લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકારલક્ષી સમીક્ષા અને નાટ્યસમીક્ષા ⬤ ૭
 


વચ્ચે શેરીમાંય પહોંચ્યું છે. તેનો વિકાસ અવશ્ય થયો છે છતાં નાટ્યવિવેચન હજી એને દિશા ચીંધી શક્યું નથી નાટકના અનેક પરિમાણી સૌંદર્યને પામવા માટે બધાં જ પરિમાણોને જોઈ શકતી સક્ષમ સમીક્ષાની અપેક્ષા છે. આજે નવા સમીક્ષકો પાસે ઘણુંબધું નાણી-માણી જોવાની તૈયારી છે તો સામે છેડે નાટકને ભજવનારા નટોએ 'નાટક' સિદ્ધ કરવાના પ્રયત્નો છોડ્યા છે. લોકરુચિ હંમેશા નાટકને પ્રેરે છે તેમ આજે પણ બન્યું છે.

પ્રકારલક્ષી સમીક્ષાથી નાટ્યસમીક્ષાની ભિન્નતા નાટકની જીવંતતા હયાતીને કારણે છે. નાટકની જીવંતતા જ તેની સમીક્ષાનાં ધોરણો નક્કી કરે છે. આથી રંગમંચની નાટ્યકારની પ્રેક્ષકની અપેક્ષાએ નાટક વૈવિધ્યસભર આકારો ધરે છે. નાટ્યાનંદ એ અન્ય સાહિત્યસ્વરૂપોના આસ્વાદથી મળતા આનંદ કરતાં વિશિષ્ટ છે. ચોક્કસ સમયમાં રંગભૂમિ પર તેને વ્યક્ત થવાનું હોવાથી નવલકથા કરતાં તેનું કાઠું વધારે સુશ્લિષ્ટ અને સંકલિત હોય છે. નાટ્યસમીક્ષા એ ગતિશીલ નાટ્યની સમીક્ષા છે તેને ધીમાં ડગ ભરવા ચાલે નહીં, તેણે તો નાટકની આગળ થઈ દિગ્દર્શન કરવાનું છે.