નાટકમાં રહેલી અશુદ્ધિઓ, દોષોથી સહુને માહિતગાર કરવા અને નાટકશાળાની સામે ‘શુદ્ધ અને ઊંચા રસનાં નાટકો’ મૂકવાં જેથી સારો ઊંચો લોકમત કેળવી શકાય ને નાટકને સુમાર્ગે વાળી શકાય.’
નવલરામ પંડ્યા ખરાબે ચઢી ગયેલી તત્કાલીન નાટ્યમંડળીઓને સુમાર્ગે પાછી વાળવાના રસ્તાઓમાં એક નિરંતર વિવેચન સૂચવે છે. વિવેચને જ સાહિત્યકૃતિની દિશાઓ ખોલી આપી છે. પરંતુ નાટ્યવિવેચનમાં વિવેચકની ગતિ ઘણી ધીમી છે. નાટક ગતિશીલ રહ્યું છે. નવલરામ પંડ્યા તે સમયે પણ માને છે કે વિવેચનથી જ કલાના ક્ષેત્રમાં સુધારો આવે. નવી ક્ષિતિજો ખૂલે. નાટકને બે પ્રકારમાં વિભાજિત કરે છે. આપણે ત્યાં ભરત નાટ્યશાસ્ત્રમાં કે એરિસ્ટોટલના પોયેટિક્સમાં પણ નાટકને કાવ્યકલાના વિભાગમાં મૂકવામાં આવે છે. નાટકને કાવ્યનું જ સ્વરૂપ માનવામાં આવ્યું છે. નવલરામ પણ એનો જ આધાર લઈ નાટકના બે ભેદ પાડે છે. ‘નાટક બે પ્રકારનાં કહેવાય છે. વાંચવાનાં અને ભજવી બતાવવાનાં, એમાં ભજવી બતાવવાનાં તે જ નાટક ખરાં, અને વાંચવાનાં નાટક તો ફક્ત બીજા પુસ્તક જેવાં છે.’ આપણી ભાષામાં વિદ્વાનોએ કેટલાંક નાટકો લખ્યાં છે ‘પણ તે માત્ર વાંચવા લાયક છે.’ નવલરામ એક વા સ્પષ્ટ છે કે ભજવી બતાવવાનાં તે જ નાટક બીજાં નહીં. ભજવાય તે જ નાટક તેની અવધારણાંને તેમણે આરંભથી જ પકડી રાખી છે. ભજવાતા નાટક વિશે તેમણે વાત નથી કરી છતાંય આટલી સ્પષ્ટતા મનમાં છે કે નાટકનું યથાર્થ પ્રત્યાયન તેના પ્રયોગમાં જ રહેલું છે, અન્યથા નથી.
તત્કાલીન નાટકશાળાએ ભજવેલા નાટકો તેમણે જોયા હશે તેની ચર્ચા કરી છે. વિવેચનનું તત્ત્વ તેમાં ઓછું હોય કે ન જ હોય છતાં તે સમયે ભજવાતા નાટકોની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ તો અવશ્ય આપે જ છે. ‘ભજવાતા નાટક તો હાલ આપણા દેશમાં કાંઈ ઓર જ પ્રકારના છે. ઘણીક નાટકમંડળીઓ પાસે તો લખેલાં નાટક જ હોતા નથી પણ કથાભાગ યાદ રાખી પાત્રો પોતાની મરજીમાં આવે તેમ તે તે પ્રસંગાનુસાર બોલી લે છે. આવા બિનતૈયારીના બકબકાટમાં તે કાંઈ પણ ભલીવાર શી રીતે હોઈ શકે ? કેટલીક મંડળીઓ પાસે પદબંધ આખ્યાનો હોય છે. તે આખ્યાન સૂત્રધાર ગાઈ બતાવે છે ત્યારે પાત્રોને શું બોલવું તેની ખબર પડે છે. આના જેવું તો અસ્વાભાવિક કે હસવા જેવું એકે નથી. સૂત્રધાર રાગડો કાઢી રહે કે તેનો ભાવાર્થ અભણ પાત્ર પોતે જેમ સમજે તેમ ભાગીટૂટી ભાષામાં બોલે, અને તેમાં છેવટે અગત્યનો પ્રશ્ન પૂછ્યો હોય જેનો જવાબ સામા પાત્રે જુસ્સાથી તત્કાળ જ દેવો જોઈએ એમ હોય, તોપણ તે બિચારું સામું પાત્ર મોં વકાસીને ઊભું જ રહે છે, અને શો જવાબ દેવો તે સૂત્રધાર તાનમાંથી રાગ ઘુમાવતો દોઢ