પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંડિતયુગમાં નાટક વિશેનું નાટ્યવિવેચન • ૩૧
 

વિચારણા કરી છે. અલબત્ત, અહીં જે વિચારણા છે તેમાં બહુધા વિદેશી નાટકો, નટોનાં ઉદાહરણ આપ્યાં છે. ગુજરાતી નટ-નાટકોના દાખલા ભાગ્યે જ એમણે આપ્યા છે.

નાટકોમાં દૃશ્ય સામગ્રીના વિનિયોગ બાબતે પણ એ જ સ્થિતિ છે. સ્ટેજ પર બતાવવામાં આવતાં દૃશ્યો કે ચમત્કારોના ઔચિત્યની ચર્ચા અહીં થઈ છે. નાટકની પ્રેક્ષક પર પડતી અસરોની પણ તેમણે સાથે જ ચર્ચા કરી છે. નરસિંહરાવ માને છે કે દૃશ્ય સામગ્રીના પ્રાધાન્યથી પ્રેક્ષકનું ધ્યાન નાટકના વૃત્તાંતમાંથી ખસીને માત્ર સામગ્રી ઉપર સ્થિર થશે જે નાટકને માટે હાનિકારક છે. નટ-પ્રેક્ષક સંબંધ વિશેની ચર્ચામાં અભિનય પક્ષે એ સંબંધમાં સમભાવ કેટલો ઉપકારક બની શકે, આદર-અનાદરના શું લાભ તે સહુ ચર્ચ્યા છે. એ પછી નાટક અંગેની સમસ્યાઓ અને વિચારોની નોંધ છે. 'ગુજરાતીમાં ખરા ગુણવાળાં નાટકોની ભરતીની સમસ્યા છે.' એમ કહેતી વખતે નાટક માટેની તેમની અપેક્ષા વ્યક્ત થઈ છે. ગુજરાતીમાં મૌલિક નાટકોના અભાવને તેમણેય વ્યક્ત કર્યો છે. નાટકની આનુષંગિક સમસ્યા સાથે નટના ચારિત્ર અંગેના નૈતિક પ્રશ્નો ચર્ચે છે. સ્ત્રીપાત્રોની ભજવણી પુરુષપાત્રો કરે છે તેને કારણે ઘણા પ્રશ્નો જન્મે છે. તેઓ માને છે કે સ્ત્રીનાં પાત્રો ભજવવા સ્ત્રી કલાકાર જ લાવવા જોઈએ. કલાપ્રેમી અને વ્યવસાયી નટમાં કોણ ચડે તેની ચર્ચામાં અંતે કલાને જ શ્રેષ્ઠ માને છે. તે કલા સિદ્ધ કરવા માટે બંનેએ સારી નિષ્ઠાથી પ્રયત્ન કરવા જોઈએ તેમ કહે છે.

અંતે રંગભૂમિનાં દૂષણો વિશે છણાવટ કરે છે, સાથે સારાં નાટકોએ, જનસમાજની રૂચિ ઘડવા પ્રયત્ન કરવો જોઈએ, ઉચ્ચ ભાવનાને વળગી રહી પ્રયત્ન કરવાથી દૂષણમુક્ત રંગભૂમિની સ્થાપના થશે એમ માને છે.

નરસિંહરાવ 'અભિનયકલા' દ્વારા કલાકારો સામે અભિનયનો આદર્શ ઊભો કરે છે. નાટ્યશિક્ષણને ભલે નરસિંહરાવ ન માનતા હોય છતાં તેમનું આ પુસ્તક એ નાટ્યશિક્ષણનું પ્રથમ પાઠ્યપુસ્તક થઈ શકે તેમ છે. અભિનયાદિની ચર્ચા પાશ્ચાત્ય નટ-ચિંતકોનાં મંતવ્યોના આધારે કરી છે. પંડિતયુગનું આ એક મહત્ત્વનું પુસ્તક છે. નાટક વિશેની છૂટીછવાઈ સમીક્ષા મળે છે. પણ 'અભિનયકલા' વિશેનું આવું પુસ્તક આ એક જ મળે છે. નરસિંહરાવ આમેય પ્રખર પ્રબુદ્ધ વિવેચક ને ભાષાશાસ્ત્રી છે. નાટ્યવિવેચનની દૃષ્ટિએ વિચારીએ તો તેમણે ગ્રંથાવલોકનો ઉપરાંત 'અભિનયકલા' દ્વારા નાટકનો વિચાર કર્યો છે.

ગુજરાતી રંગભૂમિ – વ્યવસાયી – બહુ લાંબી ચાલી નથી. ભવાઈની જેમ તે પણ નષ્ટપ્રાય થવા માંડી હતી. રંગભૂમિ પર ભજવાતાં નાટકોથી રણછોડભાઈ ઉદયરામ વ્યથિત હતા તેમ જ નરસિંહરાવને પણ તે સમયની રંગભૂમિએ જ