બંગાળી, કન્નડ અને સંસ્કૃત નાટકોની પ્રત્યક્ષ સમીક્ષા છે. તો દૃશ્ય ત્રીજું પાશ્ચાત્ય રંગભૂમિમાં 'ડોલ્સ હાઉસ', 'કાલિગુલા', 'થ્રી સિસ્ટર્સ' ભ્રમમેવ જયતે, સુંદરમે અનુવાદિત કરેલાં અર્નેસ્ટ ટોલરનાં નાટકોની પ્રત્યક્ષ સમીક્ષા કરી છે. ક્યાંક રંગનિર્દેશ વિશે ચર્ચા છે. પરંતુ બહુધા ભરત મહેતા નાટકની સમીક્ષા કરે છે નાટ્યની નહીં. એ દૃષ્ટિએ એમનો અભિગમ પ્રત અને પ્રત્યક્ષ કૃતિકેન્દ્રી સમીક્ષા તરફનો છે. આમ કરતાં તેમણે તુલનાત્મક અભ્યાસ તો કર્યો જ છે સાથે સર્જક કે નાટકના અન્ય સમકાલીનોને સાથે રાખી વિશિષ્ટતાઓને ખોલી આપવાનો પ્રયત્ન કર્યો છે.
ભરત મહેતા નાટક સાથે રંગભૂમિથી સંકળાયેલા નથી. 'નાટ્ય'ની સમીક્ષા એટલે નથી કરી. ઘણી જગ્યાએ તો તેમનો આગ્રહ નાટકમાં સાહિત્યિકતાનો જ રહ્યો છે. તેની મંચસજ્જા કે સંનિવેશ, અભિનયક્ષમતા વિશે તો તેમને ભાગ્યે જ કશું કહેવાનું હોય છે. 'નાટ્યનાન્દી' એ દૃષ્ટિએ કૃતિલક્ષી સમીક્ષાનો સંગ્રહ છે. અહીં નાટકની સમીક્ષા થાય છે. પરંતુ 'રંગભૂમિ'ની સમીક્ષા થતી નથી. છતાંય તેમણે ત્રણ વિભાગોમાં 'રંગભૂમિ' એ શબ્દપ્રયોગ કર્યો છે. ભજવાયેલાં નાટકો વિશે કે 'રંગભૂમિ' વિશે તેમણે નાટ્યનાન્દીમાં બહુ ઓછી જગ્યાએ કહ્યું છે. ભરત મહેતાએ નાટકો હજી જોવાં રહ્યાં ને પછી નાટ્ય સમીક્ષા કરવી જોઈએ. સમીક્ષકના ગુણો અવશ્ય વિકસ્યા છે પરંતુ એક નાટ્યસમીક્ષકના ગુણોને ખીલવવાને હજી વાર છે.
ભરત દવે
ભરત દવે દિગ્દર્શક, અભિનેતા અને નાટક – રંગભૂમિના અભ્યાસી રહ્યા છે. 'આપણી રંગભૂમિ'માં રંગભૂમિના અનેક પ્રશ્નોની સાધક-બાધક ચર્ચા તેમણે કરી છે. ઘણા ભ્રમો ભાંગવાના પ્રયત્નો તેમણે આ પુસ્તક દ્વારા કર્યા છે. તેમનું માનવું છે કે 'રંગભૂમિના; નાટકના પ્રશ્નોને તેની સમગ્રતામાં જોવા – ચકાસવાની આવડત આપણે વિકસાવી શક્યા નથી. પરિણામે આપણી ગુજરાતી નાટકોની પરાપૂર્વ ફોર્મ્યુલામાં કોઈ નોંધપાત્ર પરિવર્તન આવતું નથી.' પ્રાસ્તાવિક – આપણી રંગભૂમિ, રંગભૂમિ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો - મૌલિક નાટકો કેમ નથી લખાતાં ? ગુજરાતમાંય લોકો મુંબઈનાં જ નાટકો કેમ જુએ છે ? આપણો પ્રેક્ષક કેમ અર્થપૂર્ણ રંગભૂમિ તરફ આકર્ષાતો નથી ? આદિની સ્પષ્ટતા તેમણે આ પુસ્તકમાં કરી છે.
'આપણી રંગભૂમિ'માં ૧૮ લેખો છે. આ લેખોમાં કેટલીક વાતો બહુ અગત્યની છે ને વિવાદ જન્માવે તેવી છે. જેમકે 'ભજવાય તે જ નાટક' એ વાત બરોબર છે પણ પ્રેક્ષક જો ન સ્વીકારે તો તેને નાટક કહીશું કે કેમ ? નાટક માત્ર ભજવણી પૂરતું સીમિત નથી રહેતું, તેણે પ્રેક્ષકનું સમારાધન કરવાનું હોય છે. જો