પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિશિષ્ટ: ૧ નાટ્યવિદ્યાના પાઠ્યપુસ્તકો⬤ ૧૫૫
 

રણછોડભાઈ ઉદયરામ દવે નાટકના જ પિતા નથી, નાટકની શાસ્ત્રીય વિચારણામાં પણ તેમનો પહેલો જ સ્પર્શ થયો છે. 'નાટ્યવિદ્યા' – નાટ્યશિક્ષાનાં પુસ્તકોમાં પછી ૧૯૩૦ સુધી બીજું કોઈ જણાતું નથી. ૧૯૩૦માં નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા 'અભિનયકલા' નામનું અભિનયની સમજણ નાટ્યશાસ્ત્રને આધારે આપતું પુસ્તક આપે છે. ભલે નાટકના અભ્યાસીઓના ધ્યાનમાં આ પુસ્તક ન આવ્યું હોય પણ તેનું મહત્ત્વ નાટ્ય સંદર્ભમાં ઘણું છે. 'નાટ્યપ્રકાશ' કે 'અભિનયકલા' નાટકની શાસ્ત્રીય બાજુઓને સ્પર્શે છે તો ૧૯૩૮માં પ્રગટ થયેલું ફિરોજશાહ મહેતાનું 'ઋક્ટિંગના હુન્નરનું વહેવારુ શિક્ષણ' નાટકના વ્યવહારુ -પ્રાયોગિક પાસાને સ્પર્શતું હોવાથી ધ્યાન ખેંચે છે. ફિરોજશાહ મહેતાના આ પુસ્તકથી નાટ્યાભિનયના વ્યવહારુ શિક્ષણની શરૂઆત થાય છે. ફિરોજશાહ મહેતા આ પુસ્તકમાં અભિનયના ભરત મુનિ કથિત ચાર ભેદોની વાત કરીને માત્ર આંગિક અભિનય વિશે જ ચર્ચા કરવા માંગે છે તેમ સૂચવ્યું છે. અંગ્રેજી 'ઍક્ટિંગ' અને આપણા અભિનયમાં બહુ મોટો તફાવત છે. ભરત મુનિના 'અભિનય'નો વ્યાપ આખીય રંગભૂમિને સ્પર્શે છે. 'ઍક્ટિંગ' માત્ર આંગિક અભિનયને જ ચીંધે છે. આ પુસ્તકમાં લેખકે પ્રકાશયોજના, સંગીત, ગીત, મેકપ, સંનિવેશ, પડદા આદિ અનેક બાજુથી પ્રસ્તુતિને સ્પર્શતી બાબતોનો સોદાહરણ વિચાર કર્યો છે. 'નાટક ભજવતાં પહેલાં' ૧૯૫૯માં ધનસુખલાલ મહેતા લખે છે. આ પુસ્તક પણ નાટક ભજવતાં પહેલાં કેવી તૈયારી કરવી જોઈએ તેનું આદર્શ પુસ્તક છે. અભિનય કરતી વખતે શું તૈયારી રાખવી, કેવી કસરતો આદિ કરવી, માનસિક રીતે તૈયાર થવું તેની વિશિષ્ટ માહિતી નાટક ભજવતાં પહેલાં એ પુસ્તકમાંથી મળે છે. આ જ શીર્ષક સાથે નાની બે પરિચય પુસ્તિકાઓ એક ચંદ્રવદન મહેતાની અને બીજી ચુનિલાલ મડિયાની પ્રગટ થાય છે. બંને પુસ્તિકાઓ નાટકના વિચારથી માંડીને નાટકની પ્રસ્તુતી સુધીના વિસ્તારને આવરી લઈ નાટ્યપ્રયોજક – નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા અને નેપથ્ય કલાકારોએ કઈ રીતે નાટકને અભિમુખ થવું તેની ટૂંકમાં પણ નોંધપાત્ર ચર્ચા કરી છે. જોકે આ દરમિયાન જશવંત ઠાકર, ધનંજય ઠાકર, નંદકુમાર પાઠક, જનક દવે, યશવંત કેળકર આદિ નાટ્યાચાર્યો પાસેથી ઘણાં જ મહત્ત્વના પુસ્તકો મળે છે. જે નાટકના શાસ્ત્રીય અને વ્યવહારુ પરિણામોને સુપેરે ખોલી આપે છે. અભિનયની શિક્ષા અને દીક્ષા પામનારો નટ અભિનેતા નાટકનાં સર્વાંગને પામી શ્રેષ્ઠ અભિનય સુધી પહોંચી અનેકોનાં હૃદય પર રાજ કરવા તત્પર બને છે. જશવંત ઠાકર 'નાટકને માંડવે' સિવાયનાં પુસ્તકોમાં મહદંશે નાટ્યવિદ્યાના વિદ્યાર્થીઓને જ્ઞાન સંપાદન કરાવે તેવાં પુસ્તકો આપે છે. 'નાટ્યશિક્ષણનાં મૂળ તત્ત્વો' પુસ્તકમાં ચંદ્રવદન મહેતા આરંભમાં નોંધ કરે છે કે 'નાટ્યસાહિત્ય ઉપર ઘણાં પુસ્તકો છે. પણ અભ્યાસને માટે