સ્વાતંત્ર્યોત્તર યુગમાં નાટક ઘણી રીતે બદલાય છે. નાટકના વિવિધ પરિમાણો અને શક્યતાઓ ખૂલતાં સિદ્ધ થતાં આપણે પામીએ છીએ તેમાં એક મહત્ત્વનું પરિબળ 'નાટ્યશિક્ષણ' પણ છે. એમ.એસ. યુનિવર્સિટીમાં નાટકનો અભ્યાસક્રમ દાખલ થાય છે તે પૂર્વે અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભા દ્વારા નાટ્ય તાલીમનો આરંભ થઈ ચૂક્યો હતો. આ ડિપ્લોમા અને ડિગ્રીના અભ્યાસક્રમોને સામગ્રી પૂરી પાડવા માટે સંદર્ભપુસ્તકોની જે આવશ્યકતા ઊભી થઈ તેને પૂરી પાડવા નાટકનાં વિવિધ અંગોને, પ્રવિધિને, પ્રસ્તુતિ વિશે વ્યવહાર અને શાસ્ત્રીય જ્ઞાન આપતાં પુસ્તકો લખાયાં. આ પુસ્તકોમાં નાટકના સ્વરૂપ વિશે તેની રંગભૂમિ પ્રસ્તુતિ વિશે, પ્રયોગશિલ્પ વિશે અભ્યાસપૂર્ણ માહિતી પૂરી પાડવા જશવંત ઠાકર, નંદકુમાર પાઠક, કૃષ્ણકાન્ત કડકિયા, જનક દવે, યશવંત કેળકર, મહેશ ચંપકલાલ શાહ આદિ અનેક લેખકો દ્વારા પુસ્તકો લખાય છે. ચંદ્રવદન મહેતાનાં ઘણાં વ્યાખ્યાનો નાટ્યવિદ્યાના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસ્તુત થયાં હતાં. એ સહુ નાટ્યશિક્ષાનાં સંદર્ભપુસ્તકો હોવાથી ને તેમાં નાટ્યની સમીક્ષા નહીં હોવાથી તેને અહીં વિશેષ રીતે ધ્યાનમાં નથી લીધાં. અલબત્ત નાટક સાથે જોડાયેલા હોવાથી ને નાટકના સ્વરૂપ અને પ્રયોગ અંગેની ઘણી બધી માહિતી પૂરી પાડતાં હોવાથી આ પુસ્તકો પ્રત્યે આકર્ષણ અવશ્ય થયું હતું.
ગુજરાતી સાહિત્યમાં નાટ્યશિક્ષા કે તાલીમને લગતાં પુસ્તકો લખાવાનો આરંભ તો રણછોડભાઈ ઉદયરામના ૧૮૯૦માં પ્રકાશિત થયેલા 'નાટ્યપ્રકાશ'થી થઈ જાય છે. 'નાટ્યપ્રકાશ' ભરત નાટ્યશાસ્ત્ર પછી નાટક વિશે કે નાટ્યશાસ્ત્રના ભાષ્ય નિમિત્તે લખાયેલાં પુસ્તકોનો આધાર લઈ એક શાસ્ત્રીય સમજ વિકસાવે છે. ભરત નાટ્યશાસ્ત્રના અનુવાદો તો એ પછી ઘણા થયા છે પણ પૂર્વ અને પશ્ચિમના નાટ્યવિચારનું સંકલન કરી આપણો ભારતીય મત કેટલો વિશિષ્ટ છે તેની શોધ કરતો ગ્રંથ 'નાટ્યપ્રકાશ' છે. એ વાત આપણે ભૂલવી ન જોઈએ.