લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

નાટકના હાર્દને સમજી, લોકોની મનપસંદગીનો ખ્યાલ કરી નાટક પસંદ કરવું જોઈએ. નાટકની પસંદગી પછી પાઠવહેંચણી, પછી તાલીમના ખંડમાં પાઠ, અભ્યાસ અને રિહર્સલ આદિ બાબતો વિશે વિગતપૂર્ણ રીતે નોંધ કરી છે. રિહર્સલ કઈ રીતે કરવાં, રિહર્સલના પ્રકારો વિશે પણ તેમણે અહીં ચર્ચા કરી છે. 'અભિનય' કેવા પ્રકારનો હોવો જોઈએ તે ભરત નાટ્યશાસ્ત્રના આધારે કહ્યું છે. ચંદ્રવદન મહેતા નટ અને પાત્ર વચ્ચેના સંબંધની ચર્ચા કરે છે. અન્ય વિદ્વાનોના મતની ચર્ચા કરી ચંદ્રવદન મહેતા કહે છે કે 'જરૂ૨ પાત્રમય થવું, તન્મયતા સાધવી, આખરનો દોર, છેવટની ચાવી, પોતાના હાથમાં રાખવાં – એટલા સભાન ન રહીએ તો નાટકશાળામાં આગ લાગે ત્યારે બધા જ બહાર દોડડ્યા જાય અને આપણે બળતા જ રહીએ.' (પૃ. ૨૩ નાટક ભજવતાં) ચં. ચી. મહેતાએ અભિનયમાં તાટસ્થ્યપૂર્ણ તન્મયતા દાખવવી તેવું કહ્યું છે. 'રંગશાસ્ત્ર' તખ્તાનો કસબ એ ખંડમાં સ્ટેજ ટેકનિક વિશે સ્પષ્ટતા કરે છે. અવાજ અને અન્ય આંગિક અભિનયની સચોટતા સિદ્ધ કરવા 'થોડી કસરતો’ બતાવી છે. પ્રાણાયામ અને પાત્ર પરિસ્થિતિને સમજવા માટે કેટલીક માનસિક કસરતોની પણ ચર્ચા અહીં કરી છે. 'સંગીત’ વિશે તેમનું કહેવું છે, મૂળ વાઙ્ગ્યાપારમાં નડે નહીં, અને ક્યાંક ભાવને પોષક હોય તો અનુસરે એવું સંગીત બેશક નાટકના પ્રાણને પોષે’ (એજન પૃ.૨૯) પરદો ભભક અને રોશની વિશે – મૂળ વસ્તુ નાટકના હાર્દની છે. રોશની, પોશાક, ઠાઠ નાટકના હાર્દને લક્ષમાં રાખી યોજાવાં જોઈએ. સાદાઈથી પણ ધાર્યા પરિણામ લાવી શકાય છે.' (એજન પૃ.૩૧) મેકપ, રંગકરણ અને વેશભૂષા પણ યોગ્ય રીતનાં થવાં જોઈએ, તેમ કહે છે. ચિતારા, સુથાર, દરજી, પાઠક યાને પ્રોમ્પટરની પણ આવશ્યકતા નાટકશાળામાં હંમેશ રહે છે.

ચંદ્રવદન મહેતા નાટ્યના અનુભવી કર્મશીલ છે. તેમનું માર્ગદર્શન યોગ્ય રીતે જ દિશા દેખાડે છે. છતાં અહીં બહુ ટૂંકમાં આ બધી વાત થઈ છે. ખાસ તો ધ્યાન ખેંચે છે આ પુસ્તિકાની શૈલી. સહજ વાતચીતની રીતે આખીય ચર્ચા ચાલે છે. નાટક ભજવતાં પહેલાં આટલી વ્યાવહારિકતા – ઔપચારિતા પૂરી કરવી પડે. આ પુસ્તિકામાં નાટકનાં બધાં જ પરિમાણોને સ્પર્શીને ચર્ચા થઈ છે.

નંદકુમાર પાઠકે પણ નાટ્યવિદ્યાના વિદ્યાર્થીઓને કામમાં આવે એ માટે બે પુસ્તકો આપ્યાં છે. 'એકાંકી સ્વરૂપ અને સાહિત્ય', તથા 'પાશ્ચાત્ય નાટ્યસાહિત્યનાં સ્વરૂપો' જેવાં પુસ્તકોમાં તેમની નાટક વિશેની વિવેચના સંગૃહીત થઈ છે. આમ એક રીતે તો આ પુસ્તકો નાટ્યશિક્ષણના સંદર્ભ પુસ્તકની ગરજ સારે તેવાં છે. 'એકાંકી સ્વરૂપ અને સાહિત્ય' પુસ્તકમાં નંદકુમાર પાઠકે એકાંકીના આરંભઉદ્‌ભવથી લઈને પૂર્ણ સ્વરૂપ સુધીના વિકાસની ચર્ચા કરી છે. સાત પ્રકરણમાં તેમણે