પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉપસંહાર ⬤ ૧૪૫
 

સાચો નહીં હોય. તેની સમજ હજી વ્યવસ્થિત રીતે ઘડાઈ નહીં હોય તેમ માની લીધા પછી પણ નર્મદથી જ નાટ્યચર્ચાનો આરંભ થયો છે તે સ્વીકારવામાં કશું વ્યવધાન નથી. નવલરામ કે રણછોડભાઈ, નાટ્યવિવેચનનો આરંભ કરે છે તે પૂર્વે નર્મદ નાટક વિશે ઘણી સ્પષ્ટતા કરી ચૂક્યો હતો. નવલરામ 'કાન્તા' નાટક વિશે વિવેચન કરે છે - ૧૮૮૩માં, રણછોડભાઈ દવે નાટ્યપ્રકાશની પ્રસ્તાવનામાં દલપતરામના નાટક 'લક્ષ્મી' વિશે સમીક્ષાત્મક નોંધ કરે છે ૧૮૯૦માં, પણ નર્મદ ૧૮૫૬માં બુદ્ધિવર્ધકમાં નાટકની સ્વરૂપ મીમાંસા કરે છે. નર્મદ એટલે જ નાટ્યવિવેચનમાં પણ આદ્ય છે. નર્મદ, નવલરામથી જ સંસ્કૃત પરંપરાને કારણે નાટક 'દૃશ્યકાવ્ય' તરીકે સ્થાપિત થઈ ગયેલું સ્વરૂપ છે. ભલે પછી નવલરામે જ એમ પણ કહ્યું છે કે 'નાટક બે પ્રકારનાં. એક વાંચવાનાં ને બીજાં ભજવી બતાવવાનાં.' 'ભજવી બતાવવાનાં તે જ ખરાં નાટક...' નાટક ભજવવા માટે જ હોઈ શકે એટલી સમજ આ સમયના આ વિવેચક પાસે તો હતી જ. પરંતુ નાટ્યવિવેચનનો આદર્શ હજી ઘડાયો નહોતો. તેમણે 'કાન્તા', 'માલતીમાધવ', 'ગોપીચંદ અને નાટકશાળા' આદિ લેખોમાં નાટકની સમીક્ષા કરી છે. તેમનો મત પાશ્ચાત્ય અને અહીંના મતને એકત્ર કરી ઘડાયો છે. રસ અને ક્રિયા બંનેમાં જે ઉત્તમ હોય તેને જ નાટક કહેવું તેવો તેમનો આગવો મત રહ્યો છે. નવલરામથી નાટકના વિવેચનનો આરંભ થાય છે. તેમણે વિવેચનનો આરંભ જ કર્યો હોવાથી ને તેમની સામે કોઈ આદર્શ ન હોવાથી તેમણે જેવું લાગ્યું તેવું લખ્યું છે. અલબત્ત, તેમના સમયની રંગભૂમિ પર ચાલતી પ્રવૃત્તિ વિશે તેમણે વર્ણન સાથે ચર્ચા કરી છે. નવલરામ નાટકનું સૈદ્ધાંતિક / સિદ્ધાંત આધારિત પ્રત્યક્ષ વિવેચન કરે છે.

રણછોડભાઈ ઉદયરામ દવેએ ભવાઈ પર અભાવ આવી જવાથી અને 'ઓખાહરણ' વાંચતાં કથાકારના બીભત્સ લહેકાઓ અને શૃંગારિક વર્ણનોથી કંટાળીને – વ્યથિત થઈને શિષ્ટ પ્રકારનાં નાટકો લખવાનો આરંભ કર્યો. નાટ્યવિવેચન તેમણે નથી કર્યું, પરંતુ સિદ્ધાંત વિવેચનનું એક પુસ્તક તેમણે કર્યું છે જેમાં દશરૂપક આદિ સંસ્કૃત નાટ્યમીમાંસાનાં પુસ્તકોનો સાર છે. રણછોડભાઈ દવે નાટકના પિતા કહેવાયા પરંતુ નાટક વિશે તેમણે કોઈ વિશેષ ચર્ચા તેમનાં લખાણોમાં નથી કરી. તેમણે સુધારાનો બોધ નાટકો દ્વારા આપ્યો. સૈદ્ધાંતિક વિવેચના 'નાટ્યપ્રકાશ' એ ગ્રંથ દ્વારા કરે છે. આરંભના બંને મહામનાઓ પ્રત્યક્ષ અને સૈદ્ધાંતિક વિવેચના કરે છે. ભલે તેનાથી વિવેચનના કોઈ નવા સિદ્ધાંતો સ્થાપિત ન થતા હોય પરંતુ આરંભ તો થાય જ છે. નવલરામ નાટકના ભેદ પાડવા પછીય 'ભજવાય તે નાટક’ એ અભિગમ પ્રગટ કરે છે તે મહત્ત્વનું છે. નાટક ભજવવા માટે જ છે કે નાટક એ પ્રસ્તુત થવા માટે જ છે. વાંચવાનાં નાટકોથી પૂરો અર્થબોધ