લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨ ⬤ ગુજરાતી નાટ્ય વિચેચન
 

અંક અને પ્રવેશ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવા પ્રયત્ન કરે છે. જોકે તેની પાસે તત્કાલ તો નાટકના સ્વરૂપને સમજવા-સમજાવવા કે વ્યાખ્યા કરવા માટે ભવાઈનું જ ઉદાહરણ હતું. આથી ભવાઈના જ સંદર્ભને સાથે લઈને તેણે નાટકનાં અંક અને પ્રવેશની સમજૂતી આપી છે. જોકે ભવાઈ અને નાટક વચ્ચેનો ભેદ તેમના મનમાં સ્પષ્ટ છે. આથી ભવાઈનો ઉપયોગ નાટકની સમજને સંસ્કારવા માટે કરે છે. 'આપણા જિલ્લાઓમાં ભવાયા એક રાતમાં ભવાઈ પૂરી કરે છે. તેમાં જે જે જુદા જુદા વેશો આવે છે તેને નાટક નામ ન આપવું જોઈએ. એ તો નાના નાટકના નાના અંક છે. પ્રવેશ તો એમાં નહીં જ, પણ મોટી અંબાજીમાં જે ઠેકાણે આઠ આઠ દશ દિવસ સુધી કામગીરી રહે છે અને એક ખેલમાં ત્રણચાર વેશ આવે છે તે ત્રણચાર વેશને તે એકઅંકી નાના નાટકના પ્રવેશો સમજવા.' નાટકનાં પાત્ર વિશે પણ તેની સમજ જાણવા જેવી છે. 'પાત્ર એટલે ટીપ, જેમાં જેટલા આદમીની વચ્ચે સંવાદ ચાલવાનો હોય છે તે માણસોની સંખ્યા, તેમનો પરસ્પર સંબંધ અને સ્થળ દેખાડ્યાં હોય છે. જેમ પાત્ર એટલે વાસણ, વસ્તુને ઝીલી રાખવાનું હોય છે તેમ.'

નર્મદના નાટક વિશેના વિચારમાં નાટકના સ્વરૂપને સમજવાની મથામણ જણાય છે. તેની સામે 'બાળમિત્ર'નાં નાનાં નાટકોનો આદર્શ છે, ભવાઈ છે, એરિસ્ટોટલ અને ભરત આદિનાં નાટકસંબંધી વિચારોનો સ્પર્શ છે પરંતુ તેની મથામણમાંથી તેની સ્પષ્ટ નાટ્યવિચારણાનો ખ્યાલ નથી આવતો. બાકી નર્મદે નાટકની વ્યાખ્યા કરવાના જે પ્રયત્નો કર્યા છે તે કાબિલેદાદ છે. નર્મદની જેમ નાટક એટલે આ એમ આંગળી ચીંધીને સમકાલીન વિવેચકોએ હજુ કહ્યું નહોતું. નાટક કાવ્યનો જ પ્રકાર છે તેમ માની લીધા પછીય નર્મદ 'નાટક ગદ્યમાં હોય છે' એ વાતની સ્પષ્ટતા કરી છે.

નવલરામ, રણછોડભાઈ ઉદયરામ, મહીપતરામ નીલકંઠ કે દલપતરામ આદિ સહુ સર્જકોએ ભવાઈ વિશે જે મત આપ્યો છે નર્મદ પણ તેનાથી જુદો મત નથી આપતા. પરંતુ અન્યની જેમ જ કહે છે કે "ભવાઈ ઘણી રીતે ધિક્કારવા જોગ છે. જે કારણને માટે ભવાઈ અસલ નીકળી, તે કારણ તો ભવાયા અને બીજા લોક ભૂલી ગયા છે. લોક કવિતા અને ગાયનમાં તો સમજે નહીં, ત્યારે વેશ જોવા અને ભૂંડું ટોળિયું બોલવા સાંભળવામાં ખુશી માની લે છે. મૂર્ખ ભવાયા પણ પોતાને થોડુંક નાણું ભેગું કરવાને મસ્તાની બોકડાની પેઠે ભૂંડા શબ્દો આરડે છે. કાં તો ભવાઈમાં તદ્દન સુધરાવટ જલદીથી થવી અથથા આપણા દેશમાંથી ભવાઈનું નામ જ નીકળી જવું (જોઈએ).

નર્મદે ભવાઈનું નામ નીકળી જવું જોઈએ એમ કહ્યું છે તે પાછળનો એક