પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

ફર્દિનાન્દ આરાબાલેના અમૂક નાટકોની પણ નોંધ કરી છે. આ બધી ચર્ચાના કેન્દ્રમાં નાટકનાં માધ્યમની શોધ છે. 'મૂક નાટકમાં ઘટનાનું અત્યંત સરળ રૂપ પ્રગટ થઈ શકે છે એમ સ્વીકારીએ તો કહેવું પડે કે ઘટનાનાં સંકુલ રૂપ પ્રગટાવવાં હોય, અનેક પરિમાણ તાગવાં હોય તો નાટકમાં સંવાદ, વાણી યોજ્યા વિના ચાલે નહીં. તેમ છતાં મૂક નાટકની રચના થઈ શકે છે એ હકીકત પુરવાર કરે છે કે ભાષા એ નાટકનું માધ્યમ નથી. નાટકનું માધ્યમ ભાષાને બદલે બીજું જ કાંઈક હોય છે.'૧૦૧ નાટકનું માધ્યમ ભાષા તો નથી જ તે વાત સ્પષ્ટ કરતાં તેમણે 'અભિનય'ને નાટકનું માધ્યમ કહ્યું છે. 'નાટકકળાનો દૃશ્યશ્રાવ્ય પ્રકાર છે. મૂક નાટક માત્ર દૃશ્ય હોય છે, રેડિયો નાટક માત્ર શ્રાવ્ય. સંવાદ સહિત નાટક દૃશ્ય ને શ્રાવ્ય બંને હોય છે. આ બધામાં ભાષા એ સમાન તત્ત્વ નથી. આ બધાને નાટક પુરવાર કરનાર તત્ત્વ ભાષા નથી. આ બધામાં સમાન તત્ત્વ છે અભિનેતા, અભિનય ક્ષમતા. અભિનય જ નાટકનું માધ્યમ છે. ૧૦૨ આગળ ઉપર નાટકને 'સાહિત્ય કળાનું એક સ્વરૂપ' કહ્યું છે. પરંતુ નાટકનું માધ્યમ એ માત્ર ભાષા ન હોઈ શકે, અભિનયના માધ્યમે જ નાટક સામાજિક સુધી પ્રત્યાયન સાધે છે. આથી જ નાટક એક સાહિત્ય સ્વરૂપ હોવા સાથે પ્રયોગનિષ્ઠ સ્વરૂપ છે. 'નાટક એ પ્રયોગનિષ્ઠ સ્વરૂપ છે, પ્રયોગ નિર્ભર સ્વરૂપ છે. એની સાર્થકતા પ્રયોગમાં જ સિદ્ધ થાય છે. એ ખરું કે બધા જ નાટકના પ્રયોગ થતા નથી, થઈ શકતા નથી, જેના પ્રયોગ થાય છે એ બધાં જ નાટક જોઈ શકાતાં નથી. સ્થળ ને કાળની મર્યાદાને કારણે, માનવીય મર્યાદાને કારણે. તેમ છતાં પ્રત્યેક અભિનય, અભિનયક્ષમ, પ્રયોગક્ષમ તો હોવું જ જોઈએ.'૧૦૩'નાટક પ્રયોગનિષ્ઠ અને સાહિત્યકળાનો પ્રકાર છે. આ બંને વાત જયંત પારેખ દૃઢતાથી પ્રતિપાદિત કરે છે. નાટકઅભિનય આશ્રિત છે તો રંગભૂમિ પણ ચર્ચામાં પ્રવેશે છે. કારણ, રંગભૂમિમાં કેવળ અભિનય હોય છે, અભિનય સિવાય બીજું કાંઈ જ નહીં.'૧૦૪ જયંત પારેખ પહેલા નાટકના અંગભૂત તત્ત્વ અભિનય વિશે વિસ્તૃત ચર્ચા કરે છે. ભરતમુનિનાં 'નાટ્યશાસ્ત્ર'માં અભિનયનું એક દૃઢને સુરેખ, સૂક્ષ્મ ને સર્વાલેષી, નિપુણ ને સમર્પક એવું તંત્ર આલેખ્યું છે તેની નોંધ કરી છે. ગ્રીક, યુરોપની રંગભૂમિએ પોતાની આવશ્યકતાનુસાર અભિનયની પદ્ધતિ વિકસાવી હશે. આજની રંગભૂમિ પર કોઈ ચોક્સ પદ્ધતિનો વિનિયોગ થતો જણાતો નથી. અભિનયની અભિનવગુપ્ત આદિની વ્યાખ્યા કરી તેમણે નાટ્યશાસ્ત્ર કથિત અભિનયનાં પ્રકારો સાત્ત્વિક, આંગિક, વાચિક, આહાર્યની વિશેષતાની ચર્ચા કરી સંસ્કૃત નાટકમાં અભિનયની સૂચકતા કેવી ઉપકારક છે તેની ચર્ચા કરતાં આહાર્ય અભિનયને ભરતે મહત્ત્વ આપ્યું છે. પરંતુ આહાર્ય અભિનયમાં કેટલીક સામગ્રીનો પરિહાર સૂચવવામાં આવ્યો છે. સંસ્કૃત નાટકમાં અભિનય સૂચનાત્મક હોય છે.