લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

પણ ગુજરાતીમાં આ પહેલું જ પુસ્તક છે.' અભ્યાસ યોગ્ય પાઠ્યપુસ્તકને યોગ્ય પુસ્તકોમાં આ પ્રથમ છે. આ પછી અન્ય પુસ્તકો લખાયાં છે. આ પુસ્તકમાં જસવંત ઠાકર નાટકના જન્મથી માંડીને નાટ્યસંગ્રહ, નાટ્યગૃહની ભારતમાં ઉત્ક્રાંતિ, અભિનય વાચિક, આંગિક, આહાર્ય ને સાત્વિકની શાસ્ત્રીય અને અનુભવસિદ્ધ ચર્ચા કરે છે. આ ઓગણીસ પ્રકરણોમાં ભરત નાટ્યશાસ્ત્રનો તથા અન્ય પાશ્ચાત્ય ચિંતકોના મતોનો આધાર લઈ નાટકના મૂળભૂત સિદ્ધાંતોને તારવી અને નાટકના અભ્યાસીઓનો પ્રાથમિક અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. જશવંત ઠાકરનું જ બીજું પુસ્તક 'નાટ્યપ્રયોગશિલ્પ' પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલયે પ્રકાશિત કર્યું છે. 'નાટ્યપ્રયોગશિલ્પ'માં નાટકની પ્રસ્તુતિ સુધીના ક્રિયાકલાપને નોંધ્યો છે. કોઈ પણ નાટક ભજવવાની તૈયારી કરતાં પૂર્વે અને પછી શું શું કરવું ઘટે તેની પ્રાયોગિક સૂચના - માર્ગદર્શન આ પુસ્તક આપે છે. આ 'નાટ્યપ્રયોગશિલ્પ' પુસ્તકમાં કોઈ એક નાટકના પ્રયોગ-શિલ્પની ચર્ચા નથી પરંતુ નાટકની પૂર્વ તૈયારી કઈ રીતે કરવી તેનું અનુભવસિદ્ધ દૃષ્ટિએ થયેલું આલેખન છે. જશવંત ઠાકર એક નાની પુસ્તિકા દ્વારા સર્જનાત્મક અભિનયની પ્રણાલિના સર્જક સ્ટાનિસ્લાવસ્કીનો પરિચય કરાવે છે. નંદકુમાર પાઠકનાં બે પુસ્તકો પણ નાટ્યશિક્ષણના સંદર્ભમાં બહુ ખપનાં છે. ધનંજય ઠાકરના નાટ્યલેખન તથા નાટ્યપ્રયોગના મૂલ્યાંકનનું માર્ગદર્શન કરતાં પુસ્તકો પણ ધ્યાનપાત્ર છે.

મહેશ ચંપકલાલ શાહના શોધ નિબંધો પ્રકાશિત થયા છે. ભરત નાટ્યશસ્ત્રનો ગહન અભ્યાસ કરી સૂક્ષ્મતા અને ચીવટથી નાટ્યશાસ્ત્રની બારીકીઓને ખોલી જન સામાન્ય તરફ પ્રકાશિત કરી છે. 'ભરત નાટ્યશાસ્ત્ર : અભિનય' નાટ્યપ્રયોગ તથા આધુનિક સંદર્ભ જેવાં પુસ્તકોમાં તેમણે નાટ્યશાસ્ત્રનો તલસ્પર્શી પરિચય કરાવ્યો છે. 'ભરત નાટ્યશાસ્ત્ર: અભિનય' એ પુસ્તકમાં ભરતમુનિની અભિનય વિભાવનાને સ્પષ્ટ કરી આપવા વિવિધ સંસ્કૃત નાટકોમાંથી ઉદાહરણો આપ્યાં છે. આ ઉપરાંત અભિનયના બે અન્ય પ્રકારો 'સામાન્ય અભિનય' તથા 'ચિત્રાભિનય’ વિશે પણ ઉદાહરણ સાથે માહિતી આપી છે. 'ભરત નાટ્યશાસ્ત્ર : નાટ્યપ્રયોગ’ એ પુસ્તકમાં નાટ્યગૃહના ભેદ-ઉપભેદ, વિકૃષ્ટ મધ્યમ નાટ્યગૃહના રંગપીઠ, રંગશીર્ષ, મત્તવારણી વગેરે વિવિધ અંગઉપાંગો તથા તેની બાંધણીના વિવિધ તબક્કાઓ ઉપરાંત ચતુરસ્ત્ર અને પ્રશ્નનાટ્યગૃહ વિશે માહિતી આપવામાં આવી છે. નેપથ્ય વિધિ અંતરાગ પુસ્તકરચના, અલંકાર, અંગરચના તથા સંજીવ નેપથ્ય વિધાન સમજાવી સુત્રધાર, સ્થાપક અને પારિપાર્શ્વિક નટ, નટી, નાટ્યકાર તેમજ નાટ્યપ્રયોગના અન્ય શિલ્પીઓથી મુક્ત નાટ્યવૃંદ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. પૂર્વરંગ, કક્ષાવિભાગ, ધ્રુવાખ્યાન, આકાશવચન -