લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉપસંહાર ⬤ ૧૪૯
 


અને પ્રતિભા વેડફાઈ ગયાં તેની ચિંતા તેમણે કરી છે. અનુકરણથીય નાટક સિદ્ધ થતું હોય તો તેમાં ખોટું નથી એમ માને છે. અત્યાર સુધીના વિવેચકોએ નાટકનાં વાઙ્‌મય પ્રત આલેખને ધ્યાનમાં રાખી વિવેચના કરી હતી. જયંતિ દલાલ નાટકના વ્યવહારુ પાસાને ધ્યાનમાં રાખે છે. અલબત્ત, તેમની સમીક્ષા રંગભૂમિનું નિદાન કરે છે. પણ નાટકની ચોક્કસ દિશા દર્શાવવા માટે સમય ઓછો પડ્યો. નાટકની સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ સમીક્ષા તેમણે કરી છે.

ચંદ્રવદન મહેતાની સમીક્ષા અરૂઢ શૈલીની છે. કોઈ પ્રગટ, પ્રત્યક્ષ સિદ્ધાંત નહીં પણ અનુભવે તારવેલી સચ્ચાઈ તેમની સમીક્ષામાં છે. તેમણે રીતસરની સમીક્ષાઓ નથી કરી પણ પ્રસંગોપાત્ત આપેલાં વ્યાખ્યાનોમાં તેમનો સમીક્ષાત્મક અભિગમ સાંપડે છે. બહુધા તેઓ નાટકના સમીક્ષક નથી જ, કર્મશીલ છે. આથી તેમની નાટ્યચિંતામાં અભ્યાસ ઓછો અને અભિનિવેશ વધારે જણાય છે.

ગાંધીયુગમાં નાટ્યવિવેચનાનાં ત્રણ રૂપ મળે છે. સૈદ્ધાંતિક, પ્રત્યક્ષ અને પ્રયોગની સમીક્ષાઓ થઈ છે. નાટકને કાવ્યનું નહીં પણ ગદ્યનું સ્વરૂપ માનવા સ્વીકારવાને સ્થાપિત કરવા ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે તેમનો મત પ્રગટ કરે છે. અન્ય વિવેચકો પાસેથી પ્રત્યક્ષ વિવેચના ને ક્યારેક સ્વરૂપ વિકાસલક્ષી લેખો મળ્યા છે.

સ્વાતંત્ર્યોત્તર સમયમાં વિવેચનના ગૃહિતો બદલાઈ ચૂક્યા છે. પરંતુ નાટકના વિવેચન માટે કોઈ નવા સિદ્ધાંતો લાગુ પડ્યા નથી. નાટકના પ્રયોગ વિશે અવશ્ય લખાવા માંડ્યું છે. છતાં સમીક્ષા કે વિવેચન શોધવું પડે તેવી સ્થિતિ રહી છે. નાટક વિશે પ્રત્યક્ષ વિવેચના ઘણી થઈ છે. સિદ્ધાંતચર્ચાય સારી એવી ચાલે છે. પરંતુ 'નાટ્યવિવેચના'નો આદર્શ હજી ઘડાયો નથી. ઉત્પલ ભાયાણી પ્રસંગોપાત્ત મુંબઈ અને અન્ય પ્રદેશની રંગભૂમિ વિશે લેખો કરે છે. નાટ્યવિષયક લખાણો તેમણે ઘણાં કર્યા છે. ગુજરાતી અને અન્ય રંગભૂમિની તુલનાત્મક અભિગમથી સમીક્ષા કરવાનો પ્રયત્ન તેમણે કર્યો છે. ગુજરાતી રંગભૂમિ અને નાટક કઈ રીતે મહાન થઈ શકે તેની ચિંતા તેમનાં પુસ્તકોમાં મળે છે. અલબત્ત, બહુ જ મોટું કામ નાટ્યસમીક્ષાઓનું તેમણે કર્યું છે.

કૃષ્ણકાન્ત કડકિયા નાટ્યવિવેચન કરે છે. પોતાની આગવી રીતે તેમણે નાટકનાં અને લોકનાટ્યનાં પ્રયોગ-શિલ્પની બારીકીઓ વિશે વિસ્તૃત નોંધો આપી છે. તેમના 'શર્વિલક નાટ્યપ્રયોગ શિલ્પ' અને 'જસમા : લોકનાટ્ય પ્રયોગશિલ્પ' એ બંને પુસ્તકોમાં આ પુસ્તકો ઉપરાંત તેમનું પ્રત્યક્ષ અને સૈદ્ધાંતિક વિવેચન રૂપિત, રૂપકિત, અભિનિત આદિમાં સંગૃહીત થયું છે. તેમણે નાટકની કૃતિલક્ષી વિચારણા જ કરી છે એવું નથી, નાટકને મંચ સુધી પહોંચવાની પ્રક્રિયાનું અવલોકન – દર્શન