કરુણરસનું પ્રાધાન્ય હોય છે ને બીજામાં હાસ્યરસનું પ્રાધાન્ય હોય છે.”૧૭
નર્મદ નાટકને આ પ્રકારે સમજવાનો યત્ન કરે છે. દલપતરામે તો મિથ્યાભિમાનની પ્રસ્તાવનામાં "વાર્તારૂપે કે સંવાદરૂપે નિબંધ લખેલો હોય તે કરતાં નાટકરૂપી નિબંધથી તથા તે જ નાટક કરી દેખાડવાથી માણસના મન પર વધારે અસર થાય છે. જેમ ચહેરાપત્રક ઉપરથી કોઈ માણસની આકૃતિનું જેટલું જ્ઞાન થાય તે કરતાં ફોટોગ્રાફી – છબિ જોવાથી તેના ચહેરાનું વધારે જ્ઞાન થાય છે. તેમ જ નાટક છે તે ફોટોગ્રાફી –'છબિ' જેવું છે.૧૮ તેવી વાત કરી છે. મહીપતરામ નીલકંઠ પણ ભવાઈ સંગ્રહની પરિભાષા આલેખતાં "નાટકનો હેતુ સુધરેલા અને અર્ધસુધરેલા લોકોમાં રમવાના તથાગમત કરવાના જે અનેક પ્રકાર હોય છે તેમાંનો એક પ્રકાર નાટક છે. બીજી રમતો કરતાં નાટકમાં વધારે એટલું છે કે એથી માણસના મનના વિકારો જણાઈ આવે છે, સુબોધ થાય છે અને સારી ભાષા આવડે છે.'૧૯ એવી વ્યાખ્યા કરવાનો યત્ન કરે છે. નાટકથી 'વિકારો જણાઈ આવવા ને સુબોધ થવો' એ વાતમાં ટ્રેજેડીના 'કેથાર્સિસ'નો પ્રભાવ જણાય છે. 'મહીપતરામ નીલકંઠ અને નર્મદ પાશ્ચાત્ય નાટ્યવિચારને પ્રત્યક્ષ રાખીને નાટક વિશેની ચર્ચા કરે છે. અલબત્ત, નાટકના સ્વરૂપ વિશે સ્પષ્ટ થવાનો જ પ્રયત્ન નર્મદ અને મહીપતરામે કર્યો છે. નર્મદ જોકે નાટકને વિશે વધારે સ્પષ્ટ સમજ ધરાવે છે.' નાટક ગદ્યમાં હોય છે.' તેવું કહેનારો પ્રથમ પુરુષ નર્મદ છે.
નવલરામ પંડ્યાઃ (૧૮૩૬-૧૮૮૮)
ગુજરાતી ભાષાના – સાહિત્યના સમર્થ સર્જકવિવેચક નવલરામે કવિતા, નાટક, નિબંધ, જીવનચરિત્ર, ઇતિહાસ આદિથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. નાટક વિશેનું વિવેચન પણ તેમનાથી આરંભાય છે. વિવેચક નવલરામ અવલોકનો અને પ્રત્યક્ષ વિવેચન કરે છે. ક્યાંક સિદ્ધાંતચર્ચા પણ તેમના વિવેચન લેખોમાં થતી રહી છે. આ વિવેચક હોવાથી ઘણી અવધારણા – વિચારણનો આરંભ પણ, તે જ કરે છે. નાટકનું વિવેચન પણ તેમણે કર્યું. નાટકનાં સ્વરૂપ વસ્તુસંકલના, પાત્રાલેખન, સંઘર્ષ પરાકાષ્ઠા આદિ ઘટક તત્ત્વો વિશે તેમણે ચર્ચા કરી છે. નાટકમાં આવતાં પદ્યો, છંદ આદિ અંગે તેના ઔચિત્ય કે અનૌચિત્યની દૃષ્ટિએ તેમનાં સૂચનો તત્કાલીન સર્જકોને પ્રોત્સાહક નીવડ્યાં છે. વિવેચક તરીકેની પૂરી સભાનતાથી તેમણે વિવેચન કર્યું છે. સર્જકોને તે સૂચના આપતા તેમાંય તે સર્જન એ ગંભીર અને જવાબદારીવાળી પ્રવૃત્તિ છે એ વાત નજર સામે રાખી ઉત્તમ સાહિત્ય કૃતિના પક્ષધર રહ્યા છે. એ કહેતા જે લખો તે સકારણ, ગંભીર, રસીલું લખજો, પક્ષપાતનો વિચાર મનમાં આવવા દેવો નહીં, કારણ તો સહજ લખાશે... જુસ્સાને હદમાં રાખજો. જે લખો તે બે દિવસ શાંત થઈ પછી તપાસીને છપાવવા આપજો, સત્યનો