અભિનય અંગેના પ્રશ્નો, ધંધાદારી નટ કલાપ્રેમી નટની વિશેષતા – મર્યાદાઓ, નાટકના બંધારણ વિશે તત્કાલીન નાટક ગ્રંથો તથા નાટકોની સ્થિતિ, રંગભૂમિનાં દૂષણો આદિની ૧૩ પ્રકરણમાં વિસ્તૃત ચર્ચા કરી છે.
નરસિંહરાવે જોયેલાં નાટકોમાં 'ખામીવાળું અભિનય' અભિનયકલા વિશે અભ્યાસ કરવા ઉશ્કેરે છે. તેમાં ભજવણી વિશે પણ પહેલી જ વાર વાત કરે છે. 'નાયક-નાયિકા એક બાગમાં મળતાં, દૂરથી સામ-સામાં કુસ્તીના જેવા પેંતરા ભરતા આવી એકબીજા સામે આંગળીઓ તાકીને ધરી એકબીજાને પ્રેમમાં બાંધવા જેવું કરતાં હતાં તે તો કેવળ અસંભવપૂર્ણ તથા હાસ્યજનક હતું.'૫ તેમણે બીજાં ઉત્તમ રીતે ભજવાતાં નાટકો પણ જોયાં હતાં, આથી જ કહે છે, 'અભિનય કલાનાં ઊંચાં તત્ત્વોનું દર્શન થાય પછી ચાલુ નાટ્યભૂમિથી અસંતુષ્ટ થવાય એમાં નવાઈ નથી. પરંતુ એ ન્યૂનતાઓ શી રીતે ટળાય તે જાણવા માટે અભિનયકલાનાં ઉત્તમ તત્ત્વોનું અવલોકન કરવાની આવશ્યકતા ઉત્પન્ન થાય છે.'૬ અભિનય કલા વિશેનો આ દીર્ઘ નિબંધ લખવા પાછળનો મુખ્ય આશય તત્કાલીન ગુજરાતી રંગભૂમિની મર્યાદાઓને ટાળવાનો પ્રયત્ન છે. આ નિબંધમાં તેમણે નાટક, નટ અને અભિનયની સિદ્ધિ – મર્યાદાઓ વિશે સારી એવી કામમાં આવે તેવી ચર્ચા કરી છે.
અભિનયનું સ્વરૂપ સમજાવતાં તેમણે નાટક – અભિનય 'અન્યોન્ય સંશ્લિષ્ટ કલા' છે તેમ કહ્યું છે. નાટ્યકાર અર્થ નિરૂપક છે, અભિનય દ્વારા નટ પણ નાટકના અર્થનું નિરૂપણ કરે છે એમ કહી નાટક, અને રંગભૂમિના અવિનાભાવી સંબંધ વિશે સ્પષ્ટતા કરે છે. 'રંગભૂમિ માટે નિર્માણનાં કરેલાં નાટકોને literary drama (વાચ્ય સાહિત્ય રૂપનાટક) એ નામ અપાય છે તથા તો એ ખોટું નામ છે, કેમ કે જ્યાં સુધી અભિનયમાં આવ્યું નથી ત્યાં સુધી કોઈપણ નાટક તે નાટક ગણાય નહીં.'૭ નાટક વિશે નરસિંહરાવ પણ પુરોગામી મતને પુષ્ટ કરે છે. જોકે નવલરામે તો તેવાં – અભિનયમાં ન આવે તેવાં નાટકોને સાહિત્યિક કે વાંચવાનાં નાટક ગણ્યાં છે. જ્યારે નરસિંહરાવ તો 'નાટક' કહેવાના મતના નથી. ભજવાય તો નાટક, નહીં તો નાટક તો નહીં જ. અભિનયની ચર્ચા કરતાં કહે છે કે વેશ ધારણ કરી બનાવટ કરવી એ નાટકની ભજવણી સાથે સ્વીકારાયેલી વાત છે. અભિનયને તેઓ માત્ર Mimetic Art નહીં પણ સદૃશીકરણની કલા કહે છે. નટની પાસે જે કળા છે તે પરલક્ષી અને આત્મલક્ષી પ્રકારની હોવી જોઈએ. 'અભિનય કલાનું પ્રાણતત્ત્વ તો પરલક્ષીપણામાં જ સમાયેલું છે. પરંતુ અપ્રધાન રહેલી આત્મવિલક્ષણતા એ જ પરલક્ષી વ્યાપારના ફળને પોતાના રંગથી જ રંગે જ છે.' નાટક અને અભિનય અંગે પોતાનો મત આપે છે. ત્રીજા પ્રકરણમાં નાટ્યશાસ્ત્રનું ઐતિહાસિક દૃષ્ટિએ નિરીક્ષણ આપ્યું છે. ચોથા પ્રકરણમાં નાટકના ઉદ્દભવ-વિકાસની ચર્ચા કરે છે.