લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

થતો નથી. આમ કહેતા નવલરામ નાટકના સ્વરૂપની સાચી ઓળખ તો આપી જ દે છે. પછીના વિવેચકોએ ભજવાતાં નાટકો વિશે ચર્ચા કરી છે ને વાંચવાનાં નાટકો વિશે ચર્ચા કરી છે. પણ બંને નાટકના એ બંને પ્રકારો વિશે ભેદ તેમની વિવેચનામાંથી પ્રગટતો નથી. સાહિત્યમાં મોટે ભાગે વ્યવસાયી રંગભૂમિનાં નાટકોનાં વિવેચન ભાગ્યે જ થયાં છે. પ્રતને આધારે થતાં પ્રત્યક્ષ વિવેચનને કારણે પંડિતયુગમાં પણ નાટકનું વિવેચન મહદંશે પ્રત્યક્ષ જ રહ્યું છે. વિવેચકોની પાસે પોતાના ગૃહિતો છે પણ તે સહુ સાહિત્યકૃતિના સંદર્ભે જ નાટકની વિવેચના કરે છે. પ્રયોગનું વિવેચન ગોવર્ધનરામ ત્રિપાઠી કે રમણભાઈ નીલકંઠ કે નરસિંહરાવ દિવેટિયા પાસેથી મળતું નથી. પંડિતયુગમાં નરસિંહરાવ 'પ્રેમાનંદના નાટકો'ના કર્તૃત્વ વિશે પ્રશ્નો ઊભા કરે છે ને સિદ્ધ કરે છે કે આ નાટકો પ્રેમાનંદનાં નથી. એ પછી 'અભિનયકલા' નામનો નાટકના સિદ્ધાંતોને વ્યક્ત કરતો ગ્રંથ બહાર પાડે છે. નાટક વિશે – રંગભૂમિ વિશે નરસિંહરાવ ઘણુંબધું જાણે છે. નાટકો ભજવાતાં તેમણે જોયાં છે ને છતાં નાટક વિશેની તેમની વિવેચના કૃતિલક્ષી કે પ્રત્યક્ષ જ રહી છે. વસ્તુસંકલના આદિ બાબતોને ધ્યાનમાં લઈ વિશ્લેષણની પદ્ધતિએ તેમણે પ્રત્યક્ષ વિવેચન કર્યું છે. નાટક હજી અહીં કાવ્યનું જ રવરૂ૫ રહ્યું છે. નાટકને વિશિષ્ટ કળા માનનારા પણ હજુ સુધી તેના વિવેચનમાં વિશિષ્ટતા હોવી જોઈએ એ બાબત વિચાર કરતા નથી. પંડિતયુગમાં રમણીકભાઈ યાજ્ઞિક ગુજરાતી રંગભૂમિ વિશે પીએચ. ડી.નો મહાનિબંધ લખે છે. તેમના છૂટાછવાયા લેખો રંગભૂમિને લગતા મળે છે. કરાંચીથી ફિરોજશાહ મહેતા 'ઍક્ટિંગના હુન્નરનું વ્યવહારુ શિક્ષણ' એવું નાટ્યતાલીમ અંગેનું પુસ્તક પ્રકાશિત કરે છે તેનો આમુખ રમણીકભાઈ યાજ્ઞિકે લખ્યો છે. રમણીકભાઈના લેખો આ રીતે આમુખમાં પ્રસ્તાવના માટે કે પછી સામયિકોમાં છપાતા રહ્યા છે. નાટકના એ પહેલાં સંશોધક છે. નાટક વિશે તેમના અન્ય સમીક્ષાત્મક લેખો 'નાટક વિશે' એ પુસ્તકમાં સાહિત્ય અકાદમીએ સંપાદિત કર્યા છે.

'ઍક્ટિંગના હુન્નરનું વહેવારુ શિક્ષણ'ના લેખક શ્રી ફિરોજશાહ મહેતા નાટક સાથેના તેમના જાતઅનુભવને ધ્યાનમાં લઈ ગુજરાતી અભિનેતાને અભિનયનું વ્યવહારુ શિક્ષણ આપવા – માર્ગદર્શન કરવા આ પ્રકારનું પુસ્તક લખે છે. નાટક કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન પ્રકાશયોજના નેપથ્ય આદિના મહત્ત્વને સિદ્ધ કરતા જઈને તેમણે આપ્યું છે. નાટકને ઓળખવા – પામવાનો આ એક વિશિષ્ટ અભિગમ છે.

ગાંધીયુગ સુધી પહોંચતી નાટ્યવિવેચનાના ગૃહિતોમાં બદલાવની પરિવર્તનની અપેક્ષા રહે છે. જૂની રંગભૂમિ પછી નવી રંગભૂમિનો આરંભ નાટક