતા અને નાટ્યાત્મકતાનો ઉપયોગ કરીને કપિલદેવ શુક્લે એનું એક નયનરમ્ય અને પ્રસન્નકર નાટ્યાંતર રજૂ કર્યું છે. એ અંગે પ્રતિભાવ આપવાનો આશય છે.૭૮ આમ તો નાટક વિશેનો પ્રતિભાવ તેમણે આપી દીધો છે. ભજવાતા નાટક વિશે પણ તેમનો પ્રતિભાવ તરબોળ કરી દે તેવો જ છે.

ગૅરેજ થિયેટરનાં બે નાટકો વિશે પ્રયોગલક્ષી સમીક્ષા મળે છે. 'ફ્રાન્ઝ કાફકાની ધ ટ્રાયલ' નવલકથાનું નાટ્યાંતર 'જૉસેફ કે નો મુકદ્દમો’ નામે હસમુખ બારાડીએ કર્યું ને ભજવ્યું તેના વિશે અને પછીના લેખમાં 'આખું આયખું ફરીથી' એ નાટકની પણ પ્રયોગલક્ષી સમીક્ષા કરી છે. હસમુખ બારાડીએ મૂળ નાટકના રૂપાંતરમાં ઘણા ફેરફારો કર્યા છે. જોકે મૂળ રચનામાં નહીં એવી પાંજરાની, ગાળિયાની, તલવારો સાથેના જલ્લાદોની રૂપાંતરકારે કરેલી ઉમેરણી મૂળ રચનાના મર્મને હાનિ પહોંચાડતી જણાય છે. સતીશ વ્યાસે આ નાટકની ભજવણીની સમીક્ષા કરી છે. જેમાં કથાવસ્તુથી માંડીને અભિનય, સંનિવેશ, નેપથ્યની પણ તેમણે સમીક્ષા કરી છે. મુખ્ય પાત્રનો અભિનય કરતા જનક રાવળના અભિનય વિશે તેમણે માર્મિક નોંધ કરી છે. 'ઘણે સ્થળે એ મૂળ કથાનો અંડરટોન જાળવવાને બદલે રિસાઈટેશન કરતા હોય એમ બોલકા થઈ જતા હતા અને ડ્રામેટિક બનવાને બદલે થિયેટ્રિકલ બનતા હતા. મૂળ કથાના નાટકની સંકુલતા, મૂંગી વેદના, વિષાદ, એની મથામણ એ પૂરતી તીવ્રતા સાથે ઊપસાવી ન શક્યા.'૮૦ સંગીતનિયોજન, પ્રકાશયોજના, દિગ્દર્શન વિશેનો પ્રતિભાવ આપ્યા પછીય સમીક્ષકનો મત આવો રહ્યો છે. 'સારી ટેકનિકની દૃષ્ટિએ તો રચના આકર્ષતી હતી પણ મૂળ કથાનો મર્મ ઉપસાવવામાં સંતર્પક નીવડતી ન હોવાનો અનુભવ થતો હતો. વ્યવસ્થા સામેની વ્યક્તિતાનો સંઘર્ષ કેવો નિષ્ફળ જાય છે એ કરુણતા પ્રેક્ષકો સુધી બરાબર પહોંચી નહીં, આથી જાણે આખો પ્રયોગ 'એકેડેમિક' બની ગયો હોવાનો અહેસાસ થયો.'૮૧

'આખું આયખું ફરીથી' સમીક્ષા પણ ધ્યાનપાત્ર છે. આરંભમાં જ સતીશ વ્યાસ નોંધ છે તે યોગ્ય જ છે, કે 'આપણા નવા નાટ્યલેખકોને રંગભૂમિની સામગ્રી અન્ય સર્જનાત્મક સામગ્રીના વિકલ્પ ઉપયોજી લેવાનો મોહ વિશેષ જોવા મળે છે. હસમુખ બારાડીએ એમના નવા દ્વિઅંકી નાટક 'આખું આયખું ફરીથી'માં રિહર્સલ્સ અને એમાં મંદાની ભૂમિકા કરતી શુભીના અધ્યાસોને સાંકળીને નોખા પ્રકારનું પૃથક્કરણાત્મક પરિણામ સરજ્યું છે.'૮૨