પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૨૯
 

તેમના વિવેચન-સમીક્ષામાં ભાગ્યે જ દેખાય છે' તેમનો ઉદ્દેશ એકમાત્ર ભજવાતું નાટક-રંગભૂમિ છે અને તેના વિશે તેમણે વ્યાપક અર્થઘટન અને નાટ્યસમજ સમાજના લોકો સુધી પહોંચે તેવી સમીક્ષાઓ આપી છે. કચરા જેવાં નાટકોની ટીકા કરવામાં પણ કાગળ અને શાહી બગાડવાં નહીં એ તેમનો અભિગમ છે. છતાં પણ જેમાં થોડુઘણુંય નાટક સિદ્ધ થયું હોય, કથાનક, અભિનય, દિગ્દર્શક કે અન્ય કોઈ દૃષ્ટિએ સંતોષકારક લાગ્યું હોય તેવાં નાટકો તેમણે સમીક્ષા માટે સ્વીકાર્યાં છે. આ સમીક્ષાઓ દ્વારા ગુજરાતી રંગભૂમિની પરિસ્થિતિનો નક્કર અંદાજ આવે તે આશયથી પુરતક રૂપે તે પ્રકાશિત કરી છે. 'પ્રેક્ષા'ની પ્રસ્તાવનામાં જ તેમણે ગુજરાતી રંગભૂમિ નાટકની સ્થિતિ વિશે ચિંત્ય મંતવ્ય આપ્યું છે. 'કેનેથ ટિનનું 'A view of the English stage', રોબર્ટ બ્રુસ્ટાઈનનું 'Season of Discontent' જોન અલ્સમનું 'Post/war British Theatre Criticism' - એના જેવા અવલોકન સંગ્રહોને પહોંચવાનું આ પુસ્તકનું ગજું નથી. એવાં પુસ્તકો તરફ નજર કરતાં વિશ્વની રંગભૂમિના વિકાસનો આલેખ મળી શકે છે, જ્યારે આપણે ત્યાં વિકાસ થતો હોય એવું ભાગ્યે જ લાગે છે. માત્ર ગુજરાતી રંગભૂમિ પૂરતું જ આમ નથી, બીજી રંગભૂમિઓ પર પણ સ્વતંત્ર અભ્યાસયોગ્ય કશું સંચાલન કે હલચલ - સમગ્રપણે, કોઈ દિગ્દર્શકની કે કોઈ નાટ્યસંસ્થાની થઈ હોય એવું કહી શકાશે ખરું? લેખકની પણ, એક વિજય તેંડુલકરને અપવાદે, આ દશા છે.'૮૫ ‘દૃશ્યફલક', 'પ્રેક્ષા', 'સંગભૂમિ' અને 'તર્જની સંકેત' દ્વારા તેમણે જે રંગભૂમિના વિકાસને આલેખવાની, નાટકના એ પરમોચ્ચ દર્શનને પામવા અનુભવવાની ને સહૃદય ભાવકોને તેનું પ્રત્યક્ષ પ્રત્યાયન કરાવવાની જે ઇચ્છા કરી છે તેમાં આ રંગભૂમિને કારણે તે સફળ થયા. અલબત્ત, રંગભૂમિના વિકાસની રેખા આલેખવાની તેમની ઇચ્છા મનની મનમાં રહી. ગુજરાતી રંગભૂમિ કે નાટક એક પ્રકારની સ્થગતિ અનુભવે છે ત્યાં વિકાસની રેખા તો ક્યાંથી આલેખી શકાય. મૌલિક નાટકોનો અભાવ રંગભૂમિ પર ભજવાતા રૂપાંતર જોઈને વ્યક્ત કરે છે. વૈકલ્પિક રંગભૂમિની અપેક્ષા પણ ઠગારી નીવડી છે. અમદાવાદમાં થતા પ્રયોગો વિશે તેમનો મત એવો છે કે 'પડછાયાના પડછાયા ભજવાય છે જેને કારણે તાજગીનો અવકાશ રહેતો નથી.' નિમેશ દેસાઈ, ભરત દવે, સુભાષ શાહ, જશવંત ઠાકર કે દર્પણ આદિના પ્રયોગો વિશે શરૂઆતમાં તેમણે વાત નથી કરી. પછીનાં પુસ્તકોમાં અમદાવાદની રંગભૂમિના આ મહાનુભાવો વિશે ચર્ચા કરે છે. ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા, સુરત જેવાં સ્થળોએ સક્રિય રંગભૂમિ વિશેની નોંધ પણ ભાગ્યે જ મળે છે. જોકે તેઓ જાણે છે કે ગુજરાતની રંગભૂમિ એટલે માત્ર અમદાવાદની રંગભૂમિ જ નહીં. 'પ્રેક્ષા'માં એ નોંધે છે કે 'અમદાવાદ સિવાય વડોદરા, સુરત