નાટ્યશાસ્ત્રનું નિરીક્ષણ કર્યું છે. 'ભરત નાટ્યશાસ્ત્ર', 'દશરૂપક', 'સાહિત્ય દર્પણ' આદિ ગ્રંથોનો આધાર લઈને 'નાટ્યપ્રકાશ' રચ્યો છે. યુરોપીય નાટકોની 'ત્રણ યુનિટી'નાં સારાં-ખોટાં પાસાંની મનનીય ચર્ચા કરી છે. તેમાં સ્થળ સંકલનાની વાત કરતી વખતે દલપતરામે ગ્રીક ભાષાના નાટકનું ગુજરાતીમાં 'લક્ષ્મી' નામે જે રૂપાંતર કર્યું છે તેની મર્યાદાઓની ચર્ચા કરી છે. આ આખીય ચર્ચા તત્ત્વચર્ચા ધ્યાનપાત્ર થઈ પડે છે. 'તેઓ માને છે કે યુનિટીના બંધનથી નાટક લખવામાં ઘણો જ સંકોચ થઈ આવે છે. અને સારા લેખકો શેક્સપિયર પર્યંતના પણ સર્વદા તેને વળગી નથી રહેતા. થોડા વર્ષ પર ફ્રાન્સમાં એ પવન બહુ ફેલાયો હતો. પરંતુ ધીમે ધીમે સર્વત્ર શક્યતા અને ઔચિત્યના ધોરણને સ્વીકારવામાં આવ્યું છે.૩૬ યુનિટીનાં બંધને સદંતર અનાદર કરવાનું કહેતાં નથી પરંતુ આ નિયમ 'નાટકોને રંગભૂમિ પર નવીન પદ્ધતિથી ભજવી બતાવવાની કૃત્રિમ યોજનામાંથી જન્મ્યો છે માટે અકૃત્રિમ કવિપ્રતિભાના પ્રવાહને અકૃત્રિમ બંધન ન લગાડવાના ઉદ્દેશથી તેનો અનાદર અવશ્ય પ્રાપ્ત થાય છે.૩૭ 'કેટલાંક સંસ્કૃત રૂપક સંબંધી જાણવા યોગ્ય વૃત્તાંત' ઐતિહાસિક દૃષ્ટિથી આપ્યો છે. 'સંસ્કૃત રૂપદર્શક પત્રિકા' આપીને, રૂપકો તથા ઉપરૂપકોની વિગતવાર યાદી મૂકી છે. છેલ્લે 'નાટ્યપ્રયોગ નૃત્યશાળાનું વર્ણન' કર્યું છે.
નાટ્યપ્રકાશમાં આ ઉપરાંત નાટ્યવસ્તુનાં વિભાગો, પ્રકાર, નાયકનાયિકાભેદ, કૌશિકી આદિ ચાર વૃત્તિઓ, નાટકનાં છત્રીસ લક્ષણો, તેત્રીશ નાટ્યાલંકારો, પ્રકરણ આદિ દશવિધ રૂપકો અને નાટિકા - ત્રોટક આદિ અઢાર ઉપરૂપકો આટલા વિષયો અંગેની પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ છે. નાટક એટલે ભજવી બતાવવું, રૂપક એટલે રૂપણ એ અર્થને વળગી રહીને વિચારણા કરી છે. પરંતુ 'રસ' વિશે ચર્ચા કરી નથી. જોકે રસ સંદર્ભે તેમણે અલગ ગ્રંથ કર્યો છે 'રસપ્રકાશ'. આથી નાટ્યપ્રકાશમાં રસ વિશે વિસ્તૃત ગહન ચર્ચા કરી નથી. 'નાટ્યપ્રકાશ' દ્વારા પ્રાચીન નાટ્યશાસ્ત્રને તેમણે ગુજરાતીમાં ઉતાર્યું છે છતાં તત્કાલીન રંગભૂમિને કે કલાકારોને તેનાથી કશો તાત્ત્વિક લાભ થયો નથી. તેમણે પોતે પણ લોકરુચિને અનુકૂળ જ નાટકો આપ્યાં છે. વિજયરાય વૈદ્ય કહે છે તેમ રણછોડભાઈ દવે 'સમર્થ અને સર્વપ્રથમ એવા આદ્ય ગુજરાતી નાટ્યશાસ્ત્રકાર’ છે તેમાં કોઈ બે મત નથી.
નવલરામ આપણા આદ્ય નાટ્યવિવેચક છે. તો રણછોડભાઈ દવે નાટક વિશેની સૈદ્ધાંતિક શાસ્ત્રીય ચર્ચા છેડે છે. બંનેના નાટ્યવિચારમાં ભારતીય અને પાશ્ચાત્ય નાટ્યસિદ્ધાંતોનો સમન્વય છે. આરંભના બંને નાટ્યચિંતકોએ નાટકની ભજવણીનાં વ્યાવહારિક પાસાં પર ભાર મૂક્યો છે. 'ભજવાય તે નાટક' એ કહેવા