પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છે.'૧૩ મહીપતરામ રૂપરામ નીલકંઠ ભવાઈ અને નાટકને એક જ માને છે. વિદેશની નાટકશાળા અને ગુજરાત, મુંબઈની નાટકશાળા વિશે પણ નોંધ કરે છે. વિલાયતની ભવાઈમાં ને આપણી ભવાઈમાં વળી એ ફેર છે કે તેમાં ઘણું કરીને નટી સ્ત્રીઓ જ હોય, પુરુષો સ્ત્રીનાં લૂગડાં પહેરી કોઈ વાર જ્યારે વેશમાં ઘણી નટીઓનો ખપ હોય ત્યારે જ ભેળા થાય છે, ને કોઈવાર ગરજ હોય તો સ્ત્રીઓ ભાયડાને રૂપે આવે છે. નટીઓ ભણેલી સ્ત્રીઓ હોવાથી નાટકમાં બહુ મીઠાશ આવે છે.૧૪

મહીપતરામ નીલકંઠ ભવાઈ અને નાટકની રજૂઆતની શૈલી વિશે તુલના કરે છે. પરંતુ તેમાં ભવાઈ ને નાટક સાવ ભિન્ન પ્રકાર છે તેવી સમજ જણાતી નથી. તેમણે ભવાઈ અને ભવાયાને સુધારવા ઘણો પ્રયત્ન કર્યો છે.

આરંભના આ મહાનુભાવોએ (નર્મદ, દલપત, મહીપતરામ) નાટક વિશેનો વિચાર કર્યો છે. પરંતુ કોઈએ નાટકની સમીક્ષા કરી નથી. મહીપતરામ ભવાઈના વેશ અંગે ભવાઈ સંગ્રહ કરે છે. તેની પરિભાષામાં નાટક-ભવાઈની તુલના કરે છે. પણ નાટકના સ્વરૂપને આ ત્રણેયે સ્પષ્ટ કર્યું નથી. નર્મદે નાટક વિશે જે વ્યાખ્યા કરી છે તે જોઈએ. 'બોલવું, ચાળા કરવા, અને નાચવું, જે વિષયમાં છે તે નાટ્ય અથવા નાટક'.૧૫

'નાટક – એ કવિતા પ્રકરણનો એક ભાગ છે. જોસ્સા, રીતભાત, કૃતિઓ વગેરેનું લોકમાં અસર કરતી રીતે જ્ઞાન આપનારી જે વિદ્યા તે. કવિતાના બીજા ભાગ એક પ્રકારે દિલમાં અસર કરે છે. અને બીજું કે, રૂપો અથવા વેશોને, કવિતાની અને ગાયનની ભાષામાં બોલાવે છે. નાટક અથવા રૂપકવિદ્યા બહુ ઉપયોગી છે. એ વિદ્યાની માહિતગારી મેળવવી કઠણ છે. એ કવિતાનો ભાગ છે એટલે એ ભણતર પણ જન્મબુદ્ધિ વિના આવડતું નથી. જેવું જ હોય, તેવું તેને તેવાં થઈ લોકોને બતાવવું તે નાટક.૧૬

નાટક - એ એવી રીતનું લખાણ છે કે જેમાં કવિ પોતાને નામે કોઈ બીજાઓનું વર્ણન નથી કરતો, તે બીજાઓને બોલાવી તેમની વાત તેઓની જ પાસે કહેવડાવે છે. કોઈની વાત આપણે કરીએ તેના કરતાં તે કોઈ પોતાની વાત પોતે કરે એમાં વધારે સાચવટ અને એથી વધારે અસર હોય જ. નાટક વિશે થોડું ઘણું સને ૧૮૫૬ના વરસના બુ. વ. ગ્રંથમાં લખાયેલું છે. એટલે તે ઉપરથી સમજાયું હશે. નાટક ગદ્યમાં હોય છે, પણ તેમાં પ્રસંગે પ્રસંગે કવિતા મૂકવામાં આવે છે... 'નાટક બે રીતમાં હોય છે : દુઃખ-પરિણામક નાટક અને સુખ-પરિણામક નાટક. પહેલા નાટકમાં મનના જોસ્સા, સદ્‌ગુણ, અન્યાય અને માણસ જાતનાં દુઃખ એનાં ચિત્ર પ્રત્યક્ષ માલમ પડે છે, ને બીજા નાટકમાં માણસ જાતની ભૂખ, તેઓની રીતભાત, તબિયત, ખોડ, મોજશોખ વગેરેનું નકલ દાખલ વર્ણન હોય છે. પહેલામાં