નાટક લોકાશ્રિત કલાપ્રકાર છે. નટચમૂ દ્વારા ભજવાય છે ને જનસમુદાય દ્વારા ભોગવાય છે. તેનો મુખ્ય આશય જનરંજનનો રહ્યો છે. આરંભકાળમાં એ જ આશયને મુખ્ય બનાવી લોકરુચિ અનુસાર નાટકો લખવો-ભજવવામાં આવતાં, પરંતુ નાટકની લોકપ્રભાવક અસરને ધ્યાનમાં લઈ વિશ્વમાં નાટકના સંદર્ભે ઘણાં પરિવર્તનો આવ્યાં. નાટકમાં જીવનનો ધબકાર સહુ પહેલાં પ્રગટતો હોય છે. નાટક મંચ પર જિવાતું હોય છે ને પ્રેક્ષકોમાં પણ જિવાતું હોય છે. આથી લોકોમાં કે સમાજમાં જે ઘટના બને તેની સારી-માઠી અસર નાટકમાં દેખાતી. નાટક દ્વારા સમાજનાં દૂષણો સામેનો અભિગમ પણ કેળવાતો, સુધારો પ્રબોધવામાં આવતો. નાટક પર વિશ્વ નાટ્યસમાજોમાં થતી હલચલોની સ્વાભાવિક અસરો પડે છે. આરંભની સાંકેતિક પદ્ધતિએ ભજવાતાં નાટકો પછી વાસ્તવિક શૈલી અને અતિરંજામાં સરી પડતી રંગભૂમિના વિકાસપતનની તવારીખ પણ નાટ્યસમીક્ષકે તપાસવી પડે છે. વિવિધ કલાઆંદોલનોની અસરો નાટક પર પડી. શૂન્યવાદ, અસ્તિત્વવાદ, વાસ્તવવાદ, પ્રગતિવાદ, દાદાવાદ ને ઍબ્સર્ડની અનુભૂતિ કરાવતાં નાટકોને તપાસનારા સમીક્ષકે આ બધા જ પ્રદેશોમાં ગતિ કરવી જ પડે. વિશ્વની રંગભૂમિ સાથે તેમાં થતાં પરિવર્તનો સાથે અનુસંધાન રાખનાર નાટ્યસમીક જ ઉત્તમ સમીક્ષાઓ આપી શકે એટલું જ નહીં, નાટ્યપ્રકારના વિકાસને મદદરૂપ થઈ શકે તેવાં માર્ગ કે દિશાદર્શક સૂચનો પણ કરી શકે.
પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૭૬
Appearance