પર સિદ્ધિ મેળવવી હોય તો 'જન સમારાધનના' મુદ્દે મેળવી શકે એમ તેઓ માને છે. પણ એના માટે નાટ્યકારે રંગભૂમિનો નિકટનો પરિચય કેળવવો પડે. લેખક પોતાના બંધ રૂમમાં બેસી મનની રંગભૂમિ પર પાત્રોને નચાવી કંઈ પણ લખી કાઢે તે સાહિત્યિક દ્રષ્ટિએ ગમે તેટલું ઉત્તમ હોય તોપણ મંચ-તખ્તા સાથેના સંપર્ક વિના કદીય લોકભોગ્યતા કે નાટકની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી એ વાત તેઓ વીસરી ગયા લાગે છે. નાટકકારો નાટ્યશાળાના વ્યવસ્થાપકોને અનુકૂળ નાટકો લખે છે અને વ્યવસ્થાપકો પ્રેક્ષકોની સંખ્યા વધે એ રીત યા જનવર્ગની ચિત્તવૃત્તિને અનુસરવાનો પ્રયત્ન કરે છે. નેપથ્ય સામગ્રી કે સંવાદો ઉપરાંત 'ગ્રામ્ય વિનોદ વૃત્તિ' મળે એવાં સાધન અજમાવામાં આવે છે. આથી કલાસ્વરૂપને હાનિ પહોંચે છે. સાથે એવો આશાવાદ પણ વ્યક્ત કરે છે 'વિદ્વદવર્ગનો સંસર્ગ નાટકશાળાઓને છે, અને નાટક શાળાનું અધઃપતન નહીં થાય'૩ નાટકમાં કથા-અંશ કરતા કવિતા પ્રાધાન્ય ભોગવે તો આસ્વાદયોગ્ય ન બને તેમ કહીને તેમણે 'જયકુમારી વિજય', 'લલિતા દુઃખદર્શક' અને નવલરામના 'વીરમતી' નાટકના ગુણ – દોષની સમીક્ષા કરી છે, તેની સાથે સંસ્કૃત – કાલિદાસનાં નાટકોની અને શેક્સપિયરનાં નાટકોને યાદ કરી 'અંતર્જીવનને કેન્દ્રીય વિષય બનાવતાં નાટકોને ઊંચી કોટિનાં ગણ્યાં છે. જ્યાં જ્યાં અંતર્જીવન અને તેનાં મર્મસ્થાનો છે તે ઉપર દ્રષ્ટિ નાંખવાનો અભ્યાસ પડે તો દેશમાં એક મોટી કલાનું બીજ નંખાય.'૪ એમ કહી લેખકોને અનુભવોનો સંચય. કરવાનું કહે છે. નાટ્યકારે અવલોકન અને અનુકંપાનું ફલક વિસ્તાર્યે જ છૂટકો છે એમ કહે છે તે યથાર્થ છે. નાટકમાં સર્વાનુભવ રસિક ભાગ રચવો હોય તો નાટ્યકારે આત્માનુભવની બહાર નીકળી જગતને જોવું પડે. શેલી અને શેક્સપિયરનાં નાટકોની ભિન્નતા પણ આને લીધે છે તેમ માને છે. તેમના સમકાલીન નાટ્યપ્રવાહનું અવલોકન કરતાં તેમણે 'કાન્તા' ભીમરાવ કૃત 'દેવળ દેવી', ગણપતરામનું 'પ્રતાપ' નાટક, ગોપાળજી દેલવાડા કરનાં 'ચંદ્રકાંતા' અને 'મદન વસંત', કહાનજી ધર્મસિંહનું 'મારુ-ઢોલા' વગેરેને આધારરૂપ લઈને તે નાટકોની જનમંડળ પર પડતી છાપ-ઉત્સાહ અને અવસાદ રણછોડભાઈના જમાનાની અપેક્ષાએ દર્શાવી છે. તેને આધારે લોકરુચિ ઇતિહાસ – પુરાણની કથા કરતાં સામાજિક પ્રશ્નોની કથામાં શા માટે હોય છે તેની ચર્ચા કરી છે.
તત્કાલીન નાટકો વિશે તેમની ફરિયાદ એ રહી છે કે જે જનભોગ્ય છે તે પંડિતભોગ્ય નથી, જે પંડિતભોગ્ય છે તે જનભોગ્ય નથી. એટલે કાલિદાસની કલ્પના પ્રમાણેનું સહુના મનનું સમારાધન કરતું નાટક બની શક્યું નથી. ગોવર્ધનરામ આ લેખમાં નાટકના સ્વરૂપ સંબધી તલસ્પર્શી ચર્ચા કરે છે. અલબત્ત, નાટકની ભજવણીની શક્યતા કે અભિનયાદિ વિશે પૂર્વસૂરીઓ કરતાં કશી નવી વાત કરતાં