પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

જેવા ઘણાં સ્થળોએ રંગભૂમિ સક્રિય છે, પરંતુ એ બધાની તસવીર અહીં ઝિલાઈ નથી એનું દુઃખ છે. જો એમ થાત, તો સમગ્ર ગુજરાતી રંગભૂમિ વિશે વાત થઈ શક્ત.'૮૬તેમણે યથાયોગ્ય પ્રયત્ન ગુજરાતી રંગભૂમિને સમજવા – સમજાવવાનો કર્યો છે. સાથે ઇતર ભાષાનાં નાટકો વિશે પણ સમીક્ષાઓ આપી છે. આથી ભારતીય રંગભૂમિ પર આપણું ગુજરાતીનું સ્થાન ક્યાં ને મહત્ત્વ શું તેની તુલના થઈ શકે છે. 'દૃશ્યફલક'માં ૪૯ ગુજરાતી નાટકો વિશે, ૧૭ હિન્દી રંગભૂમિનાં નાટકો વિશે, ૧૪ મરાઠી રંગભૂમિનાં નાટકો અને આંતર કૉલેજ એકાંકી સ્પર્ધામાં ભજવાયેલાં એકાંકીઓ વિશે સમીક્ષાઓ કરી છે. 'પ્રેક્ષા'માં ૪૬ ગુજરાતી રંગભૂમિનાં, ૫ બાળ રંગભૂમિનાં, ૨૨ અંગ્રેજી રંગભૂમિનાં, ૨૮ હિન્દી રંગભૂમિનાં, ૨૦ મરાઠી રંગભૂમિનાં નાટકો વિશે સમીક્ષા કરી છે.

નાટ્યવિહાર એ નાટક વિશેના – રંગભૂમિ અંગેના વિચારોનો સંગ્રહ છે. પ્રસંગોપાત્ત લખાયેલા લેખોને અહીં સાથે મૂકી આપ્યા છે. આ બધામાંથી એક વાત જે સ્પષ્ટ થાય છે તે છે ઉત્પલ ભાયાણીની રંગભૂમિ, નાટક અને નાટક કરનારાઓ પ્રત્યેની પ્રીતિ, હૃદયપૂર્વક લખાયેલા લેખો છે. નાટ્યવિહારમાં રામલીલા અને કથકલી જેવાં લોકનાટ્યોની વિશેષતાઓ અંગેની ચર્ચા કરે છે ત્યારે ભારતીય રંગભૂમિ કેન્દ્રસ્થાને છે. રંગભૂમિ પરના સંનિવેશમાં 'ઘર' વિશેનો મનનીય લેખ છે. ક્યાંક પ્રશિષ્ટ કૃતિને લોકભોગ્ય બનાવવાની ચિંતા છે તો સાથે કૃતિ સાથે છૂટછાટો લઈ શકાય કે નહીં તેની ચર્ચા પણ કરે છે. વિષયનું વૈવિધ્ય હોવા છતાં બધાના કેન્દ્રમાં નાટ્ય છે. નાટક સાથે સંકળાયેલા કલાકારો-દિગ્દર્શકો અને અન્ય રંગકર્મીઓ વિશે સુંદર પરિચયલેખ કર્યા છે. નાટ્યવિહારમાં માત્ર ભજવાતું નાટક 'નાટ્ય' કેન્દ્રમાં નથી તેની આનુષંગિક સામગ્રી વિશેનો એ વિહાર છે. આથી અહીં સમીક્ષા કે મીમાંસા નથી નાટક અંગેની ચર્ચા-વિચારોની અભિવ્યક્તિ લેખકે અહીં કરી છે.

'નાટકનો જીવ' નાટ્યવિવેચક ઉત્પલ ભાયાણીનો પરિચય કરાવે છે. અન્ય પુસ્તકોમાં તેમણે અવલોકનો કે સમીક્ષાઓ જ આપ્યાં છે. 'નાટકનો જીવ'માં તે આગળ વધીને વિવેચન કરવા સુધી ગયા છે. ગુજરાતી નાટક અને વિશ્વનાં નાટકોનું વિશ્લેષણ કરી તખ્તાલાયકી વિશે વિસ્તૃત રીતે ચર્ચા કરી છે. ત્રણ ભાગમાં વહેંચાયેલા આ પુસ્તકમાં ત્રીજા ભાગમાં માર્ટીન એસ્લીન અને પીટર બ્રુકના બે લેખોનો ભાવાનુવાદ આપ્યો છે. 'નાટકનો જીવ' ઉત્પલ ભાયાણીના કૃતિલક્ષી વિવેચનનું દૃષ્ટાંત છે. પહેલા પ્રકરણમાં એમણે 'ગુજરાતી નાટક વીસમી સદીના આઠમા દાયકામાં', 'ગુજરાતી એકાંકી ૧૯૮૩' અને 'પ્રાયોગિક રંગભૂમિ' આ ત્રણ અભ્યાસપૂર્ણ લેખ આપ્યા છે. વીસમી સદીના આઠમા દાયકામાં ગુજરાતી નાટકની