પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

મનોવૃત્તિમાં કેવો છે તેની ખરેખરી આરસી તો નાટકશાળા જ છે, કેમ કે ત્યાં તો વાંચનાર ને ન વાચનાર આખું આલમ વખતોવખત આવી જાય છે, અને તેથી તે બધાને ગમતાં, સમજાતાં અને સરસ લાગતાં નાટકો જ ત્યાં ભજવવામાં આવે છે. માટે જે દેશનાં નાટકો સુઘડ, સુરસ ને સૂક્ષ્મ વિચાર કરવાની સ્થિતિએ પહોંચેલાં છે એમ જે માનવામાં આવે છે તે સામાન્યપણે વાજબી જ છે.’૨૬ આવી નાટકશાળાઓને એ ‘સર્વોત્તમ શિક્ષાગુરુ’ માને છે. નાટકશાળા એ પરિવર્તનનું મોટું ઓજાર છે. કવિઓ કવિતા-ગીતો લખીને સમાજને બેઠો ફરવાના પ્રયત્નો કરે તે સફળ થતાં થાય પરંતુ ‘નાટકશાળા તો જનસમૂહની વચ્ચે જ સાદ કરતી ઊભી રહે છે, અને એનો મનોહર સાદ સાંભળી લોકો દોડ્યા આવે છે. આખા દેશની મનોવૃત્તિને નાટકશાળા જે માર્ગે વાળવા ચાહે, તે માર્ગે વાળી શકે.’૨૭ નાટકશાળાની ક્ષમતા વિશે નવલરામ જરા પણ સાશંક નથી. દેશમાં સુબોધ કે કુબોધ ફેલાવવાનું નાટકશાળા જેવું એકે સાધન નથી. દેશને સુરસિક, શૂરવીર કે ફૂવડ ને બાયલો કરવો એ નાટકશાળાના વ્યંગ્ય પણ સફળતમ બોધની ઉપર જ બહુધા આધાર રાખે છે. નાટકશાળા એ સુધારા કે કુધારાનું એક મહાજબરદસ્ત હથિયાર છે અને વિચારવંત સુધારકો હંમેશાં તેને પક્ષમાં લેવાનું ચૂકતા નથી.”૨૮

નાટકશાળા ‘સુધારો’ કે બોધ પ્રબોધે છે એમ કહે છે ત્યારે પણ એ બાબતથી તેઓ સભાન છે કે નાટક એ બોધપ્રધાન ન હોવું જોઈએ. ‘અમારા વિચારમાં તો બોધ કરવો છે તે વાત જ તે ભૂલી જાય તો સારું –’ એમ નાટ્યકારોને ઉદ્દેશીને કહે છે. માત્ર બોધ એ નાટકનું અંગભૂત તત્ત્વ ન થઈ શકે. એટલું જ નહીં ‘બોધ ઉપર નજર રાખનારાં નાટકો તો નકામાં ટાયલાં જ સમજવાં’ એમ કહીને રસને નાટકનું પ્રધાન લક્ષણ ગણે છે. ‘રસ, જે કાવ્ય નાટકોનું લક્ષણ છે જેણે છોડ્યું તે કાવ્ય નાટકે તો પોતાનો સ્વધર્મ જ છોડ્યો.’ સુબોધ એ સારા નાટકનું સ્વાભાવિક ફળ છે તેનો ઉદ્દેશ નથી.’૨૯ નાટકનો ઉદ્દેશ આનંદ સાથે બોધ આપવાનો રહ્યો છે. આ પ્રકારના નાટકની અસર સીધી લોકહૃદય પર થાય છે એમ પણ માને છે. નાટકશાળાનો મહિમા કર્યા પછી તેમના સમયની નાટ્યમંડળીઓ વિશે ચર્ચા કરે છે. તત્કાલીન નાટકશાળાઓ ‘નઠારાં’ નાટક દ્વારા નઠારા લોકમતને પ્રોત્સાહન આપતી હતી. નવલરામ માને છે કે ‘નઠારા નાટકો નઠારાં લોકમતને કારણે ભજવાતાં હતાં. આથી સદ્‌ગૃહસ્થાએ નાટકો જોવા જવું અને તેની ખોડખાંપણ દોષો જાહેરમાં મુકવા. એનાથી બે બાબતો બને છે, એક તો નાટકશાળાને એમના ગુણદોષનો ખ્યાલ આવે છે, અને સામાન્ય લોકોને પણ શું જોવું ને શું ન જોવું તેની ખબર પડે છે. લોકો જેવું ઇચ્છે છે તેવું નાટકશાળા પીરસે છે. આથી લોકોએ જ જાગૃત થવું જોઈએ અને નાટકોનું નિરંતર વિવેચન કરવું જોઈએ. વિવેચનથી