લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તર્ક ભવાઈની અશુદ્ધ રીતિ જ છે ને સાથે એ ચિંતા પણ છે કે 'કોઈ પરદેશી આપણી ભવાઈ જોય તો ભૂંડું સાંભળીને અકળાય એટલું જ નહીં પણ તેમાંના સ્વાંગને ભજવવાની રીત જોઈને પણ કણકણા ખાય.

નર્મદની નાટ્યસમજ પાશ્ચાત્ય નાટ્યવિચાર અને સંસ્કૃત નાટ્યચિંતનના સ્પર્શથી ઘડાઈ છે. અલબત્ત, તેમનાં નાટક વિશેનાં મંતવ્યોમાં એ બહુ સ્પષ્ટપણે સ્વરૂપ કે આકારની ચિંતા કરતા નથી છતાંય નાટકના અંક અને પ્રવેશ વિશે ભવાઈના સંદર્ભે – 'બાળમિત્ર' ભાગ ૧ અને ૨નાં એક અંકી, દ્વિઅંકી નાટકોને સંદર્ભે નાટકના સ્વરૂપને સમજવાનો સહુ પહેલો પ્રયત્ન નર્મદે કર્યો છે. 'બાળમિત્ર'ના અનુવાદક – રૂપાંતરકાર રણછોડદાસ ગિરધરદાસ નાટક વિશે કશી ચર્ચા છેડતા નથી. મહીપતરામ રૂપરામ નીલકંઠ 'ભવાઈસંગ્રહ'ની પ્રસ્તાવનામાં નાટક વિશેની વ્યાખ્યા આપવાનો સાદો સીધો પ્રયત્ન કરે છે. 'સુધરેલા અને અર્ધસુધરેલા લોકોમાં રમવાના તથા ગમત કરવાના જે અનેક પ્રકાર હોય છે તેમાંનો એક પ્રકાર નાટક છે. બીજી રમતો કરતાં નાટકમાં વધારે એટલું છે કે એથી માણસના મનના વિકારો જણાઈ આવે છે. સુબોધ થાય છે અને સારી ભાષા આવડે છે.'૧૧ મહીપતરામ નીલકંઠ ભવાઈને પણ નાટકનો પ્રકાર માને છે. તે સમયમાં નર્મદ, દલપત, મહીપતરામ જેવા સર્જકોએ ભવાઈ અને નાટક વચ્ચેની ભેદરેખાને વારંવાર સ્પષ્ટ કરતાં જઈનેય નાટક તથા ભવાઈને ચોખ્ખાં જુદાં નથી પાડ્યાં. નર્મદે નાટકને જુદું સ્વરૂપ માન્યું છે. પણ નાટકમાં આવતા અંક અને પ્રવેશોની ચિંતા કરતાં તેમણે સહેલાઈથી સમજાય તે હેતુથી જ કદાચ ભવાઈનો દાખલો લીધો છે. મહીપતરામ નીલકંઠ પણ નાટક – ભવાઈની તુલનામાં ભવાઈના મૂળ વસ્તુવિચારની પણ ચિંતા કરે છે. સંસ્કૃત, ગ્રીક, અંગ્રેજી વગેરે સુધરેલી ભાષાનાં નાટકનાં પુસ્તકોમાં ખોટું કર્મ કરનારાને અંતે ખોટું ફળ મળ્યું એમ સાફ દેખાડ્યું છે કે તેથી લોકને સારો બોધ થાય. સદ્‌ગુણાને હંમેશ આશરો આપ્યો.છે અને દુરગુણાને આખરે પરાજય પમાડ્યા છે. ભવાઈનાં શૃંગારરસનો થોડે ઠેકાણે વાસ્તવિક ઉપયોગ કર્યો છે. પણ ઘણી જગાએ બદફેલીના કામમાં વાપર્યો છે એ પણ મોટી ભૂલ છે. ટૂંકામાં મીઠાશ કેમ લાવવી તે ભવાયા જાણતા નથી.'૧૨ મહીપતરામ ભવાઈ સંગ્રહની પરિભાષામાં નાટક અને ભવાઈની ભાષા વિશે પણ ચર્ચા કરે છે. બીજા દેશોનાં નાટકની ભાષા ઘણી જ શુદ્ધ હોય છે. વિલાયતમાં એવું કહેવાય છે કે દરબાર, અદાલત અને નાટકશાળામાં બોલાતી ભાષા શુદ્ધ છે. તેમ સંસ્કૃત નાટકગ્રંથની ભાષા પણ ઘણી જ સારી છે, ને તેમાં અભણ લોક કેવું બોલતાં તે દેખાડ્યું છે અને એની ચેષ્ટા કરી છે. ભવાઈની ભાષાને એ માન આપી શકાતું નથી. ભવાયા સંસ્કૃત નથી શીખતા અને ગુજરાતીયે નથી ભણતા, ને ગામડિયા લોકના જેવું ઘણું કરીને અશુદ્ધ બોલે