જયંત પારેખ
જયંત પારેખ નાટકમાં ભાષા વિષેના અનવદ્ય લેખમાં નાટકના માધ્યમ વિશે વિશેષ માહિતી આપે છે. જયંત પારેખે એક સભામાં કહેલું 'નાટકનું વિવેચન કરવું એ ગુનો હોય તો આ ગુનો હું વારંવાર કરવા માગું છું.' તેમના વિવિધ સામયિકોમાં પ્રગટ થયેલા કે વ્યાખ્યાનોમાં થયેલાં નાટકના વિવેચનમાંથી 'નાટકમાં ભાષા' નામનો એતદ્માં પ્રગટ થયેલો આ લેખ ઘણો મહત્ત્વનો છે. નાટ્યવિવેચનના ક્ષેત્રમાં તેમનું પ્રદાન વિશિષ્ટ છે. આમ તો નાટ્યકાર એટલે નાટકની ખૂબી-ખામી વિશે તેમને નિકટનો સંબંધ. નાટ્યવિવેચન પણ તેમણે ખૂબ ઉત્સાહથી કર્યું છે. અલબત્ત તેમના વિવેચન લેખોનું કોઈ પુસ્તક પ્રકાશિત થયું નથી. છુટાછવાયા, લેખ કે અહેવાલ વિવિધ સામયિકોમાં પ્રકાશિત થતા રહ્યા છે. 'એતદ'માં પ્રકાશિત થયેલો 'નાટકમાં ભાષા'એ લેખ નાટાકના સ્વરૂપ સાથે જોડાયેલી ઘણી બાબતોને સ્પષ્ટ કરે છે. નાટકના માધ્યમ વિશે આમ તો આરંભકાળથી ચર્ચા ચાલ્યા કરી છે. નાટક સાહિત્યિક કલાસ્વરૂપ છે કે નથીના વિવાદો પણ ક્યાંક ક્યારેક ચાલતા રહ્યા છે. નાટકની ભાષા બાબતે પણ અન્ય મીમાંસકો ધીરુભાઈ ઠાકર, જ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા તથા કૃષ્ણકાન્ત કડકિયા, નંદકુમાર પાઠક, સતીશ વ્યાસ આદિ એ જુદા જુદા સમયે ચર્ચા છેડી છે. જયંત પારેખના આ લેખથી નાટકની ભાષા જ નહીં તેના માધ્યમ વિશેના પ્રશ્નો પણ ઉકેલાવા માંડે છે. તેમના આ લેખનું શીર્ષક પણ ઇંગિત કરે છે કે નાટકની નહીં, નાટકમાં ભાષાનું સ્થાન-મહત્વ શું છે ને શું હોવું જોઈએ તેની જિકર કરવી છે. આથી નાટકની ભાષા વિશે તેમણે ચર્ચા કરી નથી પણ નાટકના માધ્યમ વિશે ચર્ચા કરી છે. ભાષા તેમાં મુખ્ય નથી તે વાતને વધારે ફૉકસમાં લાવ્યા છે. ભાષા જ નહીં સંગીત, શિલ્પ, ગાન આદિ પણ નાટકમાં ગૌણરૂપે જ હોય છે તે વાત આ લેખથી વધુ સ્પષ્ટ થાય છે. નાટક Composite art છે એમ કહેવામાં આવે છે ત્યારે શું એમ માનવું કે નાટકમાં અનેક માધ્યમનો વિનિયોગ થાય છે ? ના. નાટકમાં બીજી કળાના માધ્યમનો નહીં, પરંતુ બીજી કળાની કોઈક વિશિષ્ટ શક્તિનો લાભ લેવામાં આવે છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, સાહિત્ય, નૃત્ય અને ફિલ્મ – આમાંની કોઈ પણ કળા નાટકમાં સ્વતંત્ર અને સ્વાયત્ત અસ્તિત્વ ધરાવી શકતી નથી, સહાયક અસ્તિત્વ ધરાવી શકે છે. બીજી બધી કળાની જેમ નાટક પણ સ્વતંત્ર અને સ્વાયત્ત કળા છે ને એનું પોતાનું આગવું કહી શકાય એવું માધ્યમ હોય છે. નાટકને સાહિત્યકળાનું એક સ્વરૂપ માનીને પણ ભાષા જ નાટકનું માધ્યમ છે તે વાતને નકારે છે તેમાં તાર્કિકતા અને તથ્ય બંને છે. નાટકને ભાષા ઉપરાંત પણ વ્યક્ત થવા પહોંચવા માટે અભિનયનું માધ્યમ છે. માર્સેક માર્સો, લાદિસ્લાવ ફિયાસ્કા જેવા કલાકારોના મુક્ અભિનયની સ્મૃતિ તાજી કરતાં તેમણે