પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુધારક યુગમાં નાટક વિશેનું વિવેચન

અંગ્રેજી શાસનના સંસ્કાર આંદોલનોએ ગુજરાતી સર્જકને જાગ્રત કરવાનું કામ કર્યું. અંગ્રેજી કેળવણી પામેલા સર્જકોએ ગુજરાતી સાહિત્યને અનેક રીતે સમૃદ્ધ કરવાનું આવ્યું. આ સમય દરમિયાન આપણે ત્યાં લોકનાટ્ય ભવાઈનું ચલણ ગામેગામ હતું. સંસ્કૃત નાટકોના છૂટાછવાયા પ્રયોગો થતા રહેતા હતા. ગુજરાતી સાહિત્યમાં નવાં સાહિત્યસ્વરૂપોની ભરમાર હતી. ગુજરાતમાં નાટકની પરંપરા ઘણી જૂની. હેમચંદ્રાચાર્યના સમયે સંસ્કૃત નાટકો ભજવાતા એ પછી લોકનાટ્ય ભવાઈ લઈને અસાઈત ઠાકર આવે છે. તેમના ભવાઈ વેશોમાં તત્કાલીન ગુજરાતી સમાજનું ચિત્ર તેમણે આલેખ્યું. ગુજરાતમાં લોકનાટ્ય અને સંસ્કૃત નાટકોની દીર્ધ પરંપરા હોવા છતાંય પહેલું નાટક લખાય છે ત્યારે ભારતીય કે ગુજરાતી લોકનાટ્ય કે શાસ્ત્રીય નાટ્યની પરંપરાનો સ્પર્શ ભાગ્યે જ થતો જણાય છે. દલપતરામ પહેલું રૂપાંતર ઈ.સ. ૧૮૫૧માં એરિસ્ટોફેન્સના 'પ્લુટસ' પરથી કરે છે તે 'લક્ષ્મી' નાટકમાં કે ૧૮૬૯માં લખાયેલા 'મિથ્યાભિમાન'માં લોકનાટ્ય – ભવાઈની અસર દેખાય છે. પણ જેને આપણે પ્રથમ ગુજરાતી નાટકનું ગૌરવ પ્રદાન કરીએ છીએ તે 'ગુલાબ'માં આપણી સંસ્કૃતિ કે પરંપરાનો સ્પર્શ જણાતો નથી. ભજવાતા નાટકોની પ્રત કદીય પ્રગટ થઈ નહોતી આથી સાચા મૌલિક નાટકની શોધમાં 'ગુલાબ' (નગીનદાસ મારફતિયા) ખીલી આવ્યું. ‘ગુલાબ'ને ભજવાતું ભાગ્યે જ કોઈએ જોયું હશે છતાંય તે ગુજરાતી ભાષાનું પહેલું મૌલિક નાટક છે. ભવાઈની અશ્લીલતા સામે તે સમયના વિદ્વાનો – સર્જકોએ શિષ્ટ નાટકોની આવશ્યકતા જોઈ. ભવાઈ સામેનો વિરોધ એટલો પ્રબળ હતો કે ભવાઈ જેવું આપણી ભૂમિમાં જ ઊગેલું. ભૂમિના પ્રશ્નોથી જોડાયેલું, સમાજમાં જાગૃતિ આણવા મથતું ને સાથે જન-મન-રંજન કરતું એવું આપણું લોકનાટ્ય ધીમે ધીમે નામશેષ થવા માંડ્યું. ભવાઈનાં સારાં ઉત્તમ તત્ત્વો પ્રત્યે ધ્યાન દોરનારા કે ભવાઈને શુદ્ધ કરવાના પ્રયત્નો કરનારા મહાનુભાવોએ માત્ર ભવાઈ જ નહીં તત્કાલીન રંગભૂમિ પર ભજવાતા નાટકો પ્રત્યે