લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંડિતયુગમાં નાટક વિશેનું નાટ્યવિવેચન • ૩૩
 


નાટ્યસૂઝ સંસ્કૃત સાહિત્ય વિચાર અને પાશ્ચાત્ય ચિંતનથી વિકસી છે. નાટકને તેઓ પણ પુરોગામીઓ – સમકાલીનોની જેમ કાવ્યનો જ એક પ્રકાર માને છે. સાથે એમ પણ માને કે 'નાટક ભજવવા માટે જ' હોય છે. તેમણે ગ્રંથાવલોકનો કર્યા છે તેમાં તેમની નાટ્ય સમજનો અનુભવ થાય છે. પ્રસંગોપાત્ત કરેલા લેખોમાં પણ તત્કાલીન રંગભૂમિની ફિકર અને જિકર તેમણે કરી છે. નાટકો ગુજરાતી ભાષામાં ઓછાં છે તેની ફરિયાદ આરંભથી થતી આવી છે તેમાં રમણભાઈ નીલકંઠ પણ સૂર પુરાવે છે. નાટકનું સાહિત્ય ગુજરાતી ભાષામાં વૃદ્ધિ પામતું નથી. તેનું પણ. મુખ્ય કારણ શ્રમ લેવાની અનિચ્છા છે.'૧૧ રંગભૂમિ અને નાટકની ચિંતા દરેક વિવેચકે કરી જ છે. તત્કાલીન રંગભૂમિના 'વ્યવસ્થાપકોએ નાટક ભજવવામાં પ્રાકૃત વર્ગની રુચિ માટે ઊતરતા પ્રકારની સામગ્રીઓનો એવો ઉપચાર કર્યો છે કે નાટકમાં તેના વિના ચાલે જ નહીં એવી પ્રથા પડી ગઈ છે અને કાવ્યરસ તથા અભિનયને બદલે બે સામગ્રીઓ જ નાટકનું સર્વસ્વ છે એમ સાધારણ રીતે મનાવા લાગ્યું છે. ભભકાવાળા પડદા, રોશની, ધડાકા, ગરબા, નાચ, બાળાઓની કસરત, ટેબ્લો એ બધી સામગ્રીઓ રંગભૂમિના તેમ જ નાટકના ઉત્કર્ષમાં અંતરાય રૂપ બની છે... નવાં નાટકો આવે છે તે પણ એવી ઢબનાં જ બહુધા રચાય છે. રંગભૂમિનો આ સ્થિતિમાંથી ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરવાને બદલે નાટ્યકારો પોતાની કૃતિ રંગભૂમિની વર્તમાન સ્થિતિને અનુકૂળ થાય તેવી રચે છે, એ નિરાશાજનક છે.૧૨ જોકે રંગભૂમિની આ ચિંતાજનક સ્થિતિ વિશે ચર્ચા કર્યા પછી રમણભાઈ નીલકંઠ 'સાહિત્ય લોચન' નામે હિન્દી ગ્રંથમાંથી અવતરણ ટાંકે છે. તેમાં પ્રોફેસર પંડિત શ્યામસુંદર દાસ હિન્દીની તુલનામાં ગુજરાતી રંગભૂમિનો વિકાસ અનુકરણીય છે એમ કહે છે. અલબત્ત, એ રંગભૂમિ પરની ભૌતિક કરામતોને કારણે પ્રભાવિત થયા હશે એમ માનવાને કારણ છે.

ફિરોજશાહ રુસ્તમજી મહેતા

'ઍક્ટિંગના હુન્નરનું વહેવારું શિક્ષણ યાને વ્યવહારોપયોગી અભિનય.' એ દીર્ઘશીર્ષકવાળું નાટ્યતાલીમને લગતું પુસ્તક છે. ગુજરાતી નાટક વિશે નાટકની તાલીમ વિશે આ પૂર્વે આ પ્રકારનું કોઈ પુસ્તક પ્રગટ થયું નહોતું. ૧૯૩૦માં શ્રી નરસિંહરાવ દિવેટિયાનું 'અભિનયકલા' પ્રકાશિત થયું હતું. તે પુસ્તકમાં નાટકના વિચાર અને અભિનયની આવશ્યકતા વિશે તેમણે ચર્ચા કરી હતી. નાટકના વહેવારુ શિક્ષણની ચર્ચા અને માર્ગદર્શન ફિરોજશાહ મહેતાના આ પુસ્તકથી થાય છે. ફિરોજશાહ મહેતા 'ઍક્ટિંગ' ને 'હુન્નર' માનવાના મતના છે. 'અભિનયકલા'માં નરસિંહરાવ અભિનયને 'કલા' કહે છે ત્યારે તેની સર્જનાત્મકતાના ગુણોને ધ્યાનમાં લે છે. 'કલા' જન્મજાત પ્રતિભાની દ્યોતક છે પણ 'હુન્નર' – કારીગરીમાં પ્રતિભાને