વિવેચન નવી કોઈ ભૂમિકા પૂરી પાડતું નથી. ચુનિલાલ મડિયાના વિવેચનમાં ભજવાતાં નાટકો વિશેની ચર્ચા અવશ્ય છે. પરંતુ તેમણેય નાટકનું પ્રત્યક્ષ વિવેચન માત્ર કરેલું છે. આખીય નાટ્યવિવેચનામાં ધ્યાનપાત્ર વિવેચકો જો હોય તો ધનસુખલાલ મહેતા, સરોજ પાઠક, કૃષ્ણકાન્ત કડકિયા, સતીશ વ્યાસ, ઉત્પલ ભાયાણી છે. સરોજ પાઠકે 'નાટ્ય'ની સર્વાંગી સમીક્ષા કરી છે. નાટકની પ્રત જ માત્ર નહીં પરંતુ પ્રયોગમાં આવતી બધી જ આહાર્ય સામગ્રી સુધ્ધાંના મહત્ત્વને તેમણે ધ્યાનમાં લીધું છે. ભજવાતાં નાટકોની આ પ્રકારની સમીક્ષા ધનસુખલાલ મહેતા પછી તેમણે જ કરી છે. તેને આદર્શ નાટ્યવિવેચના કહેવાનો મારો આશય નથી. નાટકની લોકભોગ્ય રીતે વિવેચના કરવા માટે સરોજ પાઠકની જેમ રંગભૂમિ સાથે સતત સંપર્કમાં રહેવું આવશ્યક છે ને તો જ નાટકનું બહુઆયામી વિવેચન થઈ શકે.
કૃષ્ણકાંત કડકિયા નાટક વિશેનું વિવેચન તેમની આગવી શૈલીએ કરે છે. નાટક સાથે તેમણે સઘન આત્મીયતા કેળવી નાટકની કે લોકનાટ્યની ક્ષણેક્ષણ પચાવી પળેપળનું નટ-દિગ્દર્શન – ભાવક – પ્રેક્ષકનું અર્થઘટન તેમણે કર્યું છે. અલબત્ત, નાટ્યપ્રયોગ શિલ્પની તેમની આ મહેનત ઘણી જ મહત્ત્વની સિદ્ધ થઈ છે. તેમણે આ રીતે કરેલું વિવેચન એક વિશિષ્ટ મુદ્રા સ્થાપિત કરે છે. સતીશ વ્યાસ નાટકની બે રીતે સમીક્ષા કરે છે. એક પ્રત્યક્ષ અને બીજી પ્રયોગલક્ષી કે રજૂઆત લક્ષી. સતીશ વ્યાસ માને છે કે નાટક ભજવવા માટે જ હોય છે. પરંતુ વિવેચન કરતી વખતે તેની ભજવણી જ માત્ર ધ્યાનમાં ન લેવી જોઈએ. ઉક્ત નાટકો પણ ઘણી વાર સારી રીતે નથી ભજવાતાં, ત્યારે ભજવણીને આધારે થયેલી સમીક્ષામાં નાટકને અન્યાય થવાની શક્યતા રહેલી છે તેમ તેમનું માનવું છે.
ઉત્પલ ભાયાણી સૌથી વધારે સક્રિય નાટ્યસમીક્ષક છે. તેમણે પણ ભજવાતા નાટકોની સમીક્ષા કરી છે. આ સમીક્ષામાં નાટકના પ્રયોગમાં નેપથ્ય, લાઇટ્સ, સંગીત આદિના વિનિયોગની સમીક્ષા પણ તેમણે કરી છે.
ગુજરાતી સાહિત્ય નાટક વિશેના વિવેચનનો અભ્યાસ કરતાં વારંવાર જે તથ્ય સામે આવ્યું છે તે એ છે કે સમર્થ વિવેચકો હોવા છતાં નાટકનું સ્વરૂપ ઘણે અંશે ઉપેક્ષિત રહ્યું છે. નાટકનું વિવેચન 'એક વિશિષ્ટ કલા સ્વરૂપ' તરીકે ભાગ્યે જ થયું છે. નાટક : સાહિત્ય સ્વરૂપની દૃષ્ટિએ જ મૂલ્યાંકન પામતું રહ્યું ને તેની રમ્ય વિશિષ્ટ લાક્ષણિકતાઓને આપણે નજર અંદાજ કર્યા કરી છે. નવલરામથી માંડીને નવા નાટ્યવિવેચક સુધી બધાએ નાટ્ય- વિવેચનના અભાવને વારંવાર વ્યક્ત કર્યો, હતો જ્યારે આજે તો નાટ્યસ્વરૂપની વિશિષ્ટ ઓળખને ઉજાગર કરવા માટે પણ નાટ્ય સમીક્ષકની આવશ્યકતા છે.