પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

નટે જાળવવાની છે. અને વિવેચન કરતાં વિવેચકે જાળવવાની છે.' (પૃ. ૨૫ એજન) નાટકના આકાર અને અંતસ્તત્વ વિશે વાત કરતાં તેમણે 'નાટક એ પરલક્ષી સાહિત્ય સ્વરૂપ છે. એ પ્રયોગલક્ષી છે. લોકભોગ્ય છે એમાં લેખકનું અર્થઘટન હોય. દિગ્દર્શકનું અર્થઘટન હોય. નટનું અર્થઘટન હોય આ ઉપરાંત પ્રેક્ષકનું પોતાનું અર્થઘટન હોય.' (પૃ. ૨૬ એજન.)

નંદકુમાર પાઠકે આ લેખમાં નાટકની વિવિધ પદ્ધતિઓ પ્રકૃતિવાદી, વાસ્તવવાદી, સૂચનાત્મક, રંગદર્શી, અંતિરંજિત આદિની પ્રસ્તુતતા વિશે ટૂંકમાં ચર્ચા કરી છે. પ્રણાલિકા અને નવા પ્રયોગો વચ્ચેની ભેદરેખાને તેમણે સ્પષ્ટ કરી આપી છે. 'એપીક થિયેટર', 'ધી થિયેટર ઑફ ધી ઍબ્સર્ડ' 'ધી થિયેટર ઑફ ક્ર્યુઅલ્ટી' જેવાં અને બીજાં આંદોલનોના ફળરૂ૫ જે નાટકો મળે છે એ નાટકોની આયોજનકલા. નૂતન અને પરંપરા વિરોધી છે. નાટકના સ્થાપિત કલાસિદ્ધાંતો અહીં મળતા નથી. સંવાદનો રૂઢિગત ખ્યાલ અહીં કામમાં આવતો નથી. પાત્રાલેખનની કોઈ ચોક્કસ ભૂમિકા મળતી નથી, વસ્તુ નથી, વસ્તુ વિકાસ નથી... (પૃ. ૩૫ એજન.)

નંદકુમાર પાઠક નાટકના સ્વરૂપ સર્જકની ચેતના, પ્રણાલિકા, નાટકની વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ આદિની ચર્ચા કરતા આ લેખમાં આયોજન અને માધ્યમ વચ્ચેના સંઘર્ષોમાંથી નાટકનો ઇતિહાસ નાટ્યસ્વરૂપોનો ઇતિહાસ ઘડાયો છે તેમ નોધીને ટ્રેજેડી અને કૉમેડીના વિવિધ રૂપો વિશે વિસ્તારપૂર્વક આલેખન કરે છે. ટ્રેજેડી અને કૉમેડી વિશે તેમણે જે ચર્ચા કરી છે તે અભ્યાસીઓને ઉપયોગી થાય તેવી છે. નંદકુમાર પાઠક નાટ્યસમીક્ષામાં ખાસ તો સ્વરૂપ ચર્ચા કરે છે. તેમનાં આ બે પુસ્તકમાં મહદઅંશે નાટકના પ્રકારો વિશેની સ્વરૂપલક્ષી વિવેચના છે.

ચંદ્રકાંત ઠક્કરનું એક પુસ્તક પણ અહીં નોંધવા જેવું છે. 'નાટક – લેખકથી પ્રેક્ષક સુધી' આ પુસ્તક નાટકનાં અભ્યાસી વિદ્યાર્થીઓને માર્ગદર્શક પુરવાર થાય તેવું છે. નાટક લખાય છે ત્યાંથી ભજવાય છે ત્યાં સુધીની વિવિધ પ્રવૃત્તિ વિશે તેમણે વ્યવહારુ માર્ગદર્શન આપવાનો યત્ન કર્યો છે. અહીં ૯ લેખોમાં તેમણે મહત્ત્વ તાલીમનું, નાટક કોને કહેવાય ? નાટ્યલેખન, પ્રયાણ રંગમંચ તરફ, અભિનેતા અને અભિનય, ઇમ્પ્રોવાઇઝેશન, પ્રાચીન ભારતની નાટ્યકલા, નાટ્યવિવેચન અને કલાકારોએ જાણવા જેવા શબ્દો – એટલા વિષયને વિશે ચર્ચા કરી છે. એક અનુભવી સર્જકને હાથે લખાયેલું આ માર્ગદર્શક પુસ્તક છે. જેમને અભિનેતા-દિગ્દર્શક તરીકે પોતાની કારકિર્દી ઘડવી છે તેમને માટે આ પુસ્તક ઘણું અગત્યનું છે. નાટક ભજવવાની યુક્તિ, પ્રયુક્તિ કે કસરતો, અવાજ માટેની કસરતો આદિની વિસ્તૃત સમજ આ પુસ્તક આપે છે.

નાટ્યવિવેચન અંગે ચંદ્રકાન્ત ઠક્કરનું માનવું છે કે વિદ્વાન, અભ્યાસી તેમ