પહોરે ગાઈ રહે છે ત્યારે જ તેને માલૂમ પડે છે. આ તો શ્યકાવ્ય નહીં, પણ શ્રાવ્યકાવ્ય જ થયું.’ ભજવવાનાં કે ભજવી બતાવવાનાં નાટકોમાંય કલાદૃષ્ટિની અને ગુણ સમૃદ્ધિની ખામી તેમણે જોઈ છે. તે સમયે ભજવાતા નાટકોમાં બહુ ઓછા – ભાગ્યે જ કોઈ શિષ્ટ – શ્રેષ્ઠ નાટકો મળતા, મોટા ભાગે રંગભૂમિ પર લોકોની નિમ્ન વૃત્તિઓને ઉશ્કેરે તેવા નાટકો પ્રસ્તુત થતા. નઠારા નાટકો પાછળ તેઓ માત્ર નાટકશાળાને દોષિત નથી માનતા પરંતુ નટ, નાટ્યકાર અને પ્રેક્ષકને પણ નાટકની હીન સ્થિતિ માટે સરખા જવાબદાર ગણે છે, નાટકનું સતત નિરીક્ષણ, વિવેચન થયા કરે તો આ બગાડમાંથી બહાર નીકળી શકાય. નઠારા નાટક અને નાટકશાળાની સ્થિતિ સુધારવા માટે નવલરામ સતત સભાન રહીને વિવેચન કરે છે.
નવલરામ પંડ્યા પાશ્ચાત્ય અને સંસ્કૃત નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતોને સાથે રાખીને નાટકની સમીક્ષા કરે છે. નાટકમાં ‘રસ’ અને ‘Action’ની આવશ્યકતાને સ્વીકારે છે. નાટક માટે ક્રિયા પણ રસ જેટલું જ મહત્ત્વનું તત્ત્વ છે એમ માને છે. ‘રત્નાવલિ’ અને ‘માલતી માધવ’ નાટકોનાં અવલોકનમાં તેમણે આ ચર્ચા કરી છે. ‘માલતી માધવ ભવભૂતિના નાટકની સમીક્ષામાં કહે છે, ‘સૃષ્ટિવર્ણનમાં sublmity માટે ભવભૂતિ સઘળા સંસ્કૃત કવિઓમાં એક્કો ગણાય છે.’૩૦ નાટકની ચર્ચામાં ‘ઉદાત્ત તત્ત્વ’ ક્રિયાવ્યાપાર અને રસપ્રતીતિની જિકર કરે છે. ‘Action' માટે સૃષ્ટિવર્ણન નડતર રૂ૫ છે.’ કહી નાટકમાં ક્રિયાના મહત્ત્વને સ્વીકારે છે. સંસ્કૃત નાટકોની એક મર્યાદા રસપ્રધાન નાટકો છે જેના કારણે નાટકના ક્રિયાવેગમાં વ્યવધાન આવે છે એમ માને છે, ‘આ નાટકમાં કથનની સાથે વર્ણનભાગ ઘણો છે. માધુર્યાદિક ગુણને અનુસરતું જ જ્યાં જોઈએ તેવું સૃષ્ટિવર્ણન કર્યું છે, અને તે ઉદ્દીપનાર્થે જરૂરનું જાણી કર્યું હશે, તોપણ નાટકના ‘Action’ને નડતર જેવું થઈ પડે છે ત્યાં તે દોષ જ ગણવો જોઈએ.’૩૧ સંસ્કૃત કવિઓ Action, કરતાં રસનું પ્રાધાન્ય વધારે ગણતા જણાય છે. પણ આમ કરવાથી રસ જામવાને બદલે ઊલટો વાતનો રસભંગ થઈ જાય છે.૩૨
નવલરામ પંડ્યા પશ્ચિમ અને ભારતીય વિચારણાને સાથે લઈને નાટકાદિની સમીક્ષા કરે છે. નાટક માટે ‘રસવિચાર’ પહેલો કે ‘કાર્યવિચાર' પહેલો એનું ચિંતન ચાલે છે. નાટકો ભજવાતા બંધ પડે ત્યારે જ કાર્યવિચારનું પ્રાધાન્ય જતું રહે અને કથન વર્ણનાદિકથી ઊપજતો રસ પણ નાટકમાં રસ ગણાય.’૩૩ Actionને ભજવણી સાથે સંબંધ છે તેવું પ્રતિપાદિત કરે છે. સાથે વાંચવાનાં નાટકો લખાવા પાછળનો તર્ક પણ આપે છે. પરંતુ નવલરામની ‘રસ સિદ્ધાંત’ વિશેની સમજણ સ્પષ્ટ થતી નથી. ‘રત્નાવલી’ નાટકના નિરીક્ષણમાં ‘Test and judgment’ કે Unity of action for Unity of time and placeનો એરિસ્ટોટલ કથિત નાટ્યસિદ્ધાંતોને