લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

 ત્યાગ અજાણતાં પણ ન થઈ જાય તેને માટે નિરંતર દિલમાં ખટકો રાખવો.'૨૧ સત્યાન્વેષી દૃષ્ટિ ધરાવતા વિવેચક છે નવલરામ પંડ્યા. વિવેચનમાં તેમની આ દૃષ્ટિએ જ કૃતિલક્ષી ધોરણો નક્કી કર્યા છે. વિવેચનનું ધોરણ નક્કી કરતાં તેમણે કહ્યું છે – 'મેં તો એવો નિયમ જ પકડ્યો છે કે પુસ્તકો વસ્તુતઃ દૂષિત પણ દેશકાળ જોતાં ઉત્તેજન લાયક હોય તો તેની એક સારી નોંધ જ થોડાઘણા વિસ્તારથી લેવી અને તેમાં તેના દોષ તો માત્ર ચતુરને ચેતાવવા ખાતર જૂજ ઇશારે જ દર્શાવવા. હજી આપણો વાંચનારો વર્ગ એવો છે કે જો આવાં પુસ્તકોના દોષને વિસ્તારું, તો તેના ગુણ ગમે એટલા પ્રદર્શાવ્યા હોય તો પણ તેની કદર થાય નહીં. માટે આવા પુસ્તકની એક આવૃત્તિ ખપી રહે ત્યાં સુધી તો વિરુદ્ધ વિવેચનથી પરહેજ રહેવું એ ન્યાય અને દેશહિતનો રસ્તો છે.’ ૨૨વિવેચનનું વ્યાવહારિક પાસું તેમણે વ્યક્ત કર્યું છતાંય દોષ નહીં જ જોવા તેમ તેમણે નથી કહ્યું. નવલરામ પંડ્યા જે પુસ્તક વિવેચન યોગ્ય હોય તેવાં જ પુસ્તક હાથમાં લેતા. ઘણીવાર કડક રીતે ટીકા પણ કરતા, સર્જકને શીખ આપતા. સર્જક-વિવેચન બંનેનાં ધોરણો વિશેની સભાનતાથી તેમણે સમીક્ષા કરી છે.

નાટકના સ્વરૂપ વિશે સંસ્કૃત નાટ્યપરંપરા અને પાશ્ચાત્ય નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતોને પ્રત્યક્ષ રાખી પૃથક્કરણાત્મક અભિગમથી નાટકને યથાર્થ સમજવા – પામવાનો પ્રયત્ન તેમણે કર્યો છે. 'કાન્તા' (મણિલાલ નભુભાઈ દ્વિવેદી) નાટકની સમીક્ષામાં રસ, પાત્રભેદ, વસ્તુસંકલનાની ચર્ચા કરી નાટક માટે કેવા પ્રકારનું કવિત્વ કામનું છે તેની વિગતે ચર્ચા કરે છે. 'રસ એ જ ખંડકાવ્યોમાં એટલે છૂટક કવિતામાં બસ છે. પદ, ગરબી વગેરે લખનારામાં એટલું હોય તો તે કૃતાર્થ થયો, કેમકે તેવી કવિતામાં તો પોતાના આત્મામાં જે ઊર્મિઓ ઊઠે તે દર્શાવી એટલે થયું, અને તે તો પોતામાં રસ હોય તો સ્વાભાવિક રીતે જ થઈ જાય. આવી કવિતાને સ્વાનુભવી અથવા અંતઃસ્થિત કવિતા કહે છે. .....પણ નાટક કાવ્યોમાં આથી જુદા જ બહુ ઊંચી જાતના કવિત્વનો ખપ પડે છે. એમાં પોતાના અંતરમાં અનુભવેલા રસનું વર્ણન કરવું એ બસ નથી, અથવા વખતે કંઈ જ કામનું નથી. એમાં તો ભિન્નભિન્ન પ્રકૃતિવાળા બીજાને ભિન્નભિન્ન પ્રસંગોએ કેવા લાગે છે તેનું વર્ણન કરવાનું છે. એને અંતઃસ્થિત નહીં બાહ્ય સ્થિત, સ્વાનુભવી નહીં પણ સર્વાનુભવી કવિત્વ કહે. છે. ૨૩ નાટક વિશે નવલરામ સંસ્કૃત પરંપરામાં જે મત આરંભથી ચર્ચાતો રહ્યો છે તે નાટક એ સાહિત્યની સર્વ સિદ્ધિ હાંસલ કર્યા પછી સિદ્ધ થતો વિશિષ્ટ પ્રકાર છે એમ માને છે.

નવલરામ પંડ્યાએ તત્કાલીન રંગભૂમિ અને નાટકની સ્થિતિ જોઈને તે સુધારવા – સંમાર્જવા પ્રયત્ન કર્યો હતો. 'કાન્તા' જેવાં નાટકો જોઈને તેને –