પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંડિતયુગમાં નાટક વિશેનું નાટ્યવિવેચન • ૩૫
 

સૂચનાઓ આપી છે. આ પુસ્તકમાં ધ્યાનપાત્ર બાબત એ છે કે ફિરોજશાહ મહેતાએ ત્રણ પુરવણી આપી છે તેમાં નાટકના પ્રકાશ, સંનિવેશ (દૃશ્ય સામગ્રી) વસ્ત્રપરિધાન અને સંગીતની આવશ્યક્તા વિશે ચર્ચા કરી છે. પહેલી પુરવણીમાં તેમણે પ્રતિપાદિત કર્યું છે કે અભિનેતાની કલા અનુકરણ કરતાં સર્જન વિશેષ છે. 'અભિનયકાર એ કાંઈ નાટ્યકારનું કોઈ ભેજા વિનાનું, વિચાર વિનાનું જડ સાધન કિંવા યંત્ર નથી. જેમ નાટ્યકાર પોતાનું નાટક લખતી વેળાએ જે વસ્તુઓ સાથે કામ કરી રહ્યો હોય તેને પોતાના વ્યક્તિત્વના સ્પર્શ આપી રહ્યો હોય છે, તેમ અભિનયકાર પણ રંગમંચ ઉપરથી ઍક્ટિંગ કરતી વેળાએ જે કાંઈ કરી રહેલો છે તેને પોતાના વ્યક્તિત્વના સ્પર્શ લગાડતો જ રહે છે. તો પછી એ પણ નાટ્યકાર જેવો એક સર્જનકાર છે અને છે જ.'૧૫ ફિરોજશાહ મહેતાએ અભિનેતાની કલાને સર્જનાત્મક સિદ્ધ કરવા માટે કેટલાંક ભારતીય અને વિદેશી નાટકો અને અભિનયકારોના દાખલા આપ્યા છે. કેટલીક સાહિત્યકૃતિઓનાં નાટ્યરૂપાંતરો પણ અભિનેતાને કારણે જ સફળ તથા સુવિખ્યાત બન્યાં છે તેમ તેમણે નોંધ્યું છે. આ સાહિત્યકૃતિઓમાં 'કરણઘેલો', હેઝીવુડની વાર્તા પરથી રૂપાંતર પામેલું પારસી નાટક 'ભોલીગુલ', 'દુ:ખિયારી બચુ', 'રિપ વાન વિન્કલ' 'ધ મ્યુઝિક માસ્ટર' અને 'વાંકાનેર આર્ય હિત વર્ધક નાટકમંડળી'નું 'નરસિંહ મહેતા', 'મુંબઈ ગુજરાતી નાટકમંડળી'નું 'સૌભાગ્ય સુંદરી' આદિ નાટકો તેના ઉત્તમ અભિનયકારની પ્રાણવંત અદાકારીને કારણે સુવિખ્યાત થયાં હતાં તેવા દાખલા સાથે તેમણે 'અભિનયકલા'ના મહત્ત્વને પ્રતિપાદિત કર્યું છે. તેમની 'સાત હેમલેટ' અને 'સાત હરિશ્ચંદ્ર'વાળી વાતમાં પણ તથ્ય છે. જેમ પાત્રાલેખન સારુ નાટ્યકારને પોતાના મનને તથા હૃદયને કામમાં લેવાં પડે છે, તેમ અભિનયકારને પણ પોતાના મન પાસેથી અને પોતાના હૃદય પાસેથી કામ લેવાનું હોય છે. એટલા જ માટે 'હેમલેટ' યાને ‘હરિશ્ચંદ્ર'ના પાઠ સાત જુદા જુદા અભિનેતાઓ ભજવે તો પાત્ર એક જ હોવા છતાં રંગમંચ ઉપર સાત હેમલેટ અને સાત હરિશ્ચંદ્ર પ્રગટવાના જ.'૧૬ બીજી 'પુરવણી'માં તેમણે ઍક્ટરનો સીનસિનરી, રંગમંચ પ્રકાશન-વસ્ત્રપરિધાન અને સંગીત સાથેનો સંબંધ વિશે ચર્ચા કરી છે. આ પુરવણીમાં લેખકે તત્કાલીન રંગભૂમિ પર 'સીનરી'ની સ્થિતિ વિશે માર્ગદર્શક વાત કરી છે. દૃશ્યાત્મકતા સિદ્ધ કરવા માટે નાટકમાં અસલ ફર્નિચર કે ભભકાદાર વસ્ત્રપરિધાન, પ્રકાશયોજનાના ઝબકારા, રંગની યોગ્યયોગ્યતા આદિ રંગભૂમિ નાટ્યોપકારક હોવું જોઈએ એમ તેઓ માને છે. નાટકમાં પ્રેક્ષકની કલ્પનાને ઉશ્કેરે એવું દૃશ્ય સર્જવું જોઈએ એમ કહેતી વખતે તેમણે યોગ્ય રીતે જ કહ્યું છે કે 'વાસ્તવિક 'સીનરી'ના નામે થતા દેખાવ વિશે વાસ્તવિક નિયમ વસ્તુઓની ભરપૂરતા નહીં પરંતુ વસ્તુઓની સૂચકતા છે. ખેલ પ્રમાણે સ્થળ બાહેરનું હોય