ગાંધીયુગમાં નાટક વિશેનું વિવેચન |
યુગ બદલાય છે. સાહિત્યના ક્ષેત્રમાં મૂલ્યો અને ગૃહિતોમાં પરિવર્તન આવી રહ્યું છે. પરંતુ રંગભૂમિ અને નાટક વચ્ચેનો ભેદ હજુય એવો ને એવો સ્થિર છે. પંડિતયુગમાં થયેલા આછાપાતળા પ્રયત્નોને નાટક સિદ્ધ કરવામાં સફળતા ન મળી. સાહિત્યિક નાટક કલા-ગુણયુક્ત હોવા છતાં રંગભૂમિક્ષમ અભિનેય નહોતાં અને ભજવાતાં નાટકો પાસેથી શિષ્ટ-માન્ય શિષ્ટ કે સાહિત્યિક ગુણવત્તાની અપેક્ષા સંતોષાતી નહોતી. સર્જકોએ લોકો સમજી, માણી શકે અને ભજવી શકાય તેવી કૃતિ લખવાનો પ્રયત્ન જ ન કર્યો. 'કાન્ત' કે ન્હાનાલાલે લખેલા નાટકો ભજવવાના પ્રયત્નો થયા પરંતુ રંગભૂમિથી દૂર રહીને 'મનની રંગભૂમિ પર' ભજવી શકાય તેવા નાટકો લખનારા સર્જકોને તત્કાલીન રંગભૂમિએ સ્વીકાર્યા નહીં. સર્જકોએ પણ પોતાના પક્ષેથી એવો કોઈ પ્રયત્ન જ ન કર્યો કે જેનાથી નાટક અને રંગભૂમિ બન્ને સિદ્ધ થઈ શકે. કદાચ પ્રયત્ન કર્યો હોત તોય વ્યવસાયી રંગભૂમિના નાટ્યકારોની રંગભૂમિ પ્રત્યેની જે પ્રતિબદ્ધતા હતી તે ક્યાંથી લાવત? કલાકારો-નટચમૂ સાથેનો તથા રંગભૂમિ સાથેનો જીવંત સંપર્ક જ સારા સાચા નાટકો જન્માવી શકે એવી સાદીસીધી વાત પણ આપણા સર્જકો અંગ્રેજી કેળવણી પામ્યા પછી પણ સમજી કેમ નહીં શક્યા હોય તે પ્રશ્ન છે. નાટ્યશાસ્ત્ર પણ નિત્ય અભ્યાસ અને રંગભૂમિ સાથેના સાતત્યને આવશ્યક માને છે. આ બધાના અભ્યાસી હોવા છતાં ઉત્તમ સર્જકો ઉત્તમ – ભજવણીક્ષમ નાટકો આપતા નથી.
૧૯૦૨ની આસપાસ જૂની રંગભૂમિનાં વળતા પાણી થતા અનુભવાય છે. નૃસિંહ વિભાકર ૧૯૦૯ની સાહિત્ય પરિષદમાં રંગભૂમિની પડતીની જાહેરાત કરે છે. રંગભૂમિને ટકાવી રાખવા નાટક અને પ્રયોગ વચ્ચે સમન્વય સિદ્ધ કરવાનો આગ્રહ રાખે છે. નાટકશાળાઓને વિલાસસ્થાનો ગણવાને બદલે શિક્ષણસ્થાનો તરીકે પ્રતિષ્ઠા અપાવવાની તેમની ભાવના હતી. 'નૂતન ગુજરાતને કેવા સાહિત્યની અપેક્ષા છે ?' એ વિષય પર બોલતાં ગુજરાતી નાટક સાહિત્યની દરિદ્રતા અને